World

બ્રાઝિલમાં ડ્રગ માફિયા સામે યુદ્ધ જેવી કાર્યવાહી, 64 લોકોના મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં પોલીસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ભારે અથડામણ થઈ રહી છે. શહેર હાલ યુદ્ધ જેવી સ્થિતિમાં છે. પોલીસ અને લશ્કરી દળોએ “રેડ કમાન્ડો” નામના ડ્રગ ગેંગ સામે સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ હિંસક ઝપાઝપીમાં અત્યાર સુધી 64 લોકોના મોત થયા છે. જેમાં ચાર પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

આ સમગ્ર કાર્યવાહી ઓક્ટોબર 2025ના અંતમાં શરૂ થઈ છે. “ઓપરેશન રિયો પેસિફિકાડો” નામના આ અભિયાનમાં આશરે 2,500 પોલીસ અને લશ્કરી કર્મચારીઓ જોડાયા છે. રિયોના મેયર અને રાજ્ય સરકારે મળીને આ કાર્યવાહી હાથ ધરી હતી. હેલિકોપ્ટર અને સશસ્ત્ર વાહનો દ્વારા રેડ કમાન્ડો ગેંગના ગઢ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. માફિયાઓએ પણ પોલીસ પર ડ્રોન અને હથિયારો વડે હુમલો કર્યો છે.

રિપોર્ટ્સ મુજબ પોલીસે અત્યાર સુધીમાં 81 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને 75થી વધુ રાઇફલ્સ તથા મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે. શેરીઓમાં અનેક મૃતદેહો મળ્યા છે. જેના કારણે આખું રિયો શહેર ડર અને ગોળીબારના અવાજોથી ગૂંજી ઉઠ્યું છે. આ કાર્યવાહી બ્રાઝિલના તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટી અને લોહિયાળ ગણાવવામાં આવી રહી છે.

“રેડ કમાન્ડો” એટલે કે “કોમાન્ડો વર્મેલ્હો” બ્રાઝિલની સૌથી જૂની અને સૌથી શક્તિશાળી ડ્રગ ગેંગ છે. તેની શરૂઆત 1970ના દાયકામાં જેલમાં થયેલી હતી પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક તરીકે કામ કરે છે. આ ગેંગ માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ ગેરકાયદેસર હથિયાર વેપાર અને સ્થાનિક રહેવાસીઓ પાસેથી સુરક્ષા કર વસૂલવાની પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.

આ કાર્યવાહીનું કારણ શહેરમાં વધતા ગુના અને આવનારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો છે. નવેમ્બર 2025માં રિયો ડી જાનેરોમાં COP30 સંબંધિત વૈશ્વિક પરિષદો, જેમ કે C40 ગ્લોબલ મેયર્સ સમિટ અને પ્રિન્સ વિલિયમ્સ અર્થશોટ પ્રાઇઝનું આયોજન થવાનું છે. આ પ્રસંગો પહેલાં શહેરની સુરક્ષા મજબૂત બનાવવા માટે સરકારે આ મોટાપાયે ઓપરેશન હાથ ધર્યું છે.

સરકારનું કહેવું છે કે આ પગલાં રિયો શહેરને માફિયા પ્રભાવથી મુક્ત કરવા અને વૈશ્વિક સ્તરે સુરક્ષિત શહેર તરીકે સ્થાપિત કરવા માટે જરૂરી છે. પોલીસ હજી પણ માફિયાઓના બાકી ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે અને ડ્રગ નેટવર્કને પૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે.

Most Popular

To Top