Comments

અંદાજપત્ર પાસેથી શું અપેક્ષાઓ છે?

૨૦૨૩-૨૪ ના નાણાંકીય વર્ષ માટેનું કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ થવાની તૈયારીમાં છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બુધવાર તા. ૧લી ફેબ્રુઆરીએ સંસદમાં તે રજૂ કરશે. આ તેમનું પાંચમું અંદાજપત્ર પ્રવચન હશે. ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી પહેલાનું આ છેલ્લું પૂર્ણ કક્ષાનું અંદાજપત્ર હશે. ચૂંટણી પહેલા મોટો ખર્ચ કરવાની આ છેલ્લી તક છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ધંધાર્થીઓ સહિતના જુદા જુદા વર્ગોને રાહત આપવાની લાલચ થઇ શકે છે. આને માટે બીજું પણ ખાસ કારણ છે. નરેન્દ્ર મોદીના મુખ્ય રાજકીય હરીફ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ૩૦૦૦ થી વધુ કિલોમીટરની ભારત જોડો પદયાત્રા હમણાં જ શ્રીનગરમાં પૂરી કરી છે.

બેરોજગારી અને ફૂગાવા જેવા રોજિંદા મુદ્દાઓ પર ભારતીય જનતા પક્ષ અને કેન્દ્ર સરકાર સામે લોક મિજાજ સર્જવા માટે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. પણ નિર્મલા સીતારામનના હાથ બંધાયેલા છે. પશ્ચિમમાં મંદીનું વાતાવરણ સર્જાવાનો અને વૈશ્વિક માંગ ઘટવાનો ડર છે. છતાં નિર્મલા સીતારામને જુદા જુદા લોકોને સંતોષ આપે તેવું દેખાડવા અંદાજપત્રમાં કંઇક કરવું જ પડશે. નિર્મલા સીતારામન પગારદાર કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિતના સામાન્ય માનવી માટે થોડા રાહતના પગલાં ભરે એવી સંભાવના છે. કેટલાક નિષ્ણાતોએ કરના માળખામાં સ્ટાંડર્ડ ડીડકશન અને હાઉસિંગ લોનના વ્યાજને પણ આવરી લેવાની માંગણી કરી છે.

મોદી સરકાર વિશ્વના બે સૌથી ધનાઢય માણસો – ગૌતમ અદાણી અને મૂકેશ અંબાણી જેવા થોડા ધનાઢય વેપારીઓ માટે જ કામ કરે છે એવા રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપવા નિર્મલા સીતારામન વૃધ્ધાવસ્થાની બહેતર સુરક્ષા માટે હાલની કલ્યાણ યોજનાના વિસ્તરણ કરવા સાથે અને માતૃત્વ માટે વધુ લાભ આપે પણ ખરા. અલબત્ત, વૈશ્વિક મંદીના પર્યાવરણમાં નાણાંપ્રધાને નાણાંકીય ખાધ પર નિયંત્રણ જાળવી રાખવાક અને લોકરીઝવણીના પગલાં વચ્ચે સમતુલા જાળવવી પડશે. તેઓ રોજગારી સર્જન અને  માળખાં ઉત્પાદન, ખેતી અને અન્ય મહત્વનાં ક્ષેત્રો પર વધુ ધ્યાન આપે તેવી અપેક્ષા રખાય છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ૨૦૨૩ ના વર્ષનું અંદાજપત્ર નાણાંકીય ખાધ અને આર્થિક વૃધ્ધિ પ્રત્યે સમતુલા જાળવનાર બની રહેશે.

આ અંદાજપત્ર માળખાંકીય ક્ષેત્રે વધુ મૂડી ખર્ચ પર, વધુ ક્ષેત્રો માટે ઉત્પાદન પ્રોત્સાહક યોજના પર અને ગ્રામીણ માંગને વધારવા અને વિનિમેશ લક્ષયાંક પર વધુ ધ્યાન આપશે. સરકાર માળખાંકીય ક્ષેત્ર, સંરક્ષણ, જાહેર ક્ષેત્રના સાહસો, અને રીન્યુએબલ એનર્જી પ્રોજેકટમાં વધુ ખર્ચો કરે તેવી ધારણા રખાય છે. કેપિટલ ગેઇનટેકેસ પ્રત્યે કોઇપણ ફેરફાર પર શેરબજારની ચાંપતી નજર રહેશે. સરકાર દેશમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને મજબૂત કરે અને ઘર આંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કેટલાક ક્ષેત્રોમાં ડયૂટીની સમસ્યાને હાથ ધરે તેવી ધારણા છે.

અંદાજપત્રમાં ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજના અન્વયે વધુ કેટલાક ક્ષેત્રો માટે પણ પ્રોત્સાહન યોજના વિસ્તારવામાં આવે એવી ધારણા છે. મોદીની આર્થિક કાર્યસૂચિમાં ભારતને ઉત્પાદન ક્ષેત્રે ચીનના હરીફ બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે આ માટે ખાસ કરીને રેલવે અને સડક જેવા માળખાંકીય ક્ષેત્ર માટે વધુ નાણાં ફાળવવા અને ખાનગી કારખાના ખર્ચને પ્રોત્સાહન આપવા દ્વારા આ ધ્યેય સિધ્ધ કરવાનું ધાર્યું છે.

બેંકોએ ધીરાણ વધાર્યું છે. અને મૂડીજણસ ઉત્પાદનકો ગેલમાં આવતા જાય છે. માર્ચ-૨૦૧૯ માં ૨.૯ ગણી આવક સામે ગયા સપ્ટેમ્બરમાં ૩.૮ ગણી આવક થાય તે રીતે ધીરાણ અપાયું હતું. સરકારે બેંકોને માંગ વધે અને વૈશ્વિક અસર પડે તે રીતે લાંબા ગાળાનું મૂડી રોકાણ ચક્ર શરૂ થાય તે રીતે નાણાં ફરતા કરવા જણાવ્યું છે. ભારતની અમેરિકા કરતા પણ વધી ગયેલી પોલાદની માંગ ૨૦૨૩ માં મોટા અર્થતંત્રોમાં વધવાની સંભાવના છે. બાંધકામ ક્ષેત્રની તેજી ચાલુ રાખવા ભંડોળની જરૂર પડશે. આ વર્ષે સરકારે ૮૦ કરોડ ભારતીયો માટેની મહામારી કાળની મફત અનાજ યોજના બંધ કરી છે. આમાંથી બચેલા પૈસામાંથી કલ્યાણ યોજનાઓ અને પાંચ વર્ષની ઉત્પાદન સંલગ્ન યોજનાના ૨૪ અબજ ડોલરના કાર્યક્રમ માટે વધુ નાણાં ફાળવી શકાશે.

આ પ્રોત્સાહન યોજનામાં સેમિકંડકટરથી માંડીને વિદ્યુત વાહનોનો સમાવેશ થાય છે. પહેલા તો નાણાં પ્રધાનો અંદાજપત્ર રજૂ કરતાં પહેલાં બ્રીફકેસ લઇને સંસદમાં પ્રવેશતા હોય તેવી તસ્વીરો પ્રચલિત હતી. ૨૦૧૯ થી નિર્મલા સીતારામન પરંપરાગત રીતે વપરાતો લાલ વહી ખાતાનો ચોપડો લઇને આવે છે અને તે દ્વારા બ્રિટીશરોના સંસ્થાનવાદના વારસાને જાકારો આપવામાં આવી રહ્યા હોવાનું લાગે છે. ભારતમાં વેપારીઓ પહેલેથી વહીખાતાના ચોપડાનો ઉપયોગ કરે છે. આખરે તો આપણો રસ એ છે કે એ વહીખાતામાં શું છે!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top