National

સમાજમાં એવા લોકો જરૂરી જે સરકારને કોર્ટમાં પડકારેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનો અને મહત્વના નિર્ણયોને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ગત રોજ રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમ સંબોધતી વખતે તેમણે કહ્યું કે, જો સિસ્ટમમાં અનુશાસન એટલે કે શિસ્ત ઇચ્છીએ તો સરકાર સામે કોર્ટનો આશરો લેવો જરૂરી છે.

નાગપુરમાં ગતરોજ તા.13જુલાઇ રવિવારે પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશળ સંઘટક પુરસ્કાર સમારોહમાં નીતિન ગ઼ડકરીએ હાજરી આપી હતી. તે દરમિયાન તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે ઘણીવાર કોર્ટનો આદેશ એ કામ કરાવી દે છે જે સરકાર પોતે કરાવી શકતી નથી. સમાજમાં કેટલાક લોકોએ સરકાર વિરુદ્ધ અદાલતમાં અરજી દાખલ કરવી જોઇએ. જેથી નેતા અને સિસ્ટમમાં સુધારો અને શિસ્ત આવે છે. કારણ કે ઘણીવાર મંત્રી જે કામ કરી શકતા નથી તે કોર્ટનો આદેશ કરાવી દે છે.

નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં ઘણીવાર એવી ચર્ચા ચાલી રહી છે કે સામાન્ય નાગરિકોને પોતાના અધિકારો માટે ન્યાયતંત્રનો આશરો લેવો પડે છે. ગડકરીનું આ નિવેદન સત્તામાં રહીને સિસ્ટમની ખામીઓને સ્વીકારવા અને કોર્ટની શક્તિને ઓળખવા તરીકે જોવામાં આવી રહ્યું છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જેમને ‘કુશળ આયોજકો’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે સરકાર સામે ઘણી કાનૂની લડાઈઓ લડી હતી અને વહીવટને જવાબદાર ઠેરવ્યો છે. સમાજમાં આવા જાગૃત અને લડાયક લોકોની હાજરી જરૂરી છે જે સિસ્ટમની ભૂલોને ઉજાગર કરે છે અને જનતાના હિતમાં પગલાં લે છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આ લોકો ફક્ત વિરોધ કરવા માટે કામ કરી રહ્યા ન હોતા, પરંતુ જાહેર હિતમાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, આ લોકોએ કોર્ટ દ્વારા સરકારની જવાબદારી નક્કી કરી અને સાબિત કર્યું કે લોકશાહીમાં જાગૃત નાગરિકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે .

Most Popular

To Top