પલસાણા: સુરત (Surat) જિલ્લાના પલસાણા પોલીસ (Police) સ્ટેશનના બે કોન્સ્ટેબલે (Constable) એક અઠવાડિયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર (listed bootlegger) તેમજ આર્મ એક્ટ અને બળાત્કાર (Rape)ના ગુનામાં વોન્ટેડ (wanted) આરોપી રોહિત વાંસફોડિયા અને પલસાણાના લાલુ નામના એક યુવાનને મોટરસાઇકલ ઉપર પકડી લીધા બાદ ઢોરમાર મારી છોડી મૂક્યા હતા.
આ ઘટનામાં રૂપિયાની માંગ થઈ હોવાના આક્ષેપ સાથે વિવાદ થતાં જિલ્લા પોલીસવડાએ એક કોન્સ્ટેબલની માંડવી, જ્યારે બીજાની માંગરોળ ખાતે બદલી કરી દેતાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પોલીસ હાલ વિવાદના ચકડોળે ચઢી છે. બાયો ડીઝલ પ્રકરણમાં બે પી.એસ.આઈ. અને બે જમાદાર સસ્પેન્ડ થયા હતા. અનેક પોલીસ કર્મચારીની હેડ ક્વાર્ટર બદલી થઈ હતી. જિલ્લા એલસીબી સહિત ત્રણ પીઆઈઓની પણ આંતરિક બદલી થઈ હતી. થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિયોલ ગામેથી વિદેશી દારૂ પકડતાં એલસીબી તેમજ એસઓજીના ચાર પોલીસ કર્મચારીની ડાંગ બદલી કરી દેવામાં આવી હતી. એક પછી એક જિલ્લા પોલીસ બેડામાં વિવાદ થતાં રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. જિગર દિનેશભાઇ અને મહિપાલ રઘુવીરસિંહે એક અઠવાડિયા અગાઉ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પલસાણા બ્રિજ નીચેથી એક મોટરસાઇકલ ઉપર પસાર થતાં અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા માથાભારે લિસ્ટેડ બુટલેગર રોહિત દિનેશ વાંસફોડિયા તેમજ પલસાણાના લાલુ રાઠોડ નામના યુવાનને પકડી લીધા હતા.
પોલીસે આ પ્રકરણમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ બંને યુવાનને માર મારી મોટી રકમની માંગણી કરી હોવાના આક્ષેપ થયા હતા. આ પ્રકરણમાં બંને યુવાનના મોબાઈલ લઈ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે, રોહિત વાંસફોડિયો આર્મ્સ એક્ટ ઉપરાંત પ્રોહિબિશનના ગુનામાં તેમજ યુપીમાં બળાત્કારના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે છોડી મૂક્યા બાદ વિવાદ સર્જાતાં સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસવડા પાસે પહોંચ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ પો.કો. જિગર દિનેશભાઈને પલસાણાથી માંડવી બદલી કરી દીધી છે. જ્યારે પો.કો. મહિપાલસિંહ રઘુવીરસિંહની પલસાણાથી માંગરોળ ખાતે બદલી કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પલસાણા પોલીસ વહીવટને કારણે વિવાદમાં સપડાઈ રહી છે.
હાલમાં હજુ સરકારી અનાજનો ટેમ્પો પકડ્યા બાદ છોડી દેવાનો મુદ્દો ઊભો જ છે. જ્યારે આ પ્રકારની ઘટનાથી જિલ્લા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.