Charchapatra

બિહાર ચૂંટણીમાં મતદારયાદી સુધારણા જ મુખ્ય મુદ્દો બનશે

બિહારમાં ચૂંટણી તો આ વર્ષના અંતમાં છે પણ અત્યારથી ચૂંટણીનો જાણે જંગ જામી ગયો છે. એનડીએ અકબંધ છે એવું કહી શકાય એમ નથી કારણ કે, ચિરાગ પાસવાન આક્રમક બન્યા છે અને નીતીશ સામે આગ ઓકી રહ્યા છે. બીજી બાજુ મહાગઠબંધન પણ એકમત નથી. તેજપ્રતાપ યાદવને લાલુ યાદવે કુટુંબ અને પક્ષમાંથી બેદખલ કર્યા બાદ એણે નાના પક્ષો સાથે મળી મોરચો માંડ્યો છે અને ચૂંટણી વ્યૂહકાર પ્રશાંતકિશોર પણ જન સુરાજ પાર્ટી બનાવી મેદાનમાં છે અને એ બંને પક્ષે નુકસાન કરી શકે છે અને હવે ચૂંટણીમાં મુખ્ય મુદો્ બની રહ્યો છે મતદારયાદી સુધારણા. ૬૫ લાખ મતદારોનાં નામ કમી થાય તો હોબાળો થાય જ.

સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી મામલો ચાલી રહ્યો છે અને આ મુદે્ સુપ્રીમ કોર્ટ કેવું વલણ અપનાવે છે એના પર બધાની મીટ છે. વિપક્ષ આ મુદા્નો પૂરો ફાયદો ઉઠાવવા તત્પર છે.બિહારમાં ૬૫ લાખ મતદારોનાં નામ કમી કરવાના મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ બંનેનાં પોતપોતાનાં મંતવ્યો અને કાર્યવાહી ચાલી રહી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ પ્રક્રિયાનો હેતુ મૃત્યુ પામેલાં, સ્થળાંતર કરી ગયેલાં અથવા એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા અયોગ્ય મતદારોને યાદીમાંથી દૂર કરવાનો છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે, લગભગ ૨૨.૩૪ લાખ મતદારોનાં નામ મૃત્યુને કારણે, ૩૬.૨૮ લાખ મતદારોનાં નામ સ્થળાંતર અથવા કાયમી ગેરહાજરીને કારણે અને ૭.૦૧ લાખ મતદારોનાં નામ બેવડી નોંધણીને કારણે દૂર કરવામાં આવ્યાં છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનું વચન આપ્યું છે. જો તેને મોટા પાયે મતદારોને બાકાત રાખવામાં આવ્યાં હોવાનું જણાશે. તેમણે ચૂંટણી પંચને એમ પણ પૂછ્યું છે કે જે લોકોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે, તેમની યાદી અને કારણો રાજકીય પક્ષો સાથે વહેંચવામાં આવ્યાં છે કે નહીં અને જો હા, તો કયા પક્ષોને આ માહિતી મળી છે. કોર્ટે એ પણ અવલોકન કર્યું છે કે ‘આધાર કાર્ડ’ અને ‘મતદાર ઓળખ કાર્ડ’ જેવા દસ્તાવેજોને માન્યતા આપવી જોઈએ કારણ કે તેમની વિશ્વસનીયતા માનવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ કવાયતનો હેતુ સામુહિક સમાવેશનો હોવો જોઈએ, સામુહિક બાકાતનો  નહીં.

બીજી બાજુ તેજસ્વી યાદવને ચૂંટણી પંચ દ્વારા બે અલગ અલગ વોટર આઈ.ડી. કાર્ડ નંબર રાખવાના મામલે નોટિસ મોકલવામાં આવી છે. તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે બિહારની મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી તેમનું નામ ગાયબ છે અને તેમણે એક EPIC (ચૂંટણી ફોટો ઓળખકાર્ડ) નંબરનો ઉલ્લેખ કર્યો હતો. પણ ચૂંટણી પંચે નોંધાયેલો નંબર આપ્યો અને નામ યાદીમાં છે એવું કહી નોટીસ ફટકારી છે. હવે તેજસ્વીએ જવાબ આપવાનો છે. નહિ તો એને સજા થઇ શકે છે.

બીજી બાજુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR એ કોઈ નવી પ્રક્રિયા નથી. આવી સઘન સુધારણાઓ ભારતમાં અગાઉ પણ અનેક વખત થઈ ચૂકી છે (જેમ કે ૧૯૫૨-૫૬, ૨૦૦૩, વગેરેમાં). આ પ્રક્રિયા ચૂંટણી પંચના બંધારણીય અધિકાર હેઠળ છે અને તેનો હેતુ લોકશાહીની મજબૂતી માટે છે અને આ જ મુદે્ વિપક્ષો સંસદમાં ચર્ચાની માંગ કરી હોબાળો કરી રહ્યા છે અને સરકાર પાસે કારણ છે કે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે એટલે ચર્ચા સંસદમાં ના થઇ શકે. બિહારના ઇતિહાસમાં આટલી ચર્ચાસ્પદ અને રોચક ચૂંટણી ક્યારેય થઇ નહિ હોય. આ ચૂંટણીમાં નીતીશનું રાજકીય ભાવિ પણ દાવ પર છે. આ એમના માટે છેલ્લી ચૂંટણી છે. એમનું ભવિષ્ય કેવું હશે , એ ફરી મુખ્યમંત્રી બનશે કે નહિ એ ચૂંટણીનાં પરિણામો પર આધાર રાખે છે. ટૂંકમાં, આ ચૂંટણીનાં પરિણામો દેશની રાજનીતિ પર અસર છોડી જશે.

જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી ક્યારે?
જમ્મુ કશ્મીરમાં ક. ૩૭૦ દૂર થઇ એને ખાસ્સો સમય થઇ ગયો છે. અહીં વિધાનસભાની ચૂંટણી પણ થઇ ગઈ અને ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી છે પણ છતાં રાજ્યનો દરજ્જો અપાયો નથી. કેન્દ્ર સરકાર કહે છે કે, વહેલી તકે અપાશે પણ ક્યારે? એનો કોઇ ફોડ પાડી શકી નથી. એનો મતલબ એમ પણ કરી શકાય કે, હજુય ખીણમાં સ્થિતિ સામાન્ય નથી. પહેલગામ હુમલા બાદ તો નથી જ. આતંકવાદીઓએ હુમલાના સ્વરૂપ અને સ્ટ્રેટેજી બદલી નાખ્યાં છે અને આ જ કારણે રાજ્યની રાજ્ય સભામાંની ચાર બેઠકોની ચૂંટણી પણ અટકી પડી છે.

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકો ફેબ્રુઆરી ૨૦૨૧ થી ખાલી છે. આ પરિસ્થિતિએ એક બંધારણીય પ્રશ્ન ઊભો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિની સલાહ લેવાની જરૂર પડી શકે છે. ચારેય રાજ્યસભા સાંસદોએ તેમનો છ વર્ષનો કાર્યકાળ એકસાથે પૂર્ણ કર્યો હતો. રાજ્યસભાના ચાર સભ્યો – ગુલામ નબી આઝાદ, નઝીર અહેમદ લાવે, મીર મુહમ્મદ ફૈયાઝ અને શમશેર સિંહ માનહાસ – એ ફેબ્રુઆરી ૨૦૨૧માં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો. જો ચૂંટણી પંચ આ ચાર ખાલી બેઠકો માટે ફરીથી રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરે તો તેમનો કાર્યકાળ ફરી એકસાથે પૂરો થશે, જે અનુચ્છેદ ૮૩ હેઠળ નિર્ધારિત રોટેશનના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

આ મુદ્દે ચૂંટણી પંચ પણ મૂંઝવણમાં છે અને આ બાબતે રાષ્ટ્રપતિની સલાહ લેવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ માટે આ અભૂતપૂર્વ સ્થિતિ કહી શકાય. જમ્મુ કાશ્મીરમાં વિકાસની અને બેરોજગારીની સમસ્યા હજુ પણ છે.બેરોજગારીનો દર વધતો જાય છે અને અપેક્ષા કરતાં બહુ ઓછું રોકાણ આ રાજ્યમાં થયું છે. કાશ્મીરી પંડિતોને ફરી વસાવવાની વાત પણ ઢીલમાં પડી છે. આ રાજ્ય કે જે ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે એમાં બધું સામાન્ય નથી એવું સ્પષ્ટ થાય છે અને ક્યારે થશે એ પણ કોઈ વિશ્વાસથી કહી શકે એવી સ્થિતિમાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top