બૉબી દેઓલની ‘આશ્રમ’ વેબ સીરિઝમાંથી દર્શકોનું મન ઊઠી રહ્યું છે, ત્યારે OTT પર એની નવી સિઝનની તૈયારી ચાલી રહી છે. તેનું ટીઝર પણ ત્રીજા ભાગના અંતમાં આપી દીધું છે. જેમાં પમ્મી એક ચાલ ચાલતી દેખાય છે. ત્રીજા ભાગમાં કોઇ ક્લાઇમેક્સ ન રાખીને અધૂરા રહસ્ય મૂકી 2023માં ચોથી સિઝન જોવા મજબૂર કરવાની નિર્દેશક પ્રકાશ ઝાની આ ચાલાકીની ટીકા થઇ રહી છે.
એક ફિલ્મ નિર્દેશક તરીકે એમણે જે પ્રતિષ્ઠા મેળવી હતી એ ગુમાવી રહ્યા છે. આ વખતે ‘આશ્રમ’નું નામ બદલીને ‘એક બદનામ… આશ્રમ 3’ કરી દીધું હોવા છતાં એમાં વાર્તા ખાસ બદલાઇ નથી. એમણે જે આશા ઊભી કરી હતી એ ત્રીજા ભાગમાં પૂરી થતી નથી. વેબ સીરિઝ પરથી એ પકડ ગુમાવી રહ્યા હોય એવું લાગે છે. બીજા ભાગમાં બાબાએ પમ્મી (અદિતિ)નું શોષણ કર્યું હતું અને એ તેમની ચુંગાલમાંથી ભાગી ગઇ હતી. હવે બદલો લેવા અને બાબાની પોલ ખોલવા આવી છે. 50 મિનિટ સુધીના લાંબા પૂરા 10 એપિસોડ પછી પણ એ બદલો લઇ શકતી નથી.
એ સાથે બીજી વાર્તાઓ ચાલે છે. દ્રશ્યો એટલાં લાંબાં છે કે ઘણા સમીક્ષકોએ એ વાતની ખુશી વ્યક્ત કરી છે કે OTT પર દર્શકો પાસે ફાસ્ટ ફોરવર્ડનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ વખતે રાજકારણ ઉમેરી દીધું છે. બિનજરૂરી રીતે કેટલાક મસાલા નાખવામાં આવ્યા હોવા છતાં વારંવાર એપિસોડ કંટાળાનજનક બને છે. દરેક નવા એપિસોડ સાથે એવી આશા જાગે છે કે કંઇક નવું જોવા મળશે પણ એ એમ જ પૂરો થઇ જાય છે. ત્યારે ચોથી સિઝનનું પ્રકાશ ઝાએ જ નહીં, બોબીએ પણ જોખમ લીધું છે એમ કહી શકાય.
આ વખતે ટ્વિસ્ટ લાવવા ઇશા ગુપ્તા (સોનિયા)નું નવું પાત્ર આવ્યું છે. એને શો પીસ બનાવવામાં આવ્યું છે. ઇશાના પાત્રની ગરિમાનું સ્તર નીચે જવા દીધું છે. પહેલા ભાગ પછી બોબી દેઓલનું અભિનયમાં એક નવા અંદાજ સાથે પુનરાગમન થયું હતું. તેની બાબા નિરાલાની દમદાર ભૂમિકા અને વાર્તાને કારણે 2 ભાગ સુધી દર્શકો જોડાયા હતા.
ત્રીજા ભાગમાં બોબીની ભૂમિકાને ઘટાડવામાં આવી છે. વળી બોબીની ઇમેજ એન્ટી હીરો જેવી ઊભી કરી છે. તેમ છતાં એના નામ પર જ આ વેબ સીરિઝનો પ્રચાર થયો છે, ત્યારે તેના સાથી ‘ભોપા સિંહ’ના પાત્રમાં ચંદન રોય કમાલ કરી ગયો છે. તે ઘણાં દ્રશ્યોમાં બોબી પર ભારે પડ્યો છે. ‘બબીતા’ના પાત્રમાં ત્રિધા ચૌધરી દરેક ભાગમાં અભિનયની છાપ છોડી ગઇ છે.