Entertainment

ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર

દિશા વાકાણી-મયુર વાકાણીના પિતા ભીમ વાંકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી રંગભૂમિ અને બોલિવૂડ માટે આજે ખૂબ જ દુઃખદ દિવસ રહ્યો છે. જાણીતા પીઢ અભિનેતા અને નાટ્યકાર ભીમ વાંકાણીનું 84 વર્ષની વયે વહેલી સવારે નિધન થયું છે. તેઓ લોકપ્રિય ટીવી કલાકાર દિશા વાકાણી (દયાભાભી) તેમજ અભિનેતા મયુર વાકાણીના પિતા હતા. તેમના નિધનથી સમગ્ર નાટ્યજગત, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.

માહિતી અનુસાર, ભીમ વાંકાણી છેલ્લા કેટલાક સમયથી વયજનિત તકલીફોનો સામનો કરી રહ્યા હતા. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારજનો અને નજીકના લોકોમાં શોકનો માહોલ છવાયો છે. ભીમ વાંકાણી માત્ર ગુજરાતી નાટકોમાં જ નહીં, પરંતુ બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં પણ પોતાની આગવી છાપ છોડી ગયા હતા. તેમણે આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’માં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમની સાદગીભરી અભિનય શૈલી અને જીવંત પાત્રોને કારણે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા હતા.

ટેલિવિઝન જગતમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ખાસ કરીને લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા તેમના પરિવારને કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. તેમની પુત્રી દિશા વાકાણી દ્વારા ભજવાયેલ ‘દયાભાભી’નું પાત્ર આજે પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. ભીમ વાંકાણીના નિધનના સમાચાર સામે આવતા જ કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દરેકે તેમને એક પ્રતિભાશાળી કલાકાર અને સરળ સ્વભાવના વ્યક્તિ તરીકે યાદ કર્યા છે.

માહિતી મુજબ, તેમની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળશે. ત્યારબાદ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભીમ વાંકાણીના નિધનથી ગુજરાતી નાટ્યજગતએ એક મજબૂત આધારસ્તંભ ગુમાવ્યો છે. તેમની કળા, અભિનય અને યોગદાન હંમેશા યાદ રહેશે.

Most Popular

To Top