કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે (TMC) રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. તૃણમૂલની આ જીત કેટલી મોટી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અન્ય તમામ વિપક્ષી દળો મતગણતરીનાં આંકડાઓમાં તેની આસપાસ પણ પહોંચી નથી શકયા. રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસે કુલ 928 જિલ્લા પરિષદ બેઠકોમાંથી 880 બેઠકો જીતી છે અને તેની નજીકની હરીફ ભારતીય જનતા પાર્ટીએ 31 બેઠકો જીતી છે. કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનને 15 બેઠકો મળી હતી અને બાકીની 2 બેઠકો અન્ય ઉમેદવારોએ જીતી હતી.
તૃણમૂલ કોંગ્રેસે બધાને પાછળ છોડી દીધા
SEC અનુસાર તૃણમૂલ કોંગ્રેસે 63,229 ગ્રામ પંચાયત સીટોમાંથી 35 હજારથી વધુ સીટો જીતી છે. SEC દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ભાજપે લગભગ 10,000 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનને લગભગ 6,000 બેઠકો મળી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણના દિવસથી મતગણતરી સુધી જબરદસ્ત હિંસા થઈ હતી જેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. બોમ્બમારા, મારામારી, હત્યા જેવાં ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ધણાં કિસ્સામાં લોકો બેલેટ બોક્સ લઈને પણ ભાગ્યા હતા.
ભાજપે 10,000 બેઠકો જીતી
આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી માટે રાહતની વાત એ હતી કે તેમના નંબર 2ના દરજ્જાને કોઈ અસર થઈ નથી. ભાજપ માટે એ પણ સંતોષની વાત છે કે જ્યાં ગત પંચાયતની ચૂંટણીમાં તેણે લગભગ 5,800 બેઠકો જીતી હતી ત્યાં આ વખતે પાર્ટીએ લગભગ 10,000 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં અનુમાન છે કે છેલ્લી પંચાયતની ચૂંટણીની સરખામણીએ ભાજપે ગ્રામીણ વિસ્તારોમાં પોતાનો જનાધાર વધાર્યો છે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને કંઈ ખાસ કરી શક્યા ન હતા.
તૃણમૂલ પોતાના હેતુને પ્રાપ્ત કરવામાં સફળ થયું
તૃણમૂલનો ઉદ્દેશ્ય ગ્રામીણ ચૂંટણીઓમાં મોટી જીત મેળવવાનો હતો જેથી તે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના મતદારોમાં વિશ્વાસ વધારી શકે. 2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલે 22 બેઠકો જીતી હતી જ્યારે ભાજપ 18 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ પછી 2021ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલે સારી વાપસી કરી 294 સભ્યોની વિધાનસભામાં 215 બેઠકો જીતીને બહુમતી સાથે સત્તામાં આવી હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપને 77 બેઠકો મળી હતી.