Charchapatra

વક્ત કી પાબન્દ હૈ આતી જાતી રૌનકેં

જંગલમાં આવેલા એક દૂર દરાજ ગામનાં લોકો ગામના ભુવા જ્યોતિષીને પૂછીને તમામ નવા કામનો આરંભ કરતાં હતાં. ચોમાસું બેસવાને થોડા દિવસોની વાર હતી. ગામનાં લોકો જ્યોતિષીને પૂછવા ગયા કે આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ પડશે. જો વધારે પડવાનો હોય તો જંગલમાંથી લાકડાંના ઈંધણ વીણી લાવી ઘરમાં ભરી દઈએ, જેથી વરસાદમાં તકલીફ ન પડે. ભુવાએ ગામલોકોને કહ્યું કે, ‘‘બે દિવસ પછી આવજો.

ત્યાં સુધીમાં હું વરસાદ સ્થિતિ જાણી લઈશ.’’ ગામ લોકો બે દિવસ બાદ જ્યોતિષી ભુવા પાસે જાય ત્યાં સુધીમાં તેઓ ઈંધણ એકઠા કરવાનું શરૂ કરી દીધું. બે દિવસ બાદ તેઓ ફરીથી જ્યોતિષી પાસે ગયા. જ્યોતિષીએ તેઓને કહ્યું કે વરસાદ ખૂબ પડશે, માટે બળતણ એકઠાં કરવા માંડો. ગામલોકોના એક આગેવાને જ્યોતિષીને પૂછ્યું કે, વરસાદ ખૂબ પડશે તેવું તમે કેવી રીતે નક્કી કર્યું? જવાબમાં જ્યોતિષીએ કહ્યું કે, ‘‘ ગામના લોકો સારી પેટે બળતણ એકઠા કરવા માંડ્યાં છે. તેથી મને લાગે છે કે વરસાદ ખૂબ પડશે.’’

લ્યો બોલો. ગામના લોકો જ્યોતિષીના આધારે હતા અને જ્યોતિષી ગામલોકોને આધારે હતો. હમણાંની ચૂંટણી અને તેનાં પરિણામોમાં પણ કંઈક આવો જ ઘાટ થયો હતો. ભાજપે નારો આપ્યો કે, ‘અબ કી બાર, ચારસો પાર.’’ તો ન્યૂઝ ચેનલોએ ઓપિનિયન પોલમાં ચારસોની આસપાસનો ફીગર બનાવ્યો. તે જોઈ ભાજપને વધુ ચાનક ચડી અને મિડિયામાં સભાઓમાં, રોડ શોમાં ચારસોનો નારો ગૂંજવા લાગ્યો. મતદાન થયું અને એક્ઝિટ પોલનો દિવસ આવ્યો. ન્યૂઝ ચેનલો અહીં પણ ચારસોના આંકની આસપાસ પહોંચી ગઈ. વાસ્તવમાં ન્યૂઝ ચેનલો ભાજપના આધારે ફળકથન કહેતી હતી અને ભાજપ ચેનલોના સર્વેને આધારે ગેલમાં આવી ગયો.

બંનેએ એક બીજા પર આધાર રાખ્યો અને બહુ ખરાબ રીતે ખોટા પુરવાર થયા. પુરવાર એ થયું કે સર્વેમાં કોઈ વૈજ્ઞાનિક લોજિક નથી હોતું. અગાઉ વર્ષોથી સર્વે થતા આવ્યા છે, પણ આ વખતે જે બૂરી વલે થઈ છે એટલી અગાઉ ક્યારેય નથી થઈ. એક બે ચેનલોના સર્વે ખોટા પુરવાર થતા. એક બેના સર્વે સાચાં પરિણામોની નજીક રહેતા અને એકાદ-બે લગભગ સાચાં પુરવાર થતાં. પણ આ વખતે તો તમામ ચેનલોના સર્વે મોટા ગપગોળા પુરવાર થયા અને તેમાં લગભગ સાચાં ફળકથનનો દાવો કરતી આજ તક અને ઈન્ડિયા ટુ ડે ચેનલ પણ સો કરતાં વધુ સીટથી નુકસાન ચૂકી ગઈ. આવું શા માટે થયું? તેઓ કદાચ કારણ આપશે. તો લોકોને ગળે ન પણ ઊતરે. એટલું ખરું કે હવે પછીની ચૂંટણીઓમાં ઓપિનિયન કે એક્ઝિટ પોલની ખાસ કિંમત નહીં રહે. લોકોને ચૂંટણીનાં પરિણામો બાબતે થ્રીલ આપે તે બે (ઓપિનિયન અને એક્ઝીટ પોલ) ઘટનાઓની બાદબાકી થઈ ગઈ.

એનડીએ અને ભાજપ બંનેને અપેક્ષા કરતાં માત્ર એક્સો બેઠક જ ઓછી મળી છે. માત્ર એકસો મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણે એક સરસ વાત કરી કે, ‘‘ચૂંટણીમાં ઉપરની અપેક્ષા જાહેર ન કરવી જોઈએ. જાહેર કરીએ તો લોકો સરખામણી કરે.’’ ભાજપે ચારસો પારની ટોચ બાંધી તો સો બેઠકની ઘટ પડી તે જાહેર થયું. વાસ્તવમાં ભાજપને પૂર્ણ બહુમતી માટે ત્રીસેક બેઠક ઓછી પડી, પણ એનડીએને પૂર્ણ બહુમતી મળી, તેથી આશ્વાસન માટેનું કારણ મળી ગયું.

ચારસો પારનો નારો ભાજપે જ આપ્યો અને ભાજપને જ તે ભારે પડી ગયો. ઉત્તર પ્રદેશનો કોઈ ઉમેદવાર એવું પણ બોલી ગયો કે ચારસો બેઠક મળશે. તો બંધારણમાં પણ ફેરફાર શક્ય બનશે. કોંગ્રેસે એ વાત ઉઠાવીને તેમાં અફવા ભેળવી દીધી કે ભાજપને બંધારણમાં ફેરફાર કરી અનામત વ્યવસ્થા દૂર કરવી છે તે માટે ચારસો બેઠક જોઈએ છે. લાગે તો તીર, નહીંતર થોથું. આ થોથું કામ કરી ગયું. ભાજપ અનેક રીતે ઊંઘતો પણ રહી ગયો હતો. આ મુદ્દા પર અસરકારક અને અધિકારીક જવાબ મોટેથી આપવો જોઈએ તે કોઈએ આપ્યો જ નહીં.

પોતાની ચારસોની રમતમાં ભાજપ પોતે જ ફસાઈ ગયો. સમય બડા બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબાએ અર્જુન લૂંટિયો, વહીં ધનુષ્ય વહી બાણ. એ જ ચારસોના ધનુષ્ય-બાણ સાથે કોંગ્રેસના કાબાઓ ભાજપને લૂંટી ગયા. છતાં એટલો પણ લૂંટી ગયા નથી. ચૂંટણીનાં પરિણામોએ દરેકને થોડા થોડા રાજી કર્યા છે અને થોડા થોડા નારાજ કર્યા છે. મજાની વાત એ બની કે જે કોંગ્રેસીઓને પરાણે પરાણે ચૂંટણીમાં ઊભા રખાયા એ જીતી ગયા. ‘ગુજરાતમિત્રે’ સરસ, વ્યંગાત્મક છતાં સાચી હેડલાઈન લખી હતી કે ‘અબ કી બાર, બોદી સરકાર’ નરેન્દ્રભાઈએ જીવનમાં સાત સરકારો રચી, પણ આ પ્રથમ એવી છે જેમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. કદાચ આ બાબત નવી સરકારને વધુ કાર્યક્ષમ અને લોકપ્રિય બનાવશે.

ભાજપે એ બોધપાઠ લીધો હશે કે રેલીઓ કે રોડ શોમાં બંગાળીઓ એકઠાં થાય. તે બધા જ ભાજપને (કે પછી જેની રેલી હોય તેને) મત આપતાં નથી. કોરોના સંકટ વખતે વચ્ચે આવેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નરેન્દ્રભાઈના રોડ શોમાં અભૂતપૂર્વ ભીડ જામતી હતી. આ વખતે તેનાથી પણ વધુ માનવમહેરામણ ઉમટયો હતો. વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પણ ભાજપ માટે વિપરીત આવ્યાં હતાં. તેમાંથી ધડો લઈ ભાજપે આ ચૂંટણીમાં પોરસાઈ જવાની જરૂર ન હતી.

વડા પ્રધાને સંકેત આપ્યો હતો કે ભાજપ માટે આ ચૂંટણીમાં સૌથી સારા સમાચાર બંગાળમાંથી આવશે. આવ્યા, પણ બહુ ખરાબ આવ્યા. લાગે છે કે મમતા બેનરજીના બંગાળમાં બેરોજગારી ખૂબ છે. તેઓ દરેકની સભામાં, પછી એ નેતાને ચાહતા હોય કે ન હોય, ગીરદી કરે છે. હાલનાં પરિણામોએ પુરવાર કર્યું કે છેલ્લા એક બે મહિનાની રેલીઓ, રોડ-શો વગેરે એટલો ફરક નથી પાડતાં જેટલો ફરક ઓફિસમાં બેસીને વ્યૂહરચનાઓ દ્વારા પાડી શકાય છે. જો કે સાચી વાત નરેન્દ્રભાઈ અને એમના ટોચના સાથીદારો જાણતા હશે. કેટલો ફરક પડે છે તે તેઓ જ જાણી શકે. સરકારો પોતાના સર્વે કરાવતી હોય છે. પણ હવે પાછો એ જ સવાલ છે કે સર્વે માનવો કે નહીં?

ત્રીજી વખત 242 સીટ માત્ર પોતાના દમખમ પર લઈ આવવી તે પણ એક મહાન બાબત છે. અગાઉ જવાહરલાલ નહેરૂને આ યશ મળ્યો હતો. પણ એ વખતે દેશમાં નવી નવી આઝાદી મળી હતી. મિડિયા અને સોશિયલ મિડિયાની, આજે છે તેની એક ટકો જેટલી પણ સ્ક્રુટીની (પૂછપરછ)  ન હતી. મોટા ભાગના નેતાઓ સિધ્ધાંતવાદી હતા અને આજે મોટા ભાગના છે તેવા લબાડ ન હતા. આંખની અને પ્રજાની શરમ તેઓને નડતી. ટૂંકમાં નહેરૂએ શાંત સમુદ્રમાં વહાણ ચલાવવાનું હતું અને નરેન્દ્રભાઈએ તોફાનોમાં ચલાવવું પડ્યું છે એ રીતે નરેન્દ્રભાઈની સિધ્ધિ ભગીરથ ગણાય.

આ પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈને એમના સાંસદો, વિધાયકો અને કાર્યકરોનું વલણ વધુ નડશે. એક તો ઘણા ભાજપના પણ આગેવાન છે અને સાથે સાથે પોતપોતાના વિસ્તારમાં એમની બહુમતી જ્ઞાતિના પણ આગેવાન છે. તેઓને ડબલ ગુમાન ચડે છે કે કંઈ નહીં કરે તો પણ નરેન્દ્રભાઈના નામથી અને જ્ઞાતિના બેવડા નામથી પથરાઓ તરતા આવ્યા છે તેમ હવે પણ તરી જશે. તેઓ બેદરકાર, અભિમાની અને બેજવાબદાર બની ગયા છે. જે બન્યા નથી તેઓ હવે બનશે.

ભાજપે હવે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં જીતવું હશે અથવા કેન્દ્રમાં ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવી હશે તો આ નિરાશાજનક સ્થિતિમાંથી ભાજપને મુક્ત કરવો પડશે. કામકાજના મૂલ્યાંકનની કોઈ રીત દાખલ કરવી પડશે. જૂના અને કર્મઠ કાર્યકરોની કદર કરવી પડશે. આ બધી નબળાઈઓ હવે વધુ જોર પકડી રહી છે. બહારના તકસાધુઓ, ફેંકી દીધેલાં ચારિત્ર્યનાં લોકો, કચરો વગેરે બહારથી વીણીને ઘરમાં ઘાલવાની કુટેવ દૂર કરવી પડશે. લોકો પણ ઈચ્છતાં હોય છે કે અમુક મર્યાદાઓ પાળવી જ જોઈએ. આબરૂને નેવે ન મૂકી દેવાય. સત્તાપ્રિય માટે નેવે મૂકો તો પણ સત્તા મૃગજળ જ રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top