Gujarat

નિકાસકારો પર ‘વોર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાયો

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા યુદ્ધના સંકટનો સીધો પ્રભાવ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટરો તથા ફ્રેઈટ ફોરવર્ડર્સ પર જોવા મળી રહ્યો છે. શિપિંગ કંપનીઓ દ્વારા લાદવામાં આવેલા ‘વોર રિસ્ક સરચાર્જ’ના કારણે એક્સપોર્ટરો પર ભારે આર્થિક બોજો વધ્યો છે. દેશના એક્સપોર્ટરો અને કસ્ટમ હાઉસ એજન્ટોને કરોડો રૂપિયાના આ વધારાના બોજથી બચાવવા માટે કોગ્રેસ પોર્ટ અને શિપિંગ મંત્રી સમક્ષ રજૂઆત કરશે, તેમજ આ મુદ્દાને સાસંદમાં ઉઠાવશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓએ 20 ફૂટના કન્ટેનર દીઠ 2000 ડોલર અને 40 ફૂટના કન્ટેનર દીઠ 4000 ડોલરનો વધારાનો ચાર્જ લાગુ કરી દીધો છે. આ નિર્ણય યુદ્ધ શરૂ થાય તે પહેલા દરિયામાં નીકળી ગયેલા જહાજો પર પણ લાગુ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાંથી 6 થી 7 જેટલા જહાજોમાં 12 હજારથી વધુ કન્ટેનરો ‘વોર કન્ટિજન્સી રિકવરી’ના કારણે અટવાઈ ગયા છે. જેના કારણે ગુજરાતના એક્સપોર્ટરો અને ફ્રેઈટ ફોરવર્ડર્સને અંદાજે રૂ. 250 થી 500 કરોડ સુધીનું નુકસાન થવાની શક્યતા છે.

‘એસ એમ માહી’ નામનું જહાજ, જેમાં 2677 કન્ટેનરો હતા, તે દુબઈના જેબેલ અલી પોર્ટ પર જવાનું હતું પરંતુ તેના કન્ટેનરો સાઉદી અરેબિયાના જેદ્દાહ પોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે. હવે આ કન્ટેનરોને પાછા મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવશે કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓમાં ચિંતા છે.

આ ઉપરાંત ‘ઝોન્ગ ગુ નાંગ’ નામનું 4600 કન્ટેનરની ક્ષમતા ધરાવતું જહાજ હજુ મુન્દ્રાથી ટ્રાન્ઝિટ થઈને જવાહરલાલ નહેરુ પોર્ટ (નવી મુંબઈ) પર છે અને દરિયામાં પણ ગયું નથી, છતાં તેના પર પણ વોર રિસ્ક સરચાર્જ લાગુ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ભારતના આશરે 40 જેટલા જહાજોમાં 80 હજારથી વધુ કન્ટેનરો અટવાયેલા હોવાનો અંદાજ છે. આવા સંજોગોમાં ટ્રાન્ઝિટમાં રહેલા કન્ટેનરો પર લાગુ કરાયેલા વધારાના ચાર્જ અંગે કેન્દ્ર સરકારે વિચારણા કરવી જોઈએ.

Most Popular

To Top