National

PM મોદી રશિયા અને ઓસ્ટ્રિયાથી ભારત માટે શું લાવ્યા?, સ્વદેશ પહોંચતા જ કરી જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોથી ઑસ્ટ્રિયાની બે દિવસીય મુલાકાતે મંગળવારે 9 જુલાઈએ વિયેના પહોંચ્યા હતા. ત્યાર બાદ આજે પીએમ મોદી ઓસ્ટ્રિયાની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી સ્વદેશ પરત આવ્યા હતા. ત્યારે ભારત પહોંચ્યા બાદ પીએમ મોદીએ પોતાના આ ત્રણ દિવસીય પ્રવાસનો અનુભવ શેર કર્યો હતો.

વિદેશ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીને મંગળવારે પુતિન દ્વારા સત્તાવાર રીતે ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એપોસ્ટલ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રશિયાનું સર્વોચ્ચ સન્માન છે. ત્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં તેમના યોગદાન બદલ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઓસ્ટ્રિયાથી ભારત આવવા રવાના થયા હતા. ત્યારે નવી દિલ્હી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશોના ટોચના નેતૃત્વ સાથે વાત કરી અને દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ઓસ્ટ્રિયાથી રવાના થયા બાદ વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી જવા રવાના થયા છે.” આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ પોતાની મુલાકાત વિશે માહિતી આપી હતી.

ઓસ્ટ્રિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને નવી દિલ્હી રવાના થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મારી ઓસ્ટ્રિયાની મુલાકાત ઐતિહાસિક અને ઘણી અર્થપૂર્ણ રહી છે. આપણા બંને દેશોની મિત્રતામાં નવી ઉર્જા આવી છે. પ્રવાસ દરમિયાન વિયેનામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાનો મને આનંદ છે. મુલાકાત દરમિયામ ચાન્સેલર કાર્લ નેહમરના આતિથ્ય અને સ્નેહ માટે આભાર.

યાત્રા દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે વિયેનામાં મને પ્રોફેસર બિર્ગીટ કેલનર, ડો.માર્ટિન ગેન્સલ, ડો.કેરીન પ્રેઇસેન્ડાન્ઝ અને ડો.બોરેન લારીઓસને મળવાની તક મળી. આ તમામ આદરણીય શિક્ષણવિદો અને સંશોધકોએ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના પાસાઓના અભ્યાસ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. પીએમે કહ્યું કે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવવામાં તેમની ભૂમિકા બદલ હું તેમની પ્રશંસા કરું છું.

ભારતે યુદ્ધને બદલે શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું – પીએમ મોદી
પીએમ મોદીએ યાત્રા દરમિયાન બુધવારે 10 જુલાઈએ વિયેનામાં એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જ્યાં તેમણે કહ્યું હતું કે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોથી સાંસ્કૃતિક વિનિમય અને વેપારના સંદર્ભમાં બંને દેશોને ફાયદો થયો છે.

પીએમએ વધુમાં કહ્યું હતું કે ભારતની જેમ ઓસ્ટ્રિયાનો ઈતિહાસ અને સંસ્કૃતિ પણ ઘણી જૂની અને ભવ્ય રહી છે. તેમણે કહ્યું કે બંન્ને દેશોના એકબીજા સાથેના સંપર્કો પણ ઐતિહાસિક રહ્યા છે. જેનો ફાયદો બંને દેશોને થયો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે હજારો વર્ષોથી વિશ્વ સાથે જ્ઞાન અને કુશળતા વહેંચી છે. તેમજ ભારતે યુદ્ધને બદલે શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું છે.

Most Popular

To Top