ગાંધીનગરમાં ધારાસભ્યો અને કમિશનરની રજૂઆત ફળી
મુખ્યમંત્રીએ વિવાદ ઉકેલવા હકારાત્મક અભિગમ અપનાવ્યો
વડોદરા | ગાંધીનગર
વડોદરા મહાનગરપાલિકા (VMC) અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા પાનમ યોજનાના લેણાંના વિવાદનો હવે સુખદ અંત આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વડોદરા શહેરને ફાળવવામાં આવેલા પાણીના પેટે સિંચાઈ વિભાગ દ્વારા મોકલાયેલા રૂ. 4,733 કરોડના માતબર બિલ મુદ્દે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
પાનમ યોજના હેઠળ વર્ષો જૂનો વિવાદ
વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે પાનમ યોજના અંતર્ગત વર્ષો અગાઉ કરાર કરવામાં આવ્યા હતા. સમય જતાં સિંચાઈ વિભાગ દ્વારા વસૂલવામાં આવતા દર અને વ્યાજની ગણતરીને કારણે આ રકમ ધીમે ધીમે વધીને રૂ. 4,733 કરોડ સુધી પહોંચી હતી. આટલી વિશાળ રકમ ચૂકવવી પાલિકાની આર્થિક ક્ષમતા બહાર હોવાના કારણે આ મામલો વર્ષોથી મડાગાંઠમાં ફસાયો હતો.
મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચસ્તરીય રજૂઆત
આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા માટે બુધવારે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે વડોદરાના ઉચ્ચ પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમા વડોદરાના સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, VMCના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે આ ભારી બિલના કારણે પાલિકાના રોજિંદા તેમજ વિકાસલક્ષી કામો પર ગંભીર અસર પડી રહી છે.
વ્યાજમાં છૂટછાટ કે વચગાળાના રસ્તાની સંભાવના
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ સમગ્ર મુદ્દે અત્યંત હકારાત્મક અને વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે.
સિંચાઈ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા વચ્ચેના કરારોમાં વ્યાજમાં છૂટછાટ. અથવા બિલની રકમના સમાધાન માટે કોઈ વચગાળાનો રસ્તો કાઢવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.
વડોદરા પાલિકાને મોટી આર્થિક રાહતની આશા
આ મુદ્દે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. જો વિવાદનો કાયમી ઉકેલ આવે તો વડોદરા મહાનગરપાલિકાને મોટી આર્થિક રાહત મળશે.
વર્ષોથી વણઉકેલેલા આ પ્રશ્નનો અંત આવવાથી શહેરના વિકાસકાર્યોને વેગ મળશે, પાલિકાની તિજોરી પરનું ભારણ ઘટશે, નાગરિક સુવિધાઓમાં સુધારો શક્ય બનશે.