SURAT

યુક્રેનમાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા, ચાર સ્ટુડન્ટ્સના પાસપોર્ટ ચોરાઈ જતાં થયું કંઈક આવું

સુરત: યુક્રેન (Ukrain) અને રશિયાના (Russia) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે ફસાયેલા સુરતના (Surat) વધુ 37 સહિત કુલ 105 વિદ્યાર્થીઓ (Student) હેમખેમ નવી દિલ્હી (New Delhi) પહોંચી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને સરકારી વોલ્વો બસ (Bus) મારફત અમદાવાદ (Ahmedabad) ખાતે લાવવામાં આવ્યા બાદ જે તે શહેર ખાતે વિશેષ બસ દ્વારા મોકલવામાં આવ્યા હતાં. જે પૈકી સુરત શહેરના તમામ વિદ્યાર્થીઓ આજે સાંજે પાંચેક વાગ્યા સુધીમાં સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતાં.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં છેલ્લા 10 દિવસથી સુરત સહિત સમગ્ર દેશના વિદ્યાર્થીઓ વતન પરત ફરવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. યુક્રેન સાથે સરહદ ધરાવતા અલગ અલગ દેશ સુધી આ વિદ્યાર્થીઓ માંડ માંડ પહોંચી શક્યા હતાં. કેન્દ્રની મોદી સરકાર દ્વારા મિશન ગંગા હેઠળ રોમાનિયા અને પોલેન્ડના એરપોર્ટ પરથી ભારતીય વિદ્યાર્થીઓના એરલિફ્ટ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી સુરત શહેરના 54 વિદ્યાર્થીઓને રેસક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે આજે સાંજે વધુ 34 વિદ્યાર્થીઓ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતાં. મેડિકલ સહિતના ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન પહોંચેલા સુરતના 196 વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુધી 88 વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચી ચૂક્યા છે જ્યારે બીજી તરફ રોમાનિયા – પોલેન્ડ બોર્ડર પર બનાવવામાં આવેલા સેલ્ટર હાઉસમાં હજી પણ 108 વિદ્યાર્થી શરણાર્થીની જેમ દિવસો પસાર કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે અને વહેલી તકે તેમને પરત લાવવામાં આવે તેવી માગ વાલી કરી રહ્યાં છે.

ત્રણ વિદ્યાર્થીઓના પાસપોર્ટ હંગેરી બોર્ડર ઉપર ચોરાઈ જતા સુરત કલેક્ટર મદદે આવ્યા
સુરતના ત્રણ વિદ્યાર્થીઓના હંગેરી બોર્ડર પર જતી વખતે પાસપોર્ટ ચોરાઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જ્યારે સુરતમાં રહેતા તેમના વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આ અંગેની જાણ કરવામાં આવી ત્યાર બાદ કલેક્ટર આયુશ ઓક તેમને મદદરૂપ થયા હતા. કલેક્ટરે તરત જ આ ત્રણ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગત દિલ્હી મંત્રાલય મોકલી આપી હતી. વિદ્યાર્થીઓને ભારત આવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તે માટે વિદેશ મંત્રાલયે ત્રણેય વિદ્યાર્થીઓને ઈમરજન્સી પાસપોર્ટ માટેના પેપર ઈશ્યુ કર્યા હતા. જેના આધારે આ ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનની બોર્ડર ક્રોસ કરીને હંગેરી પહોંચી ગયા હતા.

ત્રણ વર્ષ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે એટલે અન્ય કન્ટ્રીમાં ટ્રાન્સફર કરીશું
યુક્રેનના ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલમાં અભ્યાસ કરતા સુરતના હિમાંશુ ગોહિલ અન્ય મિત્રો સાથે સુરત આવી પહોંચ્યા હતાં. સુરતના 37 જેટલા વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પરથી દિલ્હી આવ્યા હતાં. ત્યાંથી તેઓ આજે વોલ્વો બસ મારફતે સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. અહીં હિમાંશુએ જણાવ્યું હતું કે, હાલ યુક્રેનમાં સ્થિતિ દિવસે ને દિવસે બિહામણી થઈ રહી છે. હજુ પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. યુક્રેનના સ્થાનિક લોકો પણ બોર્ડર ક્રોસ કરી રહ્યા છે એટલે વાહનોની કિલોમીટરો સુધી લાંબી લાઈનો છે જેના કારણે 40 કિમી સુધી ચાલીને બોર્ડર ઉપર પહોંચ્યા હતાં. આગળના અભ્યાસની વાત કરીએ તો બીજી કન્ટ્રીમાં ટ્રાન્સફર લઇ લેશું, ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે એટલે અડધો કેવી રીતે છોડી શકાય.

યુક્રેનની આર્મી ફેક ગ્રુપ બનાવીને કલાકો સુધી રઝળપાટ કરાવતી હતી
શ્રેયા જીવાણી નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં એક અઠવાડિયાથી કપરા દિવસો પસાર કરી રહ્યાં હતાં, પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવા માટે પગપાળા નીકળી પડ્યા હતાં, જંગલ વિસ્તાર હતો એટલે લાકડા કાપીને તાપણું કરતા હતાં. માઇનસ ડિગ્રીમાં ઊંઘ ના આવે એટલે તાપણાંની આસપાસ ગ્રુપમાં બેસીને જ રાતો પસાર કરી હતી. યુક્રેનના આર્મી તરફથી ખુબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યાંના સૈનિકો 30 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી ને પાંચ- પાંચ કલાક સુધી બેસાડી રાખતા હતા. ઉપરાંત છોકરીઓના તો વાળ ખેંચીને અપશબ્દો પણ બોલતા હતા.

ચાન્સ મળશે તો પાછા જશું અને બાકીનો અભ્યાસ પૂર્ણ કરીશું
ચેતન ચૌધરી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હાલ તો બંને દેશો વચ્ચે જે પરિસ્થિતિ છે તે જોતા નજીકના ભવિષ્યમાં પાછા જવાનું શકય લાગતું નથી. પરંતુ જો ચાન્સ મળશે તો ફરી પાછા જશું અને બાકીનો અભ્યાસ પૂર્ણ કરીશું, મોટાભાગના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષના છે એટલે એજ્યુકેશન લોન પણ ચાલુ છે. સરકારને પણ આ મુદ્દે રજૂઆત કરીશું. આગળ કેવી પરિસ્થિતિ છે તેના ઉપર નક્કી થશે, ડોક્યુમેન્ટ્સ અને લેપટોપ લઈને જ આવ્યા છે

અમે પહેરેલે કપડે જ સુરત આવી ગયા
મેડિકલના વિદ્યાર્થી વત્સલ કલાથિયાએ જણાવ્યું હતું કે, અમારા માટે યુક્રેનથી પોલેન્ડ જવાનું ખૂબ જ કપરું હતું. પોલેન્ડ બોર્ડર ઉપર અમને ઝડપથી અંદર પ્રવેશ ન મળવાને કારણે પાંચ દિવસ જેટલો સમય અમે ઠંડીમાં પસાર હતો. હાલ તો અમે પહેરેલા કપડે જ સુરત આવી ગયા છે. અમારી પાસે માત્ર અમારા ડોક્યુમેન્ટ્સ અને લેપટોપ્સ જ છે. એટલે આગળ કેવી પરિસ્થિતિ છે તે જોઈને આગળ નિર્ણય લઈશું.

Most Popular

To Top