Vadodara

VMC દ્વારા મિલકત આકારણી રજીસ્ટર જાહેર, વાંધા અરજી માટે વિવિધ વોર્ડમાં અલગ-અલગ તારીખો

મિલકતધારકોને નિર્ધારિત તારીખે વાંધા અરજી કરી પાવતી મેળવવા મહાનગરપાલિકાની અપીલ

વડોદરા: શહેરના રહેવાસીઓ તથા મિલકતધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટેની મિલકત આકારણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે દરેક ઝોનના વિવિધ વોર્ડમાં મિલકતોના આકારણી રજીસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ રજીસ્ટરમાં રહેણાંક, બિન-રહેણાંક તેમજ ઔદ્યોગિક મિલકતોના ક્ષેત્રફળ આધારિત આકારણી, સામાન્ય મિલકતકર, શિક્ષણ ઉપકર, પાણી કર, કંજરવંશી અને સુએઝ ટેક્સ, ફાયર ટેક્સ, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ સહિતની તમામ વિગતો સમાવિષ્ટ છે.

મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આ રજીસ્ટર સંબંધિત વહીવટી બોર્ડની કચેરીમાં સવારે 10:30થી બપોરે 1:00 અને 1:30થી સાંજે 5:00 સુધી જાહેર જોવા માટે ઉપલબ્ધ રહેશે. જો કોઈ મિલકતધારકને પોતાની મિલકતની વિગતો અથવા કરમાં કોઈ વાંધો હોય તો તે લેખિતમાં અરજી કરી શકે છે. અરજી માટે નિર્ધારિત ફોર્મ અથવા સાદા કાગળનો પણ ઉપયોગ કરી શકાય છે. અરજી આપ્યા બાદ પાવતી મેળવવી ફરજિયાત રહેશે.
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર, મિલકતધારકોને પોતાના વોર્ડની તારીખ મુજબ અરજી કરવાની અને સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં પાવતી મેળવવાની ખાસ અપીલ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા મિલકતકર અંગેની પારદર્શકતા અને ન્યાયસંગતતા જળવાઈ રહે તે મહાનગરપાલિકાનું મુખ્ય હેતુ છે.

આ સાથે, સરકારી મિલકતો માટે પણ આકારણી રજીસ્ટર આકારણી શાખામાં ઉપલબ્ધ રહેશે અને તેમાં પણ જો કોઈ વાંધો હોય તો અરજી કરી શકાય છે.

ઝોન વાઈઝ આકારણી તેમજ વાંધા અરજી માટેની તારીખો
પશ્ચિમ ઝોન (વોર્ડ નં. 8, 9, 10, 11, 12): તા. 15 જુલાઈ સુધી

ઉત્તર ઝોન (વોર્ડ નં. 1, 2, 4, 7, 13): તા. 21 જુલાઈ સુધી

પૂર્વ ઝોન (વોર્ડ નં. 4, 5, 6, 14, 15): તા. 28 જુલાઈ સુધી

દક્ષિણ ઝોન (વોર્ડ નં. 16, 17, 18, 19): તા. 13 જુલાઈ સુધી

Most Popular

To Top