મેડિકલ બિલ રીમ્બર્સમેન્ટની નવી નીતિ વિવાદનું કેન્દ્ર બની
કોર્પોરેશનના કર્મચારીઓ, પેન્શનરોએ સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રિલ 2024માં મેડિકલ બિલ રીમ્બર્સમેન્ટ નીતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેનાથી કોર્પોરેશનના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આધારિત કુટુંબીજનોની સારવાર પ્રણાલીમાં મોટો પરિવર્તન આવ્યું છે. નવી નીતિ અનુસાર, ઓ.પી.ડી. સારવાર માટે આપેલી દવાઓ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (UCHC) અથવા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર (UPHC)માંથી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. જો ત્યાં દવાઓ ઉપલબ્ધ ન હોય તો, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા અને ફક્ત એજ દવાઓના બીલો રીમ્બર્સ કરવા નિર્ણય કરાયો હતો. કર્મચારીઓ અને પેન્શનરોનો આક્ષેપ છે કે, નવી નીતિ અમલમાં આવ્યા બાદ તેમને સારી મેડિકલ સારવાર માટે જરૂરી દવાઓ યોગ્ય સમયે મળતી નથી. એક તો UCHC અને UPHC ખાતે મોટાભાગની દવાઓ ઉપલબ્ધ રહેતી નથી અને બીજું, જો આ હેલ્થ સેન્ટરોમાંથી દવાઓ ન મળે તો, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં પણ ઘણી દવાઓ મળતી નથી. પરિણામે, તેમને બજારમાંથી દવાઓ ખરીદવાની ફરજ પડે છે, જે નીતિ મુજબ રીમ્બર્સ થતી નથી.
પહેલા તો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ લેખિત આવેદન આપ્યું હતું, પરંતુ કોઈ નિર્ણાયક પગલાં ન ભરાતા, હવે તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીને મળી પોતાની વેદના રજૂ કરી હતી. તેઓએ માગણી કરી કે, એપ્રિલ 2024 પહેલાં જે નીતિ અમલમાં હતી, તેને ફરીથી લાગુ કરવામાં આવે, જેથી મેડિકલ સારવાર માટે તેમને વણજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ડૉ. શીતલ મિસ્ત્રીએ આ મામલે જવાબ આપતાં જણાવ્યું કે, કોર્પોરેશન કર્મચારીઓની ચિંતાઓને ગંભીરતાથી લે છે અને આગામી સમયમાં આ મુદ્દે યોગ્ય સમાધાન લાવવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે, કોર્પોરેશન આ મામલે કેટલા સમયમાં કોઈ હકારાત્મક નિર્ણય લે છે અને કર્મચારીઓની મુશ્કેલીઓમાં રાહત આપે છે કે કેમ.
