એક તરફ યુનિ.ના કર્મચારીઓને લાખો રૂપિયાનો પગાર અને બીજી તરફ…..આર્થિક બોજ ઘટાડવાના નામે નર્મદ યુનિ. દ્વારા લેવાયું આ પગલું

સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) આર્થિક બોજો ઘટાડવા માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં (Collage) ચાલતા 28 જેટલા પી.જી સેન્ટરને (PG Center) તાળા મારી દેવાનું નક્કી કર્યું છે. જે સેન્ટરોમાં કોમર્સ તેમજ આર્ટસમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, કે પછી સાયન્સમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ મળતા હોય તેવા તમામ સેન્ટરોના ચાલુ વર્ષના પ્રવેશ પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

પ્રતિ કલાક કર્મચારીઓને લાખો રૂપિયાનો પગાર, યુનિવર્સિટીમાં બાંધકામમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રહેલા વર્તમાન શાસકોએ ગત સેનેટની બેઠકમાં યુનિવર્સિટીમાં તત્કાલીન કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાનાં અંધકારયુગનો અંત આવ્યો હોય, અને હવે પ્રકાશયુગનો આરંભ થયો હોવાનો ઉવાચ કર્યો હતો. એક તરફ યુનિવર્સિટી દ્વારા કહેવાતી ટેકનોલોજી અને પ્રતિ કલાક કર્મચારીઓનાં પગાર ભથ્થા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જયારે બીજી તરફ આર્થિક બોજો ઘટાડવા માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ચાલતા 28 જેટલા પી.જી સેન્ટરને બંધ કરી દેવાનો નિર્ણય કરતા યુનિવર્સિટીમાં નવા વિવાદનો ઉમેરો થયો છે.

યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23ની પી.જીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હોવાથી જે સેન્ટરોમાં કોમર્સ તેમજ આર્ટસનાં અભ્યાસક્રમમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, કે પછી સાયન્સમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા 28 સેન્ટરના પ્રવેશ સ્થગિત કરવાનો નિર્ણય બીયુટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એમ.એ.ઇંગ્લીશ, ગુજરાતી, હિન્દી, ઇકોનોમિક્સ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા પી.જી ડિપ્લોમાં ઇન જર્નાલીઝમ, ડી.આર.બી કોલેજના 1 વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવેલા એમ.એસ.સી મેથ્સ, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં ચાલતા પી.જી.ડિપ્લોમાં ઇન ટેકસોલોજી, સહિતના અભ્યાસક્રમનો સમાવેશ થઇ રહ્યો છે. યુનિવર્સિટીની બીયુટી દ્વારા જે 28 સેન્ટરોનાં પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યા છે, તે સેન્ટરોને સંભવત આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે.

યુનિવર્સિટીમાં માસ-કોમ, બાદ હવે પી.જી ડિપ્લોમાં જર્નાલિઝમ પણ બંધ
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એમ.એ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસક્રમ બંધ કર્યા બાદ હવે સત્તાધિશો પી.જી ડિપ્લોમાં જર્નાલિઝમનાં અભ્યાસક્રમને પણ સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે ડિપાર્ટમેન્ટમાં માત્ર બી.એ માસકોમ્યુનિકેશનના પાંચ વર્ષનાં ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ સિવાય એકપણ અભ્યાસક્રમ ચાલશે નહી. એટલુ જ નહીં બી.એ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ પણ ડ્રોપઆઉટ લેવા અધિરા બન્યા હોય નજીકના સમયમાં જ યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટને તાળા લાગી જાય તો પણ નવાઇ નહીં હોય.

આર્થિક બોજ ઘટાડવા માટે ઉચ્ચ શિક્ષણ બંધના નિર્ણયથી શિક્ષણવિદ્દોમાં ભારે રોષ
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા પી.જી સેન્ટરનો તમામ ખર્ચ યુનિવર્સિટી દ્વારા ઉઠાવવામાં આવે છે. જેના કારણે આર્થિક ભારણ ઉભુ થઇ રહ્યું હોવાથી પી.જી સેન્ટરને તાળા મારવા જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે. હાલ બીયુટી દ્વારા 28 સેન્ટરોની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે બીજી તરફ આડેધડ કલાક આધારીત કર્મચારીઓને પગાર, અને બાંધકામ સહિતના ખર્ચ, ટેકનોલોજી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા યુનિવર્સિટીના શાસકોએ ઉચ્ચ શિક્ષણને બંધ કરવાનો નિર્ણય કરતા શિક્ષણવિદોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

Most Popular

To Top