Gujarat

અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદજ, તા. 9
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મતદાતા જાગૃતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan) અભિયાન અંતર્ગત વ્યાપક પ્રયાસો હાથ ધરાયા છે. શહેરમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનમાં લગભગ 1900 શાળાઓના 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી તથા ‘સ્વેપ’ નોડલ અધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મતદાતા જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરની અનેક અગ્રણી શાળાઓમાં સાયકલ રેલી, સેલ્ફી પોઈન્ટ અને સિગ્નેચર કેમ્પિયન જેવા કાર્યક્રમો યોજાયા હતા. NCC, NSS અને સ્કાઉટના વિદ્યાર્થીઓએ ખાસ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાના વિસ્તારોના 100 વર્ષથી વધુ વયના ‘શતાયુ મતદારો’નો સંપર્ક કરી તેમના પ્રેરણાદાયી સંદેશો લોકોને પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અને ‘મારો મત, મારી તાકાત’ જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ પોસ્ટર રેલી યોજી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં વધચઢીને ભાગ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Most Popular

To Top