પાણી પુરવઠા વિભાગ માટે સ્ટાફની અછત માથાનો દુખાવો બન્યો
પાણી પુરવઠા વિભાગમાં મહેકમ મુજબ 900 થી વધુ મંજૂર કર્મીઓની જગ્યાઓ સામે માત્ર 250થી વધુનો જ સ્ટાફ
વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં હાલ 45 જેટલા ઇજનેરો કાર્યરત છે. પરંતુ ઇજનેરોની નીચે જે જરૂરી ટેકનિકલ અને સહાયક સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફની છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે વિભાગ પર કામનું ભારણ વધી રહ્યું છે અને નાગરિકોની પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો સતત વધી રહી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણી પુરવઠા વિભાગમાં મહેકમ મુજબ 900 થી વધુ કર્મીઓની જગ્યાઓ મંજૂર છે. તેમાંથી 600 થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે. ખાસ કરીને સિનિયર ઓપરેટરની 10 થી વધુ, ફિલ્ડ આસિસ્ટન્ટની 10 થી વધુ, ઓપરેટરની 150 થી વધુ, ફિટરની 20 થી વધુ અને મજૂરની 200 થી વધુ જગ્યાઓ ખાલી છે. વિભાગમાં જુનિયર ક્લાર્ક સ્ટાફનો પણ અભાવ છે. ઉપરાંત કેટલાક ઇજનેરોની જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે અને અનેક ઇજનેરોને હંગામી ચાર્જ પણ અપાયા છે.
વિભાગ દ્વારા આ બાબતે વહીવટી વિભાગને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. વહીવટી શાખા તરફથી ભરતી પ્રક્રિયા શરૂ થતી નથી અને અનેક જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં પણ મોડું થાય છે. પરિણામે જરૂરી જગ્યાઓ ભરાતી નથી અને કામકાજમાં ખલેલ પડે છે. વિભાગના સૂત્રો મુજબ, ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકી છે, જેના કારણે હાલના સ્ટાફ પર દબાણ વધી રહ્યું છે. નાગરિકોની પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. સાથે જ, ઘણા કર્મીઓ નોકરી છોડી રહ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વિભાગના કર્મચારીઓનું માનવું છે કે જો વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે તો અનેક ખાલી જગ્યાઓ ઝડપથી ભરી શકાય અને કામકાજમાં રાહત મળશે. પરંતુ વહીવટી શાખા તરફથી આ દિશામાં કોઈ કાર્યવાહી ન થતાં સ્ટાફની અછત યથાવત છે. પાણી પુરવઠા વિભાગમાં સ્ટાફની અછત વિભાગના આંતરિક કામ પર અને શહેરના નાગરિકોને મળતા સેવાઓના સ્તર પર પણ સીધી અસર કરી રહી છે. નાગરિકોમાં પાણી પુરવઠાની ફરિયાદો વધી રહી છે, પરંતુ સ્ટાફના અભાવે સમયસર ઉકેલ શક્ય નથી થઈ રહ્યો.
બોક્સ
19 વોર્ડમાં પાણી વિતરણ માટે ફક્ત 7 જ ઇજનેરો !
પાણી વિતરણ શાખા કે જે શહેરભરમાં પાણી વિતરણની જવાબદારી નિભાવે છે આ વિભાગમાં માત્ર 7 ઇજનેરો કાર્યરત છે. શહેરના 19 વોર્ડમાં 19 ઇજનેરો હોવા જરૂરી છે પરંતુ પાણી વિતરણ વિભાગમાં માત્ર 7 જ ઇજનેરો હોવાથી વિતરણમાં પણ અનેક વાર મુશ્કેલી પડે છે. શહેરના ચાર ઝોનમાં આટલા ઓછા સ્ટાફથી કામ કરી રહેલા આ વિભાગમાં શહેરના અનેક વિસ્તારોમાં અવાર નવાર પાણી ન આવવાની બૂમો પણ ઉઠે છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરની ઇજનેરોની ભરતી કરવામાં આવી હતી તેનું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરાયું નથી. જો આ લિસ્ટ જાહેર કરાય તો પણ મહદઅંશે વિભાગમાં બળ મળે એમ છે. પાણી પુરવઠા સિવાયના અન્ય વિભાગોમાં પણ આવી જ પરિસ્થી છે.
બોક્સ
કાયમી ભરતીના અભાવે આઉટસોર્સિંગનો કરોડોનો ઇજારો
પાલિકા દ્વારા કાયમી ભરતી ન કરાતા વિવિધ વિભાગોમાં ઇજારો કરી માનવબળ લેવામાં આવતું હોય છે. તાજેતરમાં જ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગમાં માનવબળ પૂરું પાડતા ઇજારદારના માણસોએ ઇરાદાપૂર્વક રજા પાડી દેતા પાણી વિતરણ ખોરવાયું હતું. વધુમાં, દર વર્ષે પાલિકા કરોડો રૂપિયાના ઇજારા ઇજારદારોને આપવામાં આવે છે અને માનવ બળ લેતું હોય છે. પરંતુ જો કાયમી કર્મીઓની ભરતી કરી દેવામાં આવે તો ઇજારા સહિતની પ્રક્રિયામાં કાયમી છૂટકારો મળી શકે.