Vadodara

VMC બજેટમાં મોટો ફોકસ: ઇનર રિંગરોડથી ટ્રાફિકનો ઉકેલ, ચાર ઝોનમાં હાઈટેક સ્કૂલોની ભેટ

​ધારાસભ્યો-સાંસદના સૂચનો સાથે બજેટ તૈયાર; 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂરીની મહોર વાગશે

વડોદરા મહાનગરપાલિકા ના વર્ષ 2026-27 ના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક ખાસ સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના સાંસદ અને ધારાસભ્યોએ વડોદરાની કાયાપલટ કરવા માટે મહત્વના સૂચનો રજૂ કર્યા છે. આ સૂચનોમાં સૌથી મહત્વનું પાસું શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ‘ઇનર રિંગરોડ’ બનાવવાનો પ્રસ્તાવ છે.
બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવા ભળેલા વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ અને રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ વહેલી તકે પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શહેરના ચાર ઝોનમાં ચાર ‘હાઈટેક કોન્સેપ્ટ સ્કૂલો’ બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે ટેકનિકલ ટીમ દ્વારા તમામ સૂચનોનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને બજેટમાં સ્થાન આપવામાં આવશે.
સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બજેટની તૈયારીઓ આખરી તબક્કે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. નાગરિકો અને પ્રતિનિધિઓ તરફથી મળેલા રચનાત્મક સૂચનોને આ બજેટમાં અગ્રતા આપવામાં આવી છે. સમગ્ર બજેટ પ્રક્રિયા પૂર્ણ કરી 20 ફેબ્રુઆરી સુધીમાં તેને મંજૂર કરી દેવાની ખાતરી પણ આપવામાં આવી છે.

:- મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન…
​”શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી વિકાસલક્ષી અનેક સૂચનો પ્રાપ્ત થયા છે. ખાસ કરીને ઇનર રિંગરોડ અને હાઈટેક શાળાઓ જેવા પ્રોજેક્ટ્સ વડોદરાની ભવિષ્યની જરૂરિયાત છે. અમારી ટેકનિકલ ટીમ હાલ આ તમામ સૂચનોની વ્યવહારિકતા અને અમલીકરણ અંગે સ્ટડી કરી રહી છે. ટેકનિકલ ચકાસણી પૂર્ણ થયા બાદ જ આ કામોને બજેટના આખરી ડ્રાફ્ટમા સમાવેશ કરવામા આવશે.”
મ્યુનિસિપલ કમિશનર, VMC

સ્થાયી સમિતિના ચેરમેનનો આશાવાદ…
​”અમે વડોદરાના નાગરિકોની અપેક્ષાઓ અને શહેરના આયોજિત વિકાસ વચ્ચે સુમેળ સાધીને બજેટ તૈયાર કરી રહ્યા છીએ. આગામી 3-4 દિવસમાં રિવાઈઝ્ડ અને ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. અમારો લક્ષ્ય છે કે 20 ફેબ્રુઆરી સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી બજેટને મંજૂરી આપી દેવી, જેથી નવા નાણાકીય વર્ષથી જ વિકાસના કામોને વેગ મળી શકે. આ બજેટમાં પાયાની સુવિધાઓને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે.”
ડૉ,શીતલ મિસ્ત્રી, ચેરમેન (સ્થાયી સમિતિ)

Most Popular

To Top