Vadodara

VMCનો એક્શન પ્લાન: સ્વચ્છતા માટે ‘દંડ’ અને ડિસેમ્બર પહેલા રોડ ખાડામુક્ત કરવાની તાકીદ

હેરિટેજ ઈમારતોની જાળવણી માટે ટોચના નિષ્ણાતોની મદદ, 130 ગાર્ડનનું નવીનીકરણ; પાણી ચોરી કરનારા સામે સખત કાર્યવાહી થશે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં આયોજિત સમીક્ષા બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓને લગતા આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, હેરિટેજ જાળવણી, બાગ-બગીચાઓનું નવીનીકરણ અને રોડ-રસ્તાના સમારકામ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કમિશનરની પ્રતિક્રિયા મુજબ, આજની બેઠકનો મુખ્ય હેતુ વડોદરાને ‘સ્વચ્છ સિટી’ બનાવવાનો છે. આ દિશામાં પ્રયાસોના ભાગરૂપે, શહેરની તમામ બોર્ડની સોસાયટીઓના પ્રમુખોને અનિતા ખાતે બોલાવી VMC સાથે સહયોગ કરવા અને સ્વચ્છતા પ્રત્યે નાગરિકો પોતાની જવાબદારી સમજે તે માટે અપીલ કરવામાં આવી હતી. કમિશનરે સ્વચ્છતા બાબતે કડક પગલાં લેવાની તાકીદ કરી છે. પ્રથમ તબક્કામાં નાગરિકોને સમજ આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ સ્પષ્ટપણે જણાવાયું હતું.
શહેરીજનોની સુરક્ષા અને સામાજિક શાંતિ જાળવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કમાટીબાગ અને અન્ય ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે રજિસ્ટર થકી એન્ટ્રીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં કમાટીબાગમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેને પગલે શહેરમાં આવેલા 130 જેટલા અન્ય ગાર્ડનોમાં પણ આગામી સમયમાં નવીનીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ફૂડ ડિપાર્ટમેન્ટને લારીઓ પર અને હોટલોમાં વેચાતા ખોરાકની ગુણવત્તા બાબતે કડક ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ રોકવા પર ભાર મૂકવામાં આવશે.
વડોદરા શહેરની ઓળખ સમા હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી બાબતે પણ જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું હતું કે દેશના બેસ્ટ હેરિટેજ એક્સપર્ટને સાથે રાખીને ન્યાય મંદિર, પાણીગેટ, ગેંડી ગેટ અને તાંબેકરનો વાળો જેવી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવામાં આવશે.
માળખાકીય સુવિધામાં સુધારાના ભાગરૂપે, રોડ-રસ્તા બાબતે ચારેય ઝોનના એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે કે ડિસેમ્બર પહેલા ખાડા બાબતે સર્વે પૂર્ણ કરી જલ્દીમાં જલ્દી સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવે.
તળાવોના નવીનીકરણની કામગીરી હાલમાં ચાલી રહી છે, અને નવા તળાવોને પણ બ્યૂટીફિકેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
પાણીના ગેરકાયદેસર ઉપયોગ સામે પણ કડક પગલાં લેવાશે. આગામી સમયમાં પંપથી પાણી ખેંચતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, શરૂ થનારી સરદાર યાત્રા બાબતે શહેરના નવલખી ખાતે આયોજિત કાર્યક્રમ માટે VMC દ્વારા તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી માટે VMC સંપૂર્ણપણે ઉપલબ્ધ છે.
કમિશનરની આ પ્રતિક્રિયા દર્શાવે છે કે VMC આગામી સમયમાં સ્વચ્છતા, સુરક્ષા, હેરિટેજ સંવર્ધન અને નાગરિક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વડોદરાને વધુ સુંદર અને સુવિધાજનક શહેર બનાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

Most Popular

To Top