ગાંધીનગર: પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે, જેના પગલે રાજ્યમાં આાગમી નજીકના દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એટલું જ નહીં, રાજ્યમાં માવઠાની શકયતા રહેલી છે. ખાસ કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા પાટણમાં માવઠું થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક ભાગમાં પણ માવઠું થવાની સંભાવના છે. જ્યારે આજે દિવસ દરમ્યાન રાજ્યમાં કચ્છના નલિયામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ખાસ કરીને નલિયામાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
રાજ્યમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., અમરેલીમાં 15 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમા 17 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 13 ડિ.સે., અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 19 ડિ.સે. અને સુરતમાં 18 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, 24 કલાક પછી રાજ્યમાં 2થી 3 ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી શકે છે. આગામી સપ્તાહે ઠંડીમાં વધ- ઘટ જોવા મળશે.