Comments

પાણી: સામાન્ય સંપત્તિમાંથી ખાનગી સંપત્તિમાં પરિવર્તન અને પ્રશાસનની બેજવાબદારી

ઇન્દોર એકલું શહેર નથી જ્યાં લોકોને પીવા માટે દૂષિત પાણી મળે છે અને ટાયફોઈડ, કોલેરા, ડાયેરિયાફેલા અને કમળા જેવા રોગો ફેલાતા રહે છે. આ તો જ્યારે ઇન્દોરમાં ૧૦ લોકોનાં મૃત્યુ થયાં, ૩૨ લોકો ગંભીર રીતે બીમાર પડ્યાં અને આઈ.સી.યુ. માં ખસેડવા પડ્યાં, ૨૦૦ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર આપવી પડી અને ૨૦૦૦ થી વધુને અસર થઇ ત્યારે પ્રશ્નની ગંભીરતાની ચર્ચા જાહેરમાં આવી. ઈન્દોરની સાથે ગાંધીનગરમાં પણ દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ ફેલાયો છે. ૭૦ લોકોને અસર થઇ હોવાનું અધિકૃત આંકડા કહે છે.

બેન્ગલુરુના લિંગારાજાપુરમ વિસ્તારમાં પણ લોકોએ ગંધ મારતું પાણી નળમાંથી આવતું હોવાની ફરિયાદ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નળમાંથી દૂષિત પાણી નીકળવું એ નવી વાત નથી. દર વર્ષે હજારો નાગરિકો દૂષિત પાણી પીવાથી માંદા પડે છે. એક આંકડા પ્રમાણે પાછલાં પાંચ વર્ષમાં આ અંગે નાગરિકો દ્વારા ત્રણ લાખથી વધુ ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં, જ્યાં ૩૦ ટકાથી વધુ પાણીના નમૂના પીવાયોગ્ય ગણી શકાય એવા નથી, ત્યાંના પાંડવનગર વિસ્તારમાં માથું ઊંચકી રહેલી બીમારીથી તંત્ર સતર્ક થઇ ગયું છે જેથી ઈન્દોરની ઘટનાનું પુનરાવર્તન ના થાય!

ભારત સરકારના સર્વે પ્રમાણે ૯૬ ટકા ઘરો સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચતું થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહોંચાડાતાં પાણીની ગણતરી સ્વચ્છ પાણીમાં થાય – જે ઇન્દોર, ગાંધીનગર, અમદાવાદ કે બેન્ગલુરુનાં ઘરો સુધી નળ દ્વારા પહોંચે છે, જેના પીવાથી જ આ બધાં શહેરોમાં માંદગી ફેલાવાની ફરિયાદ ઊઠી છે! આ બધાં જ શહેરોમાં પીવાના પાણીની પાઈપલાઈન અને ગટરની પાઈપલાઈન નજીક નજીક હોવાને કારણે એકબીજામાં ભળી જવાથી પીવાનું પાણી દૂષિત થાય છે. ખાસ કરીને જ્યારે પાણીના પ્રવાહનું દબાણ વધારે હોય ત્યારે આ ભય વધી જાય છે.

પાઈપો જૂની છે, જર્જરિત થઇ ચૂકી છે, ઠેર ઠેર ભંગાણ થયાં છે, સમારકામની તાત્કાલિક જરૂર છે – આ બધી જ માહિતી જે તે મ્યુનિસિપાલિટી માટે નવી નથી. લોકોની ફરિયાદ દ્વારા, તેમજ જુદાં જુદાં સર્વેક્ષણ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ માહિતગાર રહ્યા જ છે, પણ જેમની પાસે ખરીદશક્તિ છે એ લોકો તો ઘરમાં આર.ઓ. નખાવીને કે બોટલમાં વેચાતું પાણી પીને પોતાને બચાવી લે છે. પ્રશાસન સામે ફરિયાદ કરવાની એમને જરૂર લાગતી નથી. ફરિયાદ કરનારો વર્ગ ગરીબ અને જરૂરતમંદ છે જેની વાત ક્યારે કોઈએ કાને ધરી છે?

આઠ વર્ષથી સતત દેશના સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન પામતા ઇન્દોરમાં જ દૂષિત પાણીનું સંકટ ઊભું થાય એટલે સ્વચ્છતા માટે થતા રેન્કિંગની પ્રક્રિયા પર પણ સવાલ ઊભા થાય, કારણ કે સ્વચ્છ શહેરના પ્રથમ ક્રમની ચળક-ભડકમાં લોકો સુધી એ વાત પહોંચતી નથી કે છેક ૨૦૧૬-૧૭માં મધ્ય પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એકથી વધારે વિસ્તારનાં પાણીની ગુણવત્તા અંગે લાલબત્તી ધરી હતી અને પાણીના પાઈપનું તાત્કાલિક સમારકામ કરવાની ભલામણ કરી હતી. એનો મતલબ કે આ પ્રશ્ન અંગે જાણકારી આઠેક વર્ષથી હતી. ૨૦૨૪માં કોર્પોરેશને નવી પાઈપલાઈન નાખવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું પણ ‘નાણાંના અભાવે’ કશું ખાસ થયું નહિ અને લોકો દૂષિત પાણી પર જ નભતાં રહ્યાં!

ભારત સરકારના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) ના ૨૦૧૯ના જળપ્રબંધ પરના એક રીપોર્ટમાં ઇન્દોર અને ભોપાલ શહેરની જળવ્યવસ્થા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા – જે મુજબ માત્ર ૫૬ ટકા લોકો સુધી જ ઇન્દોર અને ભોપાલની કોર્પોરેશન નળ દ્વારા જળ પહોંચાડે છે. પાણી લીક થવાની ફરિયાદ આવે તો એના સમારકામમાં ૨૨ થી લઈને ૧૦૮ દિવસનો સમય લાગી શકે છે. પાણીની ટાંકીની યોગ્ય સફાઈ થતી નથી. આ બધા જ પ્રશ્નો સરકારી જાહેર સેવાઓમાં જવાબદારીનો અભાવનાં ઉદાહરણ છે. અત્યારે ઇન્દોરની ચર્ચા કેન્દ્ર સ્થાને છે એટલે ત્યાંની નિષ્ફળતા અંગેની માહિતી બહાર આવી રહી છે, પણ દેશનાં ઘણાં શહેરોમાં પરિસ્થતિ ખાસ જુદી નહિ હોય.

હવા અને પાણીની ગણતરી સામાન્ય સંપત્તિની (કોમન ગુડ્સ) શ્રેણીમાં થાય. એટલે કે દરેક ઘૂંટડા પર ભલે કોઈ વ્યક્તિનો અધિકાર હોય, પણ એનાથી અન્ય વ્યક્તિને એનો ઉપયોગ કરવાથી રોકી શકાતી નથી. હવા ને પાણી સૌ નાગરિકનો માનવા અધિકાર છે અને સૌને મફતમાં મળી શકે એવો પ્રબંધ સરકારે કરવાનો રહે. વર્ષોથી આ સામાન્ય સંપત્તિનું પરિવર્તન ખાનગી સંપત્તિમાં થઈ ગયું છે. ચોખ્ખું પાણી બોટલમાં વેચાય એટલે એ પાણી ખાનગી સંપત્તિમાં પરિવર્તિત થાય અને કોઈ પણ ખાનગી મિલકતની માફક એની પર જન-સામાન્યનો અધિકાર રહેતો નથી.

સૌથી પહેલી બાદબાકી ગરીબ અને વંચિત વર્ગની થાય છે જેણે ગંધ મારતાં દૂષિત પાણી પર જ નાછુટકે આધાર રાખવો પડે છે. આ સરકારી પ્રશાસનની બેદરકારી અને નિષ્ફળતા છે. આજની તારીખમાં ભારતની લોકશાહીની સૌથી મોટી બદનસીબી એ છે કે જ્ઞાતિ અને ધર્મના નામે ચૂંટણી લડાય અને જીતાય છે પણ જીવનનો પાયો બાંધનાર સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવાના મુદ્દે ચૂંટણી લડાતી નથી અને એટલે એનો યોગ્ય પ્રબંધ કરવાની અગ્રિમતા રહેતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top