World

‘અમે ગુંડાઓથી ડરતા નથી’, વિજય દિવસ પરેડમાં શી જિનપિંગનો ટ્રમ્પને કડક સંદેશ

ચીનની રાજધાની બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર ખાતે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠ નિમિત્તે એક વિશાળ લશ્કરી પરેડ યોજાઈ હતી. આ ઐતિહાસિક પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિશ્વને ચેતવણી આપી કે માનવજાતે શાંતિ અને યુદ્ધ, વાતચીત અને સંઘર્ષ તથા પરસ્પર લાભ અને નુકસાન વચ્ચે સ્પષ્ટ પસંદગી કરવી પડશે.

પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યારે પશ્ચિમી દેશોના મોટા ભાગના નેતાઓએ કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું. પશ્ચિમના દેશો ગેરહાજર રહેવાનું કારણ યુક્રેન યુદ્ધ અને કિમ જોંગ ઉન પર લાગેલા પ્રતિબંધો હોવાનું માનવામાં આવે છે.


માઓ ઝેડોંગની શૈલીના સૂટમાં દેખાતા શી જિનપિંગે 50,000થી વધુ લોકોની ભીડને સંબોધન કર્યું અને કહ્યું “ચીન કોઈપણ ગુંડાગીરીથી ડરતું નથી અને હંમેશા ઇતિહાસના સાચા માર્ગ પર આગળ વધશે.” તેમના ભાષણ દરમિયાન હાઈપરસોનિક મિસાઇલ, આધુનિક ડ્રોન, ટેન્ક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ચીનની સૈન્ય ક્ષમતા અને પ્રભાવ બતાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું કે ચીની લોકોએ જાપાન સામે લડનારા નિવૃત્ત સૈનિકોને ક્યારેય ભૂલવા ન જોઈએ અને ઇતિહાસમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે પરેડને ચીનના “મહાન પુનર્જન્મ”નું પ્રતીક ગણાવ્યું.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમને યુએસ વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે. જોકે તેમણે શી સાથેના પોતાના “સારા સંબંધો”ની પુનરાવર્તી કરી હતી. ટ્રમ્પના ટેરિફ નીતિઓ પર પણ શીએ આડકતરી ટીકા કરી અને કહ્યું કે હવે વિશ્વને “શીત યુદ્ધની માનસિકતા અને સત્તાના રાજકારણ” સામે લડવું પડશે.

આ પરેડને ચીન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સૈન્ય શક્તિ અને રાજદ્વારી મહત્વ દર્શાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. સાથે જ પુતિન અને કિમ જોંગ ઉન સાથેના સંબંધોને મજબૂત કરવા માટે પણ આ મંચ ચીન માટે ઉપયોગી સાબિત થયો છે.

આ રીતે વિજય દિવસની આ ભવ્ય પરેડ ચીનના પ્રભાવ અને નવી વિશ્વ વ્યવસ્થાના સ્વપ્નનું પ્રતીક બની રહી છે. જેમાં શી જિનપિંગે સ્પષ્ટ સંદેશ આપ્યો “ચીન ડરશે નહીં અને હંમેશા આગળ વધશે”.

Most Popular

To Top