જે રીતે જંગલ ઓછા થઈ રહ્યા છે તે રીતે તો આગામી વર્ષો માં આ શબ્દ માત્ર પુસ્તક માં જ જોવા મળશે. પરંતુ જાગૃત નાગરિક અને વન વિભાગના અધિકારીઓ જે પ્રયત્ન કરી રહ્યા છે તે કાબિલે દાદ છે. આવો જ એક કિસ્સો તાજેતર માં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં બહાર આવ્યો છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. ગુજરાતીમાં બહેડો, હિન્દીમ બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની ૧૨ હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. ૮૩૨ સે.મી. પરિઘ ધરાવતું આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે. તેમણે એક રસપ્રદ વાત જણાવતાં કહ્યું કે, કોઈ પણ વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે ઓછામાં ઓછી ૫૦૦ વર્ષ અને મહત્તમ ૮૦૦ વર્ષ પણ હોવાની પ્રબળ શક્યતાઓ છે. વર્તમાન યુગમા જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. હાલમાં જ કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સુપેરે સમજાયું છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી આપણાં પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવીએ એ જરૂરી છે.
બહેડાના અનેકવિધ ઔષધિય ગુણો અંગે ઋચિ દવેએ વિગતો આપતાં કહ્યું કે, વાત, પિત્ત અને કફ ત્રણે દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે. બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે. નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સબંધિત રોગોમાં ઉપયોગી છે. લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે. આંખ, નાક, વાળ, હ્રદયરોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે. આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.