સુરત : પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) મેડિકલના ડેઝરટેશન હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને (VNSGU) ઓનલાઇન મોકલી શકાશે. એટલું જ નહીં, યુનિવર્સિટી ડેઝરટેશનને લાઇબ્રેરીમાં મૂકવા સાથે વેબસાઇટ (Website) પર પણ અપલોડ કરશે. જેને કારણે દેશ વિદેશના વિદ્યાર્થીઓ (Student) કે પછી ફેકલ્ટીઓ યુનિવર્સિટીની વેબસાઇટથી જઇને ડેઝરટેશન જોઇને પોતાના રિસર્ચમાં મદદ મેળવી શકશે.
- ડેઝરટેશન વેબસાઇટ પર પણ અપલોડ કરાશે
- દેશ વિદેશના વિદ્યાર્થીઓને પોતાના રિસર્ચમાં મદદ મળશે
યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીએ કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી. ગઢવીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના ત્રણ વર્ષના અભ્યાસમાં છેલ્લી ટર્મમાં વિદ્યાર્થીઓએ ડેઝરટેશનની પાંચ હાર્ડ કોપી યુનિવર્સિટીને આપવાની રહેતી હોય છે. એ પછી યુનિવર્સિટી એક્સર્ટનલ અને ઇન્ટરનલ પરીક્ષકને મૂલ્યાંકન માટે મોકલે છે. આ મૂલ્યાંકનમાં વિદ્યાર્થી પાસ થાય તો જ તે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા માટે માન્ય ગણાય છે. પણ પાંચ હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપીથી એટલે કે ઇ-મેલથી વિદ્યાર્થીઓ ડેઝરટેશન યુનિવર્સિટીમાં જમા કરાવી શકે તેમજ પરીક્ષકોને પણ તે રીતે ડેઝરટેશન મૂલ્યાંકન માટે મોકલવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
આ સુવિધા આવ્યા બાદ પેપરનો બચાવ થવા સાથે પર્યાવરણ બચશે અને પોસ્ટલ સહિતના ખર્ચ પણ ઘટશે. વિદ્યાર્થીઓના ડેઝરટેશનની સોફ્ટ કોપીઓ લાઇબ્રેરીમાં મૂકી શકાય અને વેબસાઇટ પર પણ અપલોડ કરી શકાય છે. આમ, આ સુવિધાથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ કે પછી ફેકલ્ટીઓને પોતાના જે તે વિષયમાં રિસર્ચમાં આ ડેઝરટેશનની મદદ મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીના આવેદન પત્ર બાદ યુનિવર્સિટીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં એમ જણાવાયું છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના એમડી, એમએસ, ડિપ્લોમા, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં, માસ્ટર ઓફ નર્સિંગમાં અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રીમાં ડેઝરટેશનની બે હાર્ડ કોપી તથા સોફ્ટ કોપી ઇ-મેલ કરવાની રહેશે. જે મામલે કોલેજોના પ્રિન્સિપાલોએ વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે.