Comments

યુક્રેન કટોકટીની ભારત પર શું અસર થશે?

યુક્રેનને રશિયાનું કાશ્મીર ગણાવી શકાય? સોવિયેત સંઘનું પતન થયું ત્યારે યુક્રેન ગુમાવાયું હતું. યુક્રેનની સરહદ યુરોપીય સંઘ અને રશિયા સાથે લાગે છે. એક ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાક તરીકે યુક્રેનને રશિયા સાથે વ્યાપકપણે સામાજિક સાંસ્કૃતિક બંધનો છે અને ત્યાં રશિયન પણ વ્યાપક પણે બોલાય છે. 2014ના પૂર્વાર્ધમાં યુક્રેને જયારે પોતાના રશિયા તરફી રાષ્ટ્રપ્રમુખને ઉથલાવી દીધા ત્યારે રશિયાએ યુક્રેનના દક્ષિણના ક્રિમીયન દ્વીપકલ્પને જોડી દીધું અને પૂર્વ યુક્રેનનો મોટો હિસ્સો હડપનારા અલગતાવાદીઓને ટેકો આપ્યો. બળવાખોરોએ યુક્રેનના લશ્કર સામે લડત આપી છે અને ત્યારથી અત્યાર સુધીમાં 1400 થી વધુ માનવીઓ માર્યા ગયા છે.

રશિયાએ ફરિયાદ કરી છે કે પૂર્વ યુક્રેન માટેના મિન્સ્ક શાંતિ કરારનું હજી પાલન થયું નથી પણ તેના પર સંઘર્ષ ચાલુ રાખવાના આક્ષેપો પણ થયા છે. આજે યુક્રેન સરહદથી વેંત છેટે 150000 રશિયન સૈનિકો ખડકાયા છે. હવે જે કંઇ થશે તેથી યુરોપનું સમગ્ર શાંતિ માળખું જોખમમાં આવી પડશે. તેનાથી ભારતનાં હિતોને પણ અસર થશે. ફ્રેંચ અને જર્મન નેતાઓ શાંતિ યોજના માટે મથી રહ્યા છે તેથી યુધ્ધ ટાળી શકાશે તેવું લાગે છે. રશિયાનો ખુલ્લેઆમ વિરોધ કરવા માટેના અમેરિકી દબાણનો ભારત સામનો કરી રહ્યું છે કારણ કે રશિયા ભારતનું જૂનું મિત્ર છે અને મુશ્કેલીભર્યા સંજોગોમાં રશિયા ભારતની પડખે આવીને ઊભું રહ્યું હતું. આ ઉપરાંત રશિયા ચીન સાથે સારા સંબંધો ધરાવે છે જેની સાથે ભારતને ઉત્તરની સરહદે મોટી સમસ્યા છે. અમેરિકા ભારતને એવું કહે છે કે રશિયા યુક્રેનમાં જે કરે છે તે ચીન ભારત સાથેની ખરેખરી અંકુશ રેખા પર જે કરે છે તેવું જ છે. અમેરિકા ચેતવણી આપે છે કે રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તેનાથી ચીન ભારત-પ્રશાંત પ્રદેશમાં વધુ આક્રમક બનશે પણ ભારતને એવું નથી લાગતું.

ભારતને ચીન સાથે સરહદી વિવાદ છે એ સાચું છે, પૂર્વ લડાખમાં પોતાના પ્રાદેશિક દાવા વિસ્તારવા ચીની સૈન્યની આક્રમક હિલચાલમાં પ્રતિકાર કરવા ભારતે બે રાષ્ટ્રો વચ્ચેની સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો ખડકી દીધા છે. ભારત માને છે કે રશિયા અને યુક્રેનની કટોકટીને ચીન-ભારતના સંબંધોના ખટરાગ સાથે સરખાવી ન શકાય. અલબત્ત, ભારત રશિયા-યુક્રેન સરહદે પરિસ્થિતિ વણસે એમ નથી ઇચ્છતું. યુક્રેનમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે અને તેમની સુરક્ષા ખૂબ મહત્ત્વની છે. આ ઉપરાંત ભારત રશિયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં ક્રુડ ઓઇલ અને શસ્ત્રો ખરીદે છે. તાજેતરમાં ભારતે રશિયા પાસેથી અમેરિકાના વિરોધ છતાં એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી. રશિયા જેનો મુખ્ય નિકાસકાર છે તે ક્રુડ ઓઇલ અને ગેસ જેવા ઊર્જા દ્રવ્યોના ભાવ વધી રહ્યા છે. અમેરિકા અને અન્ય કેટલાક દેશો પોતાનાં નાગરિકોને યુક્રેન છોડવા આદેશ આપે છે. તેનો અર્થ એવો થાય કે સશસ્ત્ર સંઘર્ષ તોળાઇ રહ્યો છે. પણ રશિયા શા માટે યુક્રેનને ધમકાવે છે? સચ્ચાઇ એ છે કે યુક્રેન અમેરિકાના વર્ચસ્વ હેઠળના ‘નાટો’ અને યુરોપીય સંઘમાં જોડાવાના પ્રયત્ન કરે છે તેનો રશિયા લાંબા સમયથી વિરોધ કરે છે.

પશ્ચિમના દેશોએ બાંહેધરી આપવી પડે કે યુક્રેન 30 દેશોના સંરક્ષણાત્મક જોડાણ ‘નાટો’ સાથે જોડાણ નહીં કરે, આ રશિયાની મુખ્ય માંગ છે. પુટિનને શું જોઇએ છે? તેને કાયદેસરનું વચન જોઇએ છે કે ‘નાટો’ વધુ વિસ્તરણ નહીં કરે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્જેઇરાયાબકોવ કહે છે કે યુક્રેન ‘નાટો’નો સભ્ય નહીં બને તે ફરજિયાત છે. યુરોપમાં સત્તાની સંતાકૂકડી ચાલે છે અને અમેરિકા એક તરફ છે તો બીજી તરફ રશિયા, ફ્રાંસ, જર્મની અને અન્ય દેશો વચ્ચે ઝડપાઇ ગયા છે. આ દેશો પણ રશિયા પાસેથી ક્રુડ ખરીદે છે. તેણે કોલસા આધારિત ઊર્જાનો 2038 સુધીમાં પ્રતિબંધ મૂકી દીધો છે. જર્મનીએ પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ‘નોર્ડ સ્ટ્રીમર’ પાઇપલાઇન પ્રોજેકટ આગળ ધપાવ્યો છે. ફ્રેંચ નેતાઓને ચિંતા છે કે અમેરિકા રશિયાને ચીનના ખોળામાં ધકેલી રહ્યું છે.

અમેરિકાએ 8500 સૈનિકોને સાવધ કર્યા છે અને 3000 વધુ સૈનિકોની કુમક જર્મની, રોમાનિયા અને પોલેન્ડને આપે છે. ‘નાટો’ના અન્ય સાથીઓએ પૂર્વ મોરચે પોતાની જમાવટ વધારી છે. પશ્ચિમના ભાથામાં પ્રતિબંધનું શસ્ત્ર છે. હમણાંના સંજોગોમાં અમેરિકા, યુરોપીય સંઘ અને બ્રિટન તે અજમાવશે પણ વિગતો જાણવા નથી મળી. આ પહેલાં પણ યુરોપીય સંઘ અને અમેરિકાના પ્રતિબંધના પગલાથી રશિયન અર્થતંત્રને જફા પહોંચી જ છે. પણ તે કડડભૂસ થવાનાં કોઇ ચિહ્નો નથી બતાવતું. રશિયન વિદેશી હૂંડિયામણના મામલે લાંબી કટોકટી માટે સજ્જ છે. રશિયા સાથે બાથ ભીડવામાં નિષ્ફળતાનો અર્થ અમેરિકા માટે શું હશે? અફઘાનિસ્તાનમાંથી પીછેહઠે અમેરિકાને નામોશી આપી છે. રશિયા બધાને કેટલું દબાવશે? ચીન આ કટોકટીમાંથી શું ધડો લેશે?આ બધી ભારત માટે મુખ્ય ચિંતાની બાબત છે.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top