Vadodara

VMC દ્વારા સ્માર્ટ સિટીના નામે લગાવેલા રૂપિયા 11 કરોડના CCTV રાત્રે અંધ થઈ જાય છે

રાત્રે નિંદ્રા દિવસે કામ, પાલિકાએ લગાવેલા સીસીટીવી કેમેરા પણ આવું જ કઈ કરી રહ્યા છે


વડોદરા મહાનગરપાલિકા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સદંતર નિષ્ફળ રહી છે. પ્રજાના ભરેલા ટેક્સના રૂપિયા ઉઘરાવી પાલિકા તેનો વેડફાટ કરી રહી છે. નીતનવી જાહેરાતો કરી સ્માર્ટ સિટીના નામે લાખો કરોડો રૂપિયા ઠોકી મારવામાં આવે છે . અધિકારી રાજમાં પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે છે .શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પરિણામ શૂન્ય છે

પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 11 કરોડના ખર્ચે શહેરના વિવિધ જંકશન અને સડકો પર 1000 જેટલા કેમેરા લગવ્યા છે. જોકે આ વાત જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ તમામ કેમેરા સાંજે અંધારું થાય ત્યારે આંધળા થઈ જાય છે. રાત્રિના કોઇ ગુનો બને ત્યાં આવા બનાવની તપાસમાં કેમેરા ઉપયોગમાં આવતા નથી તાજેતરમાં નવરાત્રી દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચારથી પાંચ યુવકો જોખમી રીતે જુના પાદરા રોડ ઉપર પસાર થતા હતા. વિડીયોની અકોટા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગુજરાત મિત્રને ધ્યાનમાં આવેલી વાતમાં આધારભૂત માહિતી મુજબ તપાસમાં મનીષા ચોકડી લાગેલા કેમેરાના ફોટા ચકાસવામાં આવ્યા હતા. બનાવ મળસ્કે ચાર વાગ્યાનો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા પરંતુ સ્કૂટરનો નંબર કે પાંચેય વ્યક્તિઓને ઓળખી શકાય ન હતા. આ અંગે પાલિકાના અધિકારીઓનું કહેવું છે આ કેમેરામાં સ્પષ્ટ દેખાય નહીં કારણકે એએનપીઆર કેમેરા માત્રા શહેરની ફરતે આવેલી ચેક પોસ્ટ પર લગાવવામાં આવ્યા છે.
પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે શહેરને સુરક્ષા આપવા માટે કેમેરા લગાવ્યા છે કે પોતાના કમાવા માટે આ કેમેરા લગાવ્યા છે? સીસીટીવી કેમેરા શેના માટે લગાવાય? રાત્રે કોઈ ચોરી થાય કોઈ મશ્કરી કરતો હોય કોઈ પથ્થર મારો થતો હોય કોઈ બેન દીકરીઓની છેડતી થતી હોય . આવા અનેક પ્રકારના ગુનાઓ અને ગુનેગારોને પકડવા માટે અને સુરક્ષિત રાખવા માટે લગાવવામાં આવતા CCTV લગાવવામાં આવે છે . ત્યારે આવા કેમેરા લગાવવામાં આવ્યા છે તેનો મતલબ શું ? જેણે કેમેરા લગાવ્યા છે તેને સજા થવી જોઈએ. થોડા દિવસ અગાઉ જે છોકરી સાથે દુષ્કર્મ થયું. જો આ કેમેરા સારી ક્વોલિટીના અને સારી જગ્યાએ જરૂરિયાત જગ્યાએ લગાવ્યા હોત તો આવી ઘટનાને રોકી શકાય. દુષ્કર્મની ઘટના જે બની તેના આરોપીઓને પાનના ગલ્લા પર લાગેલા સીસીટીવી ના આધારે ઓળખ થઈ હતી. અત્યારના સત્તા પર બેઠેલા લોકો અને એની નીચે કામ કરતા અધિકારીઓ ઊંધા ચશ્મા પહેરાવે છે અથવા પ્રજાને મૂર્ખ સમજે છે.

અહીં સવાલ એ થાય છે 11 કરોડના ખર્ચે વસાવેલા સીસીટીવી કેમેરા તો આંધળા કેમેરા કેમ ખરીદવામાં આવ્યા? આંધળા કેમેરા ખરીદવાની જગ્યાએ એનપીઆર કેમેરા ખરીદવાની કોણે ના પાડી? જો કેમેરા મોંઘા પડતા હોય તો મર્યાદિત સંખ્યામાં ખરીદવામાં વાંધો શું? હવે આ આંધળા કેમેરા રાત્રીને સમયે ગુહનાઓ નો ભેદ ઉકેલવામાં સદંતર નિષ્ફળ જાય છે ત્યારે સવાલ એ છે કે આ આંધળીયુ કરવા પાછળ કોણ જવાબદાર છે? 11 કરોડ વેરાઈ ગયા એની તપાસ ના થવી જોઈએ?

Most Popular

To Top