નવી દિલ્હી: દિલ્હી (Delhi) અને હરિયાણા (Haryana) સરકાર વચ્ચે પાણીને લઈને ખેંચતાણ થઇ હતી. અસલમાં કાળઝાળ ગરમીનો પારો અસામાન્ય લેવલે પહોંચતા, રાજધાની દિલ્હીના લોકો જળ સંકટથી (Water crisis) ઝઝૂમિ રહ્યા હતા. ત્યારે હરિયાણાએ દિલ્હીને યમુના નદીનું 1049 ક્યુસેક પાણી સપ્લાય કરવાનું શરુ કર્યું હતું. જે બંને રાજ્યોની જળ સંધીથી વધુ છે. આમ છતા દિલ્હીમાં પાણીની વધુ જરૂરિયાત ઉભી થતા કેજરીવાલ સરકાર મદદ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીમાં પાણીની તંગીના કારણે હોબાળો મચી ગયો હતો. આગળના દિવસની રાત્રિથી જ લોકો પાણીના ટેન્કરની રાહ જોતા જોવા મળ્યા હતા. ત્યારે પાણીની તંગીને જોતા દિલ્હી સરકારે ભાજપ પાસે મદદ માંગી હતી. તેમજ જરુરી પગલા લેવા માટે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. અરજીમાં કેજરીવાલ સરકારે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને દિલ્હીને એક મહિના સુધી વધુ પાણી પહોંચાડવા માટે સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
કેજરીવાલે ભાજપ પાસે મદદ માંગી
આ સિવાય અરવિંદ કેજરીવાલે દિલ્હીની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમજ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિનંતી કરી હતી કે તેઓ હરિયાણા અને ઉત્તર પ્રદેશની તેમની સરકારોને એક મહિના માટે દિલ્હીને પાણી આપવાનું કહે. તેમણે કહ્યું કે આ સમય રાજનીતિ કરવાનો નથી.
કેજરીવાલે ‘X’ પર લખ્યું, ‘દિલ્હીને પડોશી રાજ્યોમાંથી જે પાણી મળતું હતું તે પણ ઓછું થઈ ગયું છે. એટલે કે પાણીની માંગ ઘણી વધી અને પુરવઠો ઘટ્યો છે. હું જોઉં છું કે ભાજપના મિત્રો અમારી સામે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધથી સમસ્યા ઉકેલાશે નહીં. આપણે સૌએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
કેજરીવાલે લખ્યું, ‘જો ભાજપ હરિયાણા અને યુપીની પોતાની સરકારો સાથે વાત કરે અને એક મહિના માટે દિલ્હીને થોડું પાણી પહોંચાડે તો દિલ્હીના લોકો ભાજપના આ પગલાની ખૂબ પ્રશંસા કરશે. આવી ભારે ગરમીને સહન કરવી એ કાબૂ બહારની વાત છે. પરંતુ જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો લોકોને રાહત આપી શકાશે.’