ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સુધારેલી તેમજ આખરી મતદાન યાદી (Voting list) આજે જાહેર કરી દીધી છે. આ નવી મતદાર યાદી મુજબ, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો છે. જેમાં રાજ્યમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે. બીજી તરફ 51782 જેટલા મતદાન મથકો પણ નોંધાયા છે.
રાજ્યમાં 2,53,36,610 પુરૂષ તથા 2,37,51,738 મહિલા મતદારો છે. રાજ્યમાં કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જૂન 2022, ઓગસ્ટ -2022 તથા સપ્ટે.-2022માં મતદાર યાદી સુધારવામાં આવી હતી.
આખરી થયેલી મતદાર યાદીમાં 18થી 19 વય જુથના 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ મતદારો મહિલા મતદારોનો સમાવેશ થાય છે, તેવી જ રીતે 20થી 29 વર્ષના કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં 1.45 લાખ પુરૂષ મતદારો તથા 2.57 લાખ મહિલા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. 76.68 લાખ જેટલા મતદારોએ પોતાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે દાખલ કરાવ્યા છે.