સુરત : વિતેલા કેટલાંક સમયથી રાજકારણીઓની ચંચૂપાત અને દાવપેચને લઇને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) રાજકારણનો ઉકરડો બની ગઇ છે. જેને લઇને યુનિ.ની શિક્ષણની ગુણવત્તા, રિસર્ચ, કન્સલ્ટન્સી અને ઇનોવેશનના મામલે પછડાટ મળતાં યુનિ.ની આબરૂનું મોટાપાયે ધોવાણ થયુ છે. યુનિ.માં પેધા પડેલા રાજકારણીઓના પાપે ઉચ્ચ શિક્ષણનું નિકંદન નીકળી જવા પામ્યુ છે. યુનિ.માં રાજકીય ચંચૂપાતને કારણે નેકમાં એ ગ્રેડથી સીધી જ બી ડબલ પ્લસ ગ્રેડ પર પહોંચી ગઈ છે, યુનિ.ડીગ્રેડ થતા જ નાક કપાયું હોય એમ આઇસીસીઆર શૈક્ષણિક વર્ષ 2024-25થી યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓ નહીં આપશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતની દેશભરની યુનિવર્સિટી નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિટેશન કાઉન્સિલમાં ભાગ લેતી થઈ છે. સૌથી પહેલા વર્ષ 2004માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નેકમાં ભાગ લીધો હતો. એ સમયે યુનિવર્સિટીને બી ડબલ પ્લસ ગ્રેડ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં અને વર્ષ 2017માં યુનિવર્સિટી રિ-એક્રિડેશનમાં ગઈ હતી. આ દોરમાં યુનિવર્સિટીએ અનુક્રમે 2.82 સીજીપીએ સાથે બી ગ્રેડ અને 3.03 સીજીપીએ સાથે એ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. અંતે વર્ષ 2022માં યુનિવર્સિટી રિ એક્રિડેશનમાં ગઈ હતી. જેમાં યુનિવર્સિટીને 2.86 સીજીપીએ સાથે બી ડબલ પ્લસ ગ્રેડ મળ્યો હતો. જો કે, ગ્રેડ ઘટવા પાછળનું મુખ્ય કારણ રિસર્ચ, કન્સલ્ટન્સી અને ઇનોવેશનનો અભાવ હતો.
ઉપરાંત આ વખતે નેકે રિએક્રિટેશન મેળવવાની કાર્યવાહીમાં ફેરફાર પણ કર્યો છે. જે અનુસાર યુનિવર્સિટીએ એસએસઆર અને એક્યુઆર અમે 70% માર્ક્સના રિપોર્ટ નેકને મોકલવાનો હોય છે. જે પણ ફોટો સહિતના પુરાવા સાથેનો મોકલવાનો રહેતો હતો. જ્યારે 30 % માર્ક્સનું નેકની પીયર ટીમનું ઇન્સ્પેક્શન રહેતું હોય છે. જેમાં યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી, વાલીઓ તથા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિતના અલગ અલગ મંડળો સાથેની વાતચીત કરીને માર્ક્સ મૂકાતા હોય છે. પરંતુ મહત્વની વાત એવી છે કે, યુનિવર્સિટીનો ગ્રેડ બી ડબલ પ્લસ આવતા જ શૈક્ષણિક વર્ષ 2024-25થી વિદેશી વિદ્યાર્થીઓ ફાળવશે નહીં, તેવું આઇસીસીઆરના અધિકારીથી જાણવા મળ્યું હતું.
નહીં મળવાની વાતથી યુનિવર્સિટીએ 53 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ આપ્યા
નેકમાં બી ડબલ પ્લસ ગ્રેડ આવતા જ નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી આઇસીસીઆર વિદેશી વિદ્યાર્થીઓ નહીં ફાળવશે તેવી વાત ફેલાઈ હતી. જેને કારણે યુનિવર્સિટીએ તાત્કાલિક આઇસીસીઆર મારફતે એપ્લિકેશન કરનાર વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન મંજૂર કર્યા છે. જેમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે પીએચડી કરનારા 53 વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન ફાઇનલ કર્યા છે.
યુનિવર્સિટી અને આઇસીસીઆર વચ્ચે એમઓયું હોવાથી વર્ષ 2023-24માં વિદેશી વિદ્યાર્થી ફાળવશે
આઇસીસીઆરના ઉચ્ચ અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે હાલમાં નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં વિદેશી વિદ્યાર્થીઓ આપવાનો અમે નિર્ણય કર્યો છે. કારણ કે, યુનિવર્સિટી અને આઇસીસીઆર વચ્ચે એમઓયુ થયું હતું. જ્યારે શૈક્ષણિક વર્ષ 2024-25થી વિદેશી વિદ્યાર્થીઓ આપવુ મુશ્કેલ છે. યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ જોઇતા હશે તો નેકમાં સીજીપીએ વધારવાની સાથે ગ્રેડ પણ વધારવો પડશે. વિદેશી વિદ્યાર્થીઓ જોઇતા હોય તો યુનિવર્સિટીએ એ ગ્રેડ લાવવો પડશે.
યુનિવર્સિટીના તમામ કર્મીઓએ એ ગ્રેડ લવાવા માટેની તૈયારી શરૂ કરી
યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના કાર્યકાળમાં એકેડેમિક બાબતો કરતા રાજકરણ પર વધારે ભાર અપાયું હોવાની ચર્ચા હતી. જેને કારણે આજે યુનિવર્સિટી એ ગ્રેડથી સીધી જ બી ડબલ પ્લસ ગ્રેડ પર પહોંચી હોવાની વાત છે. ઉપરાંત હાલમાં પણ એકેડેમિક બાબતોની જગ્યા પર રાજકરણ ફરી હાવી થતું દેખાય રહ્યું હોય તેમ અમુક નિર્ણયો સિન્ડિકેટમાં લેવાય રહ્યાંના હોવાની ચર્ચા છે. પરંતુ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ રાજકરણમાં આવ્યા વિના જ પોતાની રીતે યુનિવર્સિટીએ એ ગ્રેડ અપાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.