Vadodara

VMCના આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા જીઓ ફેન્સીંગ AI બેઝ મોબાઇલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ

મેન્યુઅલ હાજરીનો યુગ પૂરો: 4400 કર્મચારીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ, ભૂલો ઘટાડી કાર્યસ્થળેથી જ હાજરી પૂરવા પ્રાયોગિક ધોરણે શરૂઆત; ઓટોમેટિક સમય ગણતરી અને ડેટા વિશ્લેષણથી વહીવટ થશે સરળ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના કર્મચારીઓના હાજરી વ્યવસ્થાપનને આધુનિક બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. કોર્પોરેશનના આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાધુનિક જીઓ ફેન્સીંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ મોબાઇલ એટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ માટે આ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરીને તેના દ્વારા હાજરી લેવાનું શરૂ કરવામાં આવશે.
​હાલમાં આ કર્મચારીઓ દ્વારા જે તે વિભાગના હાજરી પત્રકમાં મેન્યુઅલી હાજરી નોંધવામાં આવે છે. નવી મોબાઇલ એપ્લિકેશનના અમલથી આ મેન્યુઅલ પ્રક્રિયાનો અંત આવશે અને હાજરી પ્રણાલી વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે.
સિસ્ટમના સંપૂર્ણ અમલ પહેલા, કર્મચારીઓને આ મોબાઇલ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન અને મોબાઈલ દ્વારા હાજરી લેવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ પૂરી થતાની સાથે જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને આજની તારીખ સુધીમાં 4400 જેટલા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે.
​રજીસ્ટર્ડ થયેલા કર્મચારીઓ દ્વારા હાલમાં પ્રાયોગિક ધોરણે મોબાઇલ એપ્લીકેશનથી હાજરી ભરવાનું પણ શરૂ કરવામાં આવેલ છે. આ તબક્કામાં કર્મચારીઓને આવતી કોઈ પણ એરર અથવા ટેકનીકલ ઇસ્યુનો તાત્કાલિક ઉકેલ લાવીને સિસ્ટમને સંપૂર્ણપણે ભૂલરહિત બનાવવામાં આવી રહી છે.

નવી સિસ્ટમના મુખ્ય ફાયદા:

1.​કર્મચારીઓ જ્યારે જીઓ ફેન્સીંગ માં પ્રવેશ કરે અથવા બહાર નીકળે, ત્યારે સિસ્ટમ આપોઆપ તેમનો ચેક-ઇન અને ચેક-આઉટ સમય રેકોર્ડ કરે છે.
2.​મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂરિયાત દૂર થતા માનવીય ભૂલોમાં મોટો ઘટાડો થશે.
3.​કર્મચારીઓ ફક્ત તેઓની કામગીરીના નિર્ધારિત સ્થળેથી જ હાજરી ચિહ્નિત કરી શકશે, જે હાજરીમાં ગેરરીતિની શક્યતા દૂર કરશે.
4.​સિસ્ટમ દ્વારા આપમેળે કામના કલાકોની ગણતરી થાય છે, જેનાથી પગાર ધોરણ અને અન્ય લાભોની ગણતરી સરળ બનશે.
5.​કામના કલાકોના વિશ્વસનીય અને ઓડિટેબલ રેકોર્ડ જાળવી શકાશે.
6.​આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હાજરી ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકાશે, જે વહીવટી નિર્ણયો લેવામાં મદદરૂપ થશે.

Most Popular

To Top