નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. વર્ષના 12 મહિનામાંથી એક મહિનો પૂરો પણ થઈ ગયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ આપણને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં જે ધરખમ ફેરફારો આવી શકે એના એંધાણ આવી ચૂક્યા છે. અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ જાન્યુઆરી, 2023માં જ એક 500 પાનાંનો રીપોર્ટ બહાર પાડીને એવી જાણ કરી છે કે તેઓ વિઝા માટે જે પિટિશનો દાખલ કરવાના હોય છે એની ફીમાં વધારો કરવા ઈચ્છે છે. આ વધારા પર ચર્ચાવિચારણા કરવા માટે 60 દિવસનો સમય છે. એ પૂરો થતાં એ વધારાઓ અમલમાં આવશે અને અધધધ 200 % જેટલો અનેક પ્રકારના વિઝા માટે જે વધારો સૂચવવામાં આવ્યો છે એ અમલમાં આવશે.
અમેરિકા ઈમિગ્રન્ટોનો દેશ છે. ઈમિગ્રેશનની બાબતમાં જે કંઈ પણ સુધારોવધારો અમલમાં આવે એ ફકત અમેરિકાને જ નહીં પણ વિશ્વના બધા જ દેશો અને લોકોને અસર કરે છે. આગામી દિવસોમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં, એના નિયમોમાં, તેમ જ જુદા જુદા પ્રકારની ફીમાં, શું ફેરફારો આવી શકે એ તો અમેરિકાની સરકારની નીતિ, આર્થિક પરિસ્થિતિ તેમ જ વિશ્વમાં જે રોજબરોજ નવા નવા બનાવો બને છે, આંતરવિગ્રહ થાય છે, વ્યાપારના ધારાધોરણ બદલાય છે, તેલના ભાવમાં જે વધઘટ થાય છે, સોનાચાંદી તેમ જ શેરબજારમાં જે ઊથલપાથલ થાય છે આ સર્વે ઉપર અવલંબે છે. આથી ઈમિગ્રેશનને લગતો કાયદો એનો એ જ રહેશે કે બદલાશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે.
સમય બદલાઈ ગયો છે અને ઝડપથી બદલાતો રહે છે. કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ચૂકી છે અને હવે એવા એંધાણ છે કે, આ વર્ષથી આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનું વર્ષ શરૂ થઈ ગયું છે. અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું તો આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સને ખૂબ જ પ્રોત્સાહન આપશે એવું જણાવવા લાગ્યું છે. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટીંગ ખૂબ જ વધારી મૂકશે. એના દ્વારા વિશ્વના લોકો અમેરિકાના ઈમિગ્રેશન વિષે, એમણે જે પિટિશનો દાખલ કર્યા હોય એના વિષે સવિસ્તાર વધુ ને વધુ જાણકારી મેળવી શકશે. એક પરદેશી જેના લાભ માટે ઈમિગ્રેશનનું પિટિશન દાખલ થયું હોય એ પિટિશન ઉપર અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ નિર્ણય લીધો કે નહીં? જો નિર્ણય લીધો હોય તો શું લીધો છે? એ પિટિશન ક્યાં સુધી પહોંચ્યું? હજુ એ અપ્રુવ થાય એ માટે કેટલો સમય વાટ જોવાની રહેશે? આ બધું જ હવે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સના વધુ પડતા વપરાશના કારણે ઝડપથી જાણી શકાશે.
એમ્પ્લોયમેન્ટ બેઝડ જે 4 જુદી જુદી ઈમિગ્રન્ટ વિઝાની કેટેગરી છે એની જે ફાઇલિંગ ફી છે એમાં તો વધારો કરવામાં આવશે જ પણ સાથે સાથે એ પિટિશનો દાખલ કરનારાઓને ‘અસાયલમ પ્રોગ્રામ’ ફી પણ આપવી પડશે, એવું હાલના અમેરિકાના ઈમિગ્રેશન ખાતાના વિચારો જાણતા માલમ પડે છે. એમ્પ્લોયમેન્ટ બેઝડ ફિફથ પ્રેફરન્સ કેટેગરી જે EB-5 તરીકે ઓળખાય છે જેની હેઠળ 8 લાખ ડોલરનું રોકાણ કરતાં ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય છે એ ઈન્વેસ્ટરોના ગ્રીનકાર્ડની ફી 10,000 ડોલર યા એથી પણ વધારે કરવામાં આવી શકે છે.
અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું વારંવાર જણાવી રહ્યું છે કે, તેઓ જે પ્રોસેસિંગ ટાઈમ લગાડે છે એ ઓછો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ વર્ષે એવું જણાય છે કે, ખરેખર જુદા જુદા પ્રકારના ઈમિગ્રેશનને લગતા પિટિશનોના પ્રોસેસિંગ ટાઈમમાં ઘટાડો થશે અને સાથે સાથે જે પિટિશનોનો ભરાવો થઈ ગયો છે એ ભરાવો ઓછો થશે. આજે વિશ્વભરના દેશોના લોકોને જે ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે એ વિઝાની વાર્ષિક સંખ્યા મર્યાદા દૂર કરવામાં આવશે. આની અસર ખૂબ જ ઊંડી પડશે અને ભારતીયોને ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જે ખૂબ લાંબો સમય વાટ જોવી પડે છે એ સમયમાં ઘટાડો થશે.
ભૂતકાળમાં વર્ષ 1929માં જે ગ્રેટ ડિપ્રેશન અમેરિકા ઉપર છવાયું હતું અને ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એના કારણે વિશ્વના અનેક દેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અમેરિકા ભણી પ્રયાણ કર્યું હતું. અમેરિકાને આવા, જે દેશના લોકોને પારાવાર હાડમારી પડી હતી એમને રાજકીય આશરો તેમ જ રેફ્યુજી સ્ટેટસ આપવાની ફરજ પડી હતી. આવી કટોટકી ફરીથી પણ સર્જાય એવું આ વર્ષે ચોખ્ખું જણાય છે.
રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ આદર્યું છે. યુક્રેનના રહેવાસીઓએ અમેરિકા ભણી આશરાની મીટ માંડી છે. ચીન જે પ્રકારની હિલચાલ કરી રહ્યું છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ત્યાંના લોકોમાં જેતે અસંતોષ જોવા મળી રહ્યો છે, અફઘાનિસ્તાન અને ઈરાનમાં તાલીબાનો જે પ્રકારે ઉપદ્રવ આચરી રહ્યા છે આ સઘળાને કારણે અમેરિકા પ્રત્યે રાજકીય આશરો મેળવવા તેમ જ રેફ્યુજી સ્ટેટસ પામવા હજારોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે આના કારણે અમેરિકામાં કટોકટી ઊભી થવાનો પૂરોપૂરો સંભવ છે. આ કારણસર પણ અમેરિકાને ઈમિગ્રેશનને લગતા કાયદાઓમાં ઘણા ફેરફારો આવવાની શક્યતા રહેલી છે. અમેરિકામાં આજે એકથી સવા કરોડ જેટલા લોકો ગેરકાયદેસર રહે છે.
ભૂતકાળમાં અમેરિકાએ એમને ત્યાં ઈલીગલી રહેતા લોકોને અમુક સંજોગોમાં, અમુક શરતોએ અમુક પેનલ્ટી લઈને માફી આપી છે અને ગ્રીનકાર્ડ બક્ષ્યા છે. આ કારણસર હાલમાં અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર છે તેઓ એવું માનવા લાગ્યા છે કે અમેરિકા આ વર્ષે માફી જાહેર કરશે. એમ્નેસ્ટી આપશે. તેઓ બધા અમેરિકામાં કાયદેસર કાયમ રહી શકશે પણ અમેરિકાના હાલના પ્રમુખ જો બાયડનની નીતિ અને વિચારો તેમ જ એમનું આચરણ જોતા એવું લાગે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને માફી આપવા નથી માંગતા.
ઊલ્ટાનું તેઓ ઈલીગલ ઈમિગ્રન્ટો માટે અમેરિકામાં રહેવું કઠણ બનાવશે. નવા વર્ષમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ઉપર જણાવેલ કે એના જેવા જ ફેરફારો આવવાની શક્યતાઓ છે. જો તમારે વિશ્વના સૌથી આગળ પડતા, તેમ જ ધનાઢ્ય દેશ અમેરિકામાં જવું હોય તો ત્યાં ગેરકાયદેસર જવાનો ઈરાદો તો સેવતા જ નહીં. અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા મેળવવા માટે ઈમિગ્રેશનના કાયદાના જાણકાર અનુભવી એડવોકેટની સલાહ લો અને ત્યાર બાદ કાયદેસર જ અમેરિકામાં પ્રવેશવાનું વિચારો.