લાખોના ખર્ચની નવી સિસ્ટમનું ‘સુરસુરિયું’!
દરબાર ચોકડી પાસેના નવનિર્મિત બ્રિજ નીચે ડ્રેનેજ પાસે ભુવો પડતા અકોટા જેવી ગંભીર દુર્ઘટનાનો ભય, વાહનચાલકો જોખમમાં
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લાખો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે અને નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ભુવા ન પડે તેવા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં જ નવા વર્ષે અકોટા રોડ પર મસમોટો ભુવો પડ્યા બાદ હવે શહેરના વોર્ડ નંબર 18, માંજલપુર વિસ્તારમાં પણ ભુવો પડવાની શરૂઆત થઈ ગઈ છે.

માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ વચ્ચે બનેલા નવા બ્રિજની નીચે, રેલવે ફાટક પાસે ડ્રેનેજ નજીક ભુવો પડવાનું શરૂ થયું છે. આ ઘટના અત્યંત જોખમકારક છે. જો અકોટા-મોજમહુડા રોડ પર જે રીતનો મોટો ભુવો પડ્યો હતો, તેવો જ ભુવો અહીં પડે તો નવનિર્મિત બ્રિજને પણ નુકસાન થઈ શકે છે. ઉપરાંત, ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે પણ મોટો અકસ્માત સર્જાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જો આ સંજોગોમાં કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની, તે મોટો સવાલ ઊભો થયો છે.
VMC દ્વારા ભુવા અટકાવવા માટે નવી સિસ્ટમ પર લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ માંજલપુરની આ ઘટનાએ તે સિસ્ટમનું ‘સુરસુરિયું’ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે.
વોર્ડ નંબર 18 ના કાઉન્સિલરો પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કાઉન્સિલરો પોતાના વિસ્તારની સમસ્યાઓ અને લોકોને પડતી મુશ્કેલીઓ પર ધ્યાન આપવાને બદલે કોન્ટ્રાક્ટરો સાથે મળીને અંગત લાભ માટે કામ કરી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે.
એક તરફ VMC સ્માર્ટ સિટીના બણગાં ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ વોર્ડ 18 માં નવનિર્મિત બ્રિજની નીચે ભુવો પડવાની શરૂઆત થતાં, પાલિકાના કામોની ગુણવત્તા અને બેજવાબદારી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ ભુવાને રિપેર કરવા અને સમગ્ર વિસ્તારમાં વિકાસના કામો પર ધ્યાન આપવા માટે VMC સમક્ષ માંગણી કરી છે.