Vadodara

VMCએ લોક કલ્યાણ મેળામાં 15000થી 50000 સુધીની લોનના ફોર્મ ભરાવ્યા

​PM સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવવા 1565થી વધુ લાભાર્થીઓ ઉમટ્યા

પશ્ચિમ-દક્ષિણ વિસ્તાર બાદ પૂર્વ-ઉત્તર વિસ્તારના ફેરિયાઓ માટે મેળો
​અત્યાર સુધીમા 53945 શેરી ફેરિયાઓને લોન મંજૂર

​વડોદરા : શહેરના શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોમવારે એક ભવ્ય લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
​આ કાર્યક્રમ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો હતો. આ લોક કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉમટી પડ્યા હતા અને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, સાથે જ ડિજિટલ ઓનબોર્ડિંગ અને સરકારની અન્ય 08 યોજનાઓનો લાભ પણ લીધો હતો.

​કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે આ સફળ આયોજન બદલ યુસીડી વિભાગ (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) ને અભિનંદન પાઠવ્યા હતા. લોક કલ્યાણ મેળામાં લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર, બેંકના પ્રતિનિધિઓ અને અન્ય સરકારી યોજનાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અંદાજે 1565થી વધુ લાભાર્થીઓએ આ સફળ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

​લોક કલ્યાણ મેળામાં શહેરી ફેરિયાઓના પ્રોફાઈલિંગ ફોર્મ ઓનલાઈન ભરવામાં આવ્યા હતા, જેના આધારે તેમને લોન ઉપરાંત સરકારની અન્ય 08 યોજનાઓના લાભ આપવામાં આવશે.
​લક્ષ્યાંક પાર, હજારો ફેરિયાઓને લોન મંજૂર
​અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના શરૂ થઈ ત્યારથી ગત ડિસેમ્બર સુધીમાં વડોદરામાં કૂલ 53154 ના લક્ષ્યાંક સામે 53945 શહેરી ફેરિયાઓને બેંક દ્વારા લોન મંજૂર કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ યોજના શહેરમાં કેટલી સફળ રહી છે.

​વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનો બીજો તબક્કો મંગળવારના રોજ પણ યોજાશે. આ બીજા તબક્કામાં પૂર્વ અને ઉત્તર વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દિનદયાળ નગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

લોનની રકમનું પુનર્ગઠન અને આગામી તબક્કાઓ..
​આ યોજના હેઠળ લોનની રકમનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. શહેરી ફેરિયાઓને તબક્કાવાર લોન પૂરી પાડવામાં આવશે:
​પ્રથમ લોન: 15000/-
​બીજી લોન: ₹ 25000/-
​ત્રીજી લોન: ₹ 50000/-

Most Popular

To Top