નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને (Landslide) કારણે જાનમાલને મોટું નુકશાન થયું છે. ત્યારે ગઇકાલે ત્રણ જગ્યાએ થયેલા ભૂસ્ખલન બાદ આજે બુધવારે વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 1184 પર પહોંચી ગઈ છે. તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. આ સાથે જ ભારતીય સેનાએ પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. જેના પગલે બુધવાર સુધીમાં 1000થી વધુ લોકોને બચાવી લેવાયા છે.
વાયનાડ ભૂસ્ખલન અકસ્માત બાદ કેરળ સરકારે 2 દિવસનો શોક જાહેર કર્યો હતો. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે સેનાએ લગભગ 1000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમજ 170 લોકો આ ઘટનામાં ગુમ થયા છે. ત્યારે આ વિસ્તારમાં આટલા વિનાશના કારણે ઘણા લોકોના મૃતદેહો ભેખડાના કાટમાળમાં દબાયા છે જેને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સેનાએ વાયનાડ જિલ્લામાં બચાવ અભિયાન દરમિયાન અસ્થાયી પુલની મદદથી લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી, ત્યારે આ વિસ્તારમાં કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા બાદ સેના દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યની ટીમો પણ બચાવ કાર્યમાં સક્રિયપણે સામેલ છે અને નૌકાદળ અને વાયુસેના પણ સમાન રીતે યોગદાન આપી રહી છે. આ સાથે જ સુરક્ષા દળો 170 ગુમ લોકોની પણ તપાસ કરી રહી છે.
146 લોકોના મોત થયા છે
બુધવારે સવારે સામે આવેલા આંકડા મુજબ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સવાર સુધીમાં કુલ 146 લોકોના મોત થયા હતા. જેમાંથી 143 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. તેમજ સત્તાવાર રીતે 98 લોકો ગુમ છે પરંતુ આ સંખ્યા વધુ હોઈ શકે છે. ત્યારે ઘટનાને પગલે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેટલાક સ્નિફર ડોગ નવી દિલ્હીથી આવશે
ઘટનાને પગલે માહિતી આપતાં સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અંધકારને કારણે મંગળવારે બચાવ કાર્ય રોકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ આ વિસ્તારમાં 18 થી 25 લોકો ફસાયેલા છે. જેથી બચાવ કામગીરીમાં મદદ માટે નવી દિલ્હીથી કેટલાક સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવી રહ્યા છે.
શા માટે વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું?
વાયનાડના ભૂસ્ખલન અને વરસાદના પગલે એક વરિષ્ઠ ક્લાઈમેટોલોજિસ્ટે મંગળવારે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં વધતા તાપમાનને કારણે ગાઢ વાદળો રચાઈ રહ્યા છે, જેના કારણે કેરળમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે. તેમજ વાયનાડમાં ભૂસ્ખલન પણ અરબી સમુદ્રમાં તાપમાનમાં વધારાને કારણે થયું છે.