ચૂંટણીનો માહેલ બરાબર જામ્યો છે ત્યારે કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ વિજયન અને સીએમ રેડ્ડી વચ્ચે નોંકઝોંકનો સિલસિલો શરૂ છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી અને કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન વચ્ચેનો વિવાદ હવે ખુલ્લેઆમ શબ્દયુદ્ધમાં ફેરવાઈ ગયો છે. બંને નેતાઓ ટિપ્પણીઓ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને પત્રો દ્વારા એકબીજા પર હુમલો કરી રહ્યા છે, જેનાથી રાજકીય તણાવ વધી રહ્યો છે.
આ વિવાદમાં તાજેતરનો મુદ્દો વિજયનની “દાસ મોને રેવંત” ટિપ્પણી છે, જેને મલયાલમમાં અપમાનજનક માનવામાં આવે છે અને તેણે રાજકીય શિષ્ટાચાર પર ચર્ચા જગાવી છે. આ ટિપ્પણી બાદ, વિજયને રેવંત રેડ્ડીને ઔપચારિક પત્ર લખ્યો. પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ આંતરિક તેલંગાણા રાજકારણની ચર્ચા કરવા માંગતા નથી, પરંતુ કેરળની ચૂંટણી દરમિયાન LDF સરકાર વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનું જરૂરી માન્યું. તેમણે દાવો કર્યો હતો કે તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે અથાક મહેનત કરી છે.
બીજી તરફ, રેવંત રેડ્ડીએ પણ વિજયનના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપી હતી, અને આરોપ લગાવ્યો હતો કે વિજયન જૂના અને ખોટા ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના લાંબા પત્રમાં, તેમણે સમજાવ્યું કે રજૂ કરાયેલા આંકડા નીતિ આયોગના SDG સૂચકાંક 2023-24 માંથી લેવામાં આવ્યા છે, જે તેમની સરકાર બન્યા પહેલાના હતા. રેડ્ડીએ પ્રશ્ન કર્યો કે શું બધા વચનો ખરેખર પૂરા થયા છે. રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ 7 એપ્રિલે તિરુવનંતપુરમની મુલાકાત લેશે અને ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. તેમણે વિજયનને સ્ટેજ પર આવીને તથ્યોના આધારે ચર્ચા કરવા માટે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો.
જવાબમાં, વિજયને સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું હતું કે રેવંત રેડ્ડીને ખોટી માહિતી આપવામાં આવી રહી છે અને તેઓ પોતાના રાજ્યની ખામીઓ છુપાવવા માટે કેરળની નિંદા કરી રહ્યા છે. વિજયને ગરીબી દર, સાક્ષરતા અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર આંકડા રજૂ કરીને કેરળ મોડેલ ને ટેકો આપ્યો હતો. તેમણે રેડ્ડીને કેરળ આવવા અને હકીકતો સમજવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. આ સમગ્ર વિવાદ ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધારી રહ્યો હોય તેવું લાગે છે, બંને નેતાઓ પોતપોતાના રાજ્યોના વિકાસ મોડેલને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.