ઓફિસને બાદ કરો તો દરેક પ્રોફેશનલ કે સફળ વ્યક્તિની ચાલીસ વરસની આસપાસ એક મહેચ્છા તો હોય છે કે તેના બે ઘર હોય. એક ઘર જે તેના વ્યવસાયના શહેરમાં હોય છે જે ક્યાં તો તેને વારસામાં મળ્યું હોય અથવા વ્યવસાયમાં ખૂબ મહેનત કરીને તેણે જાતે વસાવ્યું હોય છે. તેના જીવનના પાંચમાં દાયકામાં તે સામાજિક રીતે ઠરી ઠામ થાય, થોડો પૈસે ટકે સુખી થાય અને ઘરવાળી અને મોટા થઇ રહેલા બાળકોની ફરમાઈશ અને થોડી જીદથી તે શહેરથી નજીક એક હજારથી પાંચ હજાર ચોરસ વાર વાળા પ્લોટ લેવાનો પ્રયાસ કરે છે.
ખેડૂત તો છે નહિ એટલે પાંચ દસ વીઘા જમીન ખરીદીને ત્યાં રહે અને ખેતી કરે. બિન-ખેડૂત લોકો માટે આ એક જ ઓપ્શન હોય છે. જ્યાં મોટો જમીનનો પ્લોટ લઈ નાનું બે દિવસ આરામથી ચીલ કરી શકાય તેવું એક કે બે બેડરૂમ વાળું મકાન બંધાવે અથવા કોઈ બાંધેલા નાના વિકએન્ડ હોમ્સ વાળી સ્કીમમાં એક મેમ્બર તરીકે જોડાઈ જાય. આમ તો દરેક શહેરની ચારે દિશામાં આવા ફાર્મહાઉસ ઉર્ફ વિકેન્ડ હોમ્સ ડેવલપ થઇ જ રહ્યા હોય છે. દર શની-રવિની રજામાં તે તેના નાના કુટુંબ સુખી કુટુંબ સાથે એક લોંગ ડ્રાઈવના ભાગ રૂપે જુદી જુદી સ્કીમો જોવા નીકળી પડે છે.
તેની મૂળભૂત બે-ત્રણ શરતો હોય છે. એક તો આ લોકેશન તેના ઘરથી 30થી 50 કિમીના અંતરે હોવું જોઈએ જેથી શુક્રવારે એકાદ કલાકમાં ત્યાં પહોંચી શકાય. તે સ્ટેટ કે મેઈનરોડની નજીક હોવું જોઈએ જેથી આવનજાવન સ્મુધ રહે. પોળ કે રો હાઉસ કે સોસાયટીની જેમ મકાનો એકબીજાની અગલબગલમાં ના હોવા જોઈએ જેથી તમારી રિલેકસ મોમેન્ટસનું પાડોશીઓની આંખોથી સ્ટીંગ ઓપરેશન ના થયા કરે ખાસ તો નેચરલ વાતાવરણ હોવું જોઈએ. થોડી ધીરજ રાખશો અને લોકેશન રીસર્ચ કરશો તો જરૂર ડ્રીમ વિકએન્ડ મળી જ જતું હોય છે. શહેરથી થોડે દુર કોઈ ગામ પાસે હોવાથી કિમતમાં પણ ઘણું સસ્તું પડે છે.
મોટાભાગના લોકોની પત્ની તો આજીવન એક જ રહે છે અને રહેશે. ભલે કદાચ કેટલાંક પતંગિયા પ્રકૃતિના લોકો તેમની આંખો કે મગજથી ‘ગુપ્તાખિયા’કે ઇતરપ્રવૃતીઓ કરતા હશે અને આંગળીના વેઢે ગણાય તેટલા લોકો ‘સ્ટેપની’ કે ‘સ્પેરવ્હીલ પણ જાહેરમાં કે ખાનગીમાં રાખતા હશે. બાકીના મેજોરીટી લોકો એક પત્નીત્વ બાબતમાં ફર્મ હોય છે. કદાચ એટલે તેમની માનસિકતા એવી રહેતી હોય કે જે વસ્તુઓ બે થઇ શક્તિ હોય અને અનિવાર્ય હોય તો ચોક્કસ કરવી. કદાચ એટલે બે કારત્વ, બે ગૃહત્વ. બે મોબાઈલત્વ આમજનતામાં સામાન્ય ઘટના થઇ ગઈ છે.
આમ બીજા ઘરની જેમ સ્થાપિત થયેલા વિકએન્ડ હોમમાં પણ દરેક લક્ઝરી ઘરવખરી વસાવવી પડે છે. ભલે તમે બે જ હો પણ બે ઘરમાં બે કોમ્યુટર્સ, બે AC, બે ફીજ, બે RO સિસ્ટમ. બે માઈક્રોવેવ અને બે OTG, બે ગેસ સ્ટોવ અને બે ઇન્ડકશન પ્લેટ્સ વસાવાય છે. વિકએન્ડ હોમ તમે કઈ ઉંમરે ખરીદો છો તે બહુ અગત્યનું છે. જો તમારા ચોથા પાંચમા દાયકામાં ખરીદો તો તમે તેનો મેક્સીમમ આનંદિત ઉપયોગ અને ઉપભોગ કરી શકો છો. તે સમયકાળમાં તમારા બાળકો પણ મોટા થઈને તેમની કેરીયરમાં સેટ થઇ ગયા હોય છે. તમે બંને એકલા પડ્યા હો એટલે દર શનિ-રવિમાં ત્યાં જઈ રિલેકસ થઇ શકાય.
હેલ્થ જાળવી હશે અને રીટાયર થયા પછી એટલે ૬૫ કે ૭૦ વરસે પણ તમે આવા સાહસ કરશો તો કુદરતી વાતાવરણમાં હવા અને પોલ્યુશન ફ્રી તમારું મન તો પ્રફુલ્લિત થશે પણ કદાચ તન થાકી જાય ત્યાં પંદરસો વારના પ્લોટમાં દોઢસો વારનું એક બેડરૂમ હોલ કિચન વાળી નાની બંગલી બનાવી હોય અને તેમાં આગળ પાછળ વરંડો અને બંને બાજુ લીલુછમ ગાર્ડન અને તેની પાળીએ કરણ ચંપો. જાસુદના ફૂલો વાળા છોડ તમને રાષ્ટ્રપતિભવનના બાગની યાદ અપાવી દે છે. બંને વરંડા ઉપર ઝરૂખા ટાઈપનું ધાબુ તમારા ‘મી અને વી ટાઈમ’ વખતે સવારની ચા પીતા પીતા ‘વેલકમ સૂર્યોદયને અને સાંજે કોફી પીતા પીતા ગુડ બાય સુર્યાસ્ત’ને એક ઉમંગ અને ઉત્સાહનો ઉત્સવ બનાવી દે છે.
જો વિકએન્ડ હોમનો દર અઠવાડિયે ઉપયોગ કરો તો સોમ થી શુક્રના વિક-ડેઝમાં કામ કરવા માટે તમારામાં જબરદસ્ત ઉર્જા ચાર્જ થઈ ગઈ હોય છે, આ રિલેકસીંગ ફાર્મહાઉસ થયું. ચાલીસ વરસથી પતિ પત્ની તરીકે ટેવાઈ ગયા હોઈએ એટલે એકલા રિલેકસ થવાનું સારું લાગે છે પણ કયારેક ઈચ્છા થાય કે કોઈ કંપની સાથે વિકએન્ડ હોમમાં રહીએ તો જરા વધુ મજા આવે. તે હિસાબે બે ચાર મહીને તમે તમારા ફેમીલી મેમ્બર્સ કે નજીકના મિત્રમંડળને હવે આ જ જગ્યાનું ટુનાઈટ થ્રી ડેસનું પેકેજ ફ્રીમાં આપો એટલે એક ફેમીલી પીકનીક જેવું લાગે અને મજા પણ આવે. સ્વાભાવિક છે કે તે વખતે તમે વિકએન્ડ હોમની ખાલી જગ્યાથી એક નાની ફૂલ ફરનિશ્ડ બંગલી કઈ રીતે બનાવી તેની ટૂંકી વાર્તા કરો છો. તમે સ્કીમના રસોડે પંજાબી જમાડો અને ગેસ્ટની જેમ જ રાખો એટલે તે બધા વાટકી વહેવાર તરીકે સીતેરની ઉંમરે તમે બનાવેલા ફાર્મહાઉસના અને તમારી હિંમત અને પેશનના તમારા મોં ઉપર વખાણ કરવાના જ છે. ભાગ્યે જ કોઈ અદેખો આ ઘરને ઉભરાતી કમાણી કે છલકતો વૈભવ ગણાવશે.