Gujarat

નર્મદા પરિક્રમા માટે વોટરપ્રુફ ડોમ બનાવાશે

ગાંધીનગર : ગુજરાતમાં આગામી ૧૯ માર્ચથી શરૂ થનારી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને લઈને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આ ૩૦ દિવસીય પરિક્રમા ફાગણ વદ અમાસ ૧૯ માર્ચથી શરૂ થઈ ચૈત્ર વદ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલશે. હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના ‘આસ્થા સાથે સુરક્ષા’ના સંવેદનશીલ અભિગમ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરાયું છે.રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરતા ધાર્મિક પરંપરા, સુરક્ષા અને આધુનિક સુવિધાઓનો સુમેળ સાધી નર્મદા પરિક્રમાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસ કરી રહી છે.

પરિક્રમાર્થીઓની યાત્રા સુગમ બને તે માટે અંદાજે રૂ. ૫.૪૧ કરોડના ખર્ચે હંગામી સુવિધાઓ વધુ મજબૂત કરવામાં આવી રહી છે. તેમાં ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, ૨૪ કલાક એમ્બ્યુલન્સ, ઇમરજન્સી હેલ્પ પોઇન્ટ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, બેડશીટ, ખુરશીઓ સહિત આરામદાયક બેઠક અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ, ક્લોક રૂમ તેમજ સેવા કેન્દ્રો અને દુકાનો પણ ઉભી કરવામાં આવશે.

યાત્રા દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય, મોબાઇલ ટોયલેટ વાન, સતત પાણી પુરવઠો અને કચરા વ્યવસ્થાપન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા વિસ્તાર સ્વચ્છ રહે તે માટે હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટમાં સતત કામગીરી કરશે.

લાખો શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. પરિક્રમા વિસ્તારમાં પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વોચ ટાવર ઉભા કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ વિવિધ શિફ્ટમાં ફરજ બજાવશે. ઉપરાંત ભીડ નિયંત્રણ માટે બેરિકેડિંગ તેમજ ઇન્ફ્રારેડ અને આરએફઆઈડી આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવામાં આવશે.

પરિક્રમા માર્ગ અને ઘાટો પર રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સુવિધા મળે તે માટે ૧૮ કિલોમીટર માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ દ્વારા વ્યાપક લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવશે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સ જેવી આધુનિક વ્યવસ્થાઓ પણ કાર્યરત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા હવે કાયમી સુવિધાઓના વિકાસ પર પણ ભાર મુકાયો છે. અત્યાર સુધી રૂ. ૫.૦૭ કરોડના ખર્ચે મઢી દેવસ્થાન, સિદ્ધટેકરી રામકુંડ અને બલબલા કુંડ સહિતના સ્થળોએ પાથવે, સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, સોલાર લાઇટ, ડ્રેનેજ અને યાત્રિ નિવાસના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top