Trending

શું છે ઓપરેશન એપિક ફ્યુરી અને લાયન’સ રોર?

ઓપરેશન એપિક ફ્યુરી’ એ શનિવારે ઈરાન સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ચાલુ હુમલાઓનું કોડ નેમ છે. આ હુમલો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈરાનને 10 દિવસનો અલ્ટીમેટમ આપ્યાના થોડા દિવસો પછી થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરતા દાવો કર્યો હતો કે તેમનો ધ્યેય અમેરિકન લોકોનું રક્ષણ કરવાનો અને ઈરાની શાસન તરફથી નિકટવર્તી જોખમોને દૂર કરવાનો છે. પેન્ટાગોને આ કાર્યવાહીને સત્તાવાર રીતે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપ્યું. દરમિયાન, ઇઝરાયલે તેના ભાગને ‘ઓપરેશન લાયન’સ રોર’ નામ આપ્યું. રાજધાની તેહરાનમાં બોમ્બમારો તેમ જ ઇસ્ફહાન સહિતના મહત્વપૂર્ણ શહેરોમાં હવાઈ હુમલાઓના અહેવાલોએ મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવને ચરમસીમાએ પહોંચાડ્યો. થયેલા આ હુમલાઓમાં વપરાયેલા નામ કેવી રીતે પડ્યા હશે? જવાબ આ રહ્યો.

“ઓપરેશન એપિક ફ્યુરી” શું છે?

“ઓપરેશન એપિક ફ્યુરી” અમેરિકાની આગેવાની હેઠળનું બહુ-ડોમેન લશ્કરી અભિયાન છે, જેમાં ઇઝરાયલની સક્રિય ભાગીદારી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઈરાનની પરમાણુ ક્ષમતાઓને રોકવાનો, તેના બેલિસ્ટિક મિસાઇલ બેઝને નષ્ટ કરવાનો અને પ્રાદેશિક અસ્થિરતા ઉભી કરતી ગતિવિધિઓને અટકાવવાનો હોવાનું જણાવાયું છે. અહેવાલો મુજબ, તેહરાન સ્થિત લશ્કરી કમાન્ડ નોડ્સ, મિસાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માત્ર હવાઈ અને નૌકાદળ હુમલાઓ સુધી સીમિત નહોતી. સાયબરસ્પેસમાં પણ વિશાળ ઓપરેશન હાથ ધરાયું હતું. અમેરિકાએ યુરોપોલ અને યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર જેવા ભાગીદારો સાથે મળીને એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ જૂથોના “કમાન્ડ એન્ડ કંટ્રોલ” સર્વરોને નિષ્ક્રિય કર્યા. “એપિક ફ્યુરી” નામ રક્ષણાત્મક નીતિમાંથી આક્રમક વ્યૂહરચનામાં પરિવર્તન દર્શાવે છે. આ મલ્ટિ-ડોમેન અભિગમ જમીન, આકાશ, દરિયો અને સાયબર ક્ષેત્ર તમામ મોરચા પર દબાણ બનાવે છે.

“ઓપરેશન લાયન’સ રોર” શું છે?

ઇઝરાયલે પોતાની કાર્યવાહીને “ઓપરેશન લાયન’સ રોર” નામ આપ્યું, આ નામ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. આ નામ શનિવારથી શરૂ થયેલા હવાઈ અને મિસાઇલ હુમલાઓને ચિહ્નિત કરે છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા ઉપયોગમાં લેવાતા આંતરિક કોડનેમને બદલીને આ નામ જાહેર કરવામાં આવ્યું. ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું છે કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે મળીને ઈરાન સામે વિશાળ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. તેમના જણાવ્યા મુજબ આ અભિયાનનો હેતુ ઈરાનના શાસન તરફથી ઊભા થયેલા અસ્તિત્વના જોખમને દૂર કરવાનો છે. આ પગલાને ઐતિહાસિક ગણાવતા અમેરિકાના પ્રમુખ Donald Trumpનો આભાર વ્યક્ત કર્યો હતો. નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા 47 વર્ષોથી આયાતુલ્લાહ અલી ખામેની શાસન ઇઝરાયલ અને અમેરિકાના વિરુદ્ધ આક્રામક નારા લગાવી રહ્યું છે અને પ્રાદેશિક અશાંતિને પ્રોત્સાહન આપતું આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા શાસનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપી શકાતી નથી, કારણ કે તે માત્ર ઇઝરાયલ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો બની શકે છે. વડાપ્રધાને આ સૈન્ય અભિયાનને “ઓપરેશન લાયન્સ રોર” તરીકે સંબોધિત કર્યું હતું .

Most Popular

To Top