વર્તમાન યુગ એ બુધ્ધિયુગ છે. એમાં જડ અને ચેતન બંનેનું સંચાલન બુધ્ધિ કરે છે. આપના હૃદયની ચાવી પણ એના જ હાથમાં છે. બુધ્ધિને પણ અનેક બારણાં છે. જો ભૂલથી જુદું બારણું ખૂલી ગયુ તો આપણે એની ભૂલામણીમાં અટવાઈ જઈએ છીએ. આપણો સમગ્ર જીવન વ્યાપાર બુધ્ધિએ પોષેલા સ્વાર્થ વડે ચાલે છે. જો કે આપણા વિવિધ ક્ષેત્રોના સંશોધનની ધરી પણ બુધ્ધિ જ છે. માનવીના હૃદય કરતા એની બુધ્ધિએ અનેક ગણી મોટી હરણફાળ ભરી છે, તે આજના સુખ સગવડના સાધનો સિધ્ધ કરે છે. બુધ્ધિએ જેમ માનવીને જીવવાની શક્તિ આપી છે અને અન્યના સંહાર કરવાની શક્તિ પણ આપી છે. આજે વિશ્વના એક ભાગનો માનવી વિશ્વના બીજા ભાગના માનવી સાથે બુધ્ધિથી જેટલો નજીક આવ્યો છે, એટલો હૃદયથી નથી આવ્યો. હૃદય માનવીની લાગણીનું તંત્ર સંભાળે છે, તો બુધ્ધિ એના સુખ અને સ્વાર્થનું. અહીં જ બુધ્ધિ માર ખાય છે.
જ્યાં બુધ્ધિ માર ખાય છે, ત્યારે જ અને ત્યાં જરૂર પડે છે વિવેક સભર બુધ્ધિની. એટલે એવો વિવેક તો માનવીના મનના ગર્ભમાં જ રહેલો હોય છે, પણ આપણે તેને પાંગરવા દેવા ઈચ્છતા નથી. તેથી ઈચ્છા – અનિચ્છાના લેબલ વડે આપણે બધો જીવનવ્યવહાર ચલાવીએ છીએ. વિવેક એટલે વિનય. વિવેક એટલે સભ્યતા. પણ આપણે તો અસભ્યતાની આંગળી પકડીને સભ્યતાના જંગલમાં ઘૂમવા ઈચ્છીએ છીએ. વિવેક એક એવી સમતુલા છે કે જે મનુષ્યને મનુષ્ય બનાવવામાં સહાયભૂત થાય છે. એવો મનુષ્ય વિવેક બુધ્ધિપ્રધાન કહેવાય છે. વિદ્યા વિનયથી શોભે તેમ માનવી પણ વિવેક બુધ્ધિથી શોભે.
વર્તમાન યુગમાં બુધ્ધિના વ્યભિચારે જેટલો ભ્રષ્ટાચાર સર્જ્યો છે, એટલો ક્યારેય સર્જાયો ન હતો. આપણે જેમ જેમ બુધ્ધિના ખાનાઓ પાડતા ગયા તેમ તેમ માનવીઓને પણ વિવિધ ખાનાઓમાં મૂકતા ગયા. અમૂક ખાનામાં બેઠેલો માનવી જન્મથી જ સર્વાધિકાર ભોગવવા સર્જાયેલો છે તો બીજા ખાનામાં બેઠેલા માનવીએ આજીવન ગુલામી જ ભોગવવાની છે – આ બધા ભેદ માનવીની બુધ્ધિ એ જ પાડ્યા છે.
વિવેક એક પક્ષીય નથી. એ સામી વ્યક્તિ કે સમૂહ પાસે પણ વિવેક – વિનયની અપેક્ષા રાખે છે. આપણને કોઈની સલામ ગમે છે પણ એનો પ્રત્યુત્તર આપવો ગમતો નથી. આપણે વિવેકનો એવો બોદો અર્થ પણ કર્યો છે કે ઝૂકી જનારાને આપણે વિવેકી કહીએ છીએ. વિવેકની વ્યાખ્યા સામાને સમજવામાં રહેલી છે અને એની શરૂઆત આપણા પોતાનાથી જ થાય છે. તેને વિવેક બુધ્ધિપ્રધાન માનવી કહેવાય. અરીસામાં આપણે જેવો ચહેરો બનાવીને નીરખીએ તેવું જ આપણું પ્રતિબિંબ પડે છે. અહમ વિવેકનું કેન્સર છે અને કેન્સરગ્રસ્ત માનવીને બચાવવાનું સહજ નથી. શાંત મન સાથે અગ્નિમાં ચાલવાનું સરળ નથી પણ એ અગ્નિના સ્વસ્થ – શાંત ઉપયોગમાં જ મનુષ્યની શક્તિ રહેલી છે.
કુમાર સેન નામનો એક રાજાનો પુત્ર ગુરૂદેવ દયાનંદના આશ્રમમાં ભણવા મોકલ્યો. તે બધી વિદ્યામાં યુધ્ધ શાસ્ત્રમાં પણ પ્રવીણતા મેળવી. રાજાનો પુત્ર ખૂબ ગર્વિષ્ટ હતો. તેને ગુરૂજી સાથે યુધ્ધ કરવાની ઈચ્છા દર્શાવી. ગુરૂજીએ કહ્યું ‘હું તો વૃધ્ધ થયો છું અને અશક્ત પણ છું.’ છતાં રાજાના પુત્રે યુધ્ધ કરવાની જિદ છોડી નહીં. આખરે 15 દિવસની મુદ્દત પછી યુધ્ધ કરવાનું ગુરૂદેવે કબૂલ કર્યું. ગુરૂદેવ યુધ્ધની તૈયારી કેવી રીતે કરે છે તે જોવા માટે પુત્રએ જાસુસો રાખ્યા. જાસુસોએ ખબર આપ્યા કે ગુરૂદેવે લુહારને 25 ફૂટ લાંબુ તલવારનું મ્યાન તૈયાર કરવા આપ્યું છે. રાજાના પુત્રએ વિચાર્યું કે 25 ફૂટ દૂરથી ગુરૂદેવ મારા પર વાર કરશે ત્યારે મારી પોતાની તલવાર શા કામની? તેણે પણ 25 ફૂટ લાંબી તલવાર અને મ્યાન તૈયાર કરાવ્યા.
15 દિવસની મુદ્ત પૂરી થતા ગુરૂ – શિષ્યની જોડી સમરાંગણમાં ઉતરી. નક્કી કરેલો સમય થતા જ ગુરૂદેવ 25 ફૂટ લાંબા મ્યાનમાંથી 3 ફૂટ લાંબી તલવાર બહાર કાઢીને વીજળી વેગે શિષ્ય તરફ ધસ્યા. શિષ્ય હજી તો 25 ફૂટ લાંબી તલવાર મ્યાનમાંથી કાઢતો હતો. ત્યાં તો ગુરૂદેવે તેમની તલવાર શિષ્ય પર ધરી દીધી. શિષ્યના તો મોતિયા જ મરી ગયા. ‘ગુરૂદેવ તમે જીત્યા અને હું હાર્યો’ કહેતા જ શિષ્ય ગુરૂદેવના પગમાં પડી ગયો. ગુરૂદેવે પિતાના વાત્સલ્ય ભાવ સાથે શિષ્યને કહ્યું, ‘બેટા, ધ્યાનમાં રાખજે. આજ સુધી મેં તને જે પાઠો – વિદ્યા શીખવી છે, તેનો છેલ્લો પણ અગત્યનો પાઠ આજે શીખવું છું. ભવિષ્યમાં વિદ્યાનો કદી ગર્વ ન કરતો. વિદ્યા વિનયથી જ શોભે છે.’
વિવેકશીલ માનવી વિવેક બુધ્ધિ દ્વારા આજના બુધ્ધિ યુગમાં ત્યારે જ વિજયી બની શકે જ્યારે તેનો બુધ્ધિયોગ એક પરમપિતા પરમાત્મા સાથે સતત જોડાયેલો હોય અને વ્યવહારમાં પરમાર્થ અને પરમાર્થમાં વ્યવહારમાં સમતુલન રાખવાની કળા આચરણમાં હોય. બુધ્ધિ યુગના આપણે માનવીઓએ આપણી બુધ્ધિને ન્યાયાધીશની ખુરશીમાં બેસાડવી પડે અને જીવન જીવવાની કળામાં નિર્ણય લેવો પડે. મિત્રો, ચાલો આપણે આપણી બુધ્ધિને વિવેક બુધ્ધિથી ભરી દઈએ. વ્યવહારમાં સકારાત્મક કર્મો જ કરીએ અને આ વાત આપણા સહપરિવારને સમજાવવા પ્રેરણા સ્રોત બનીએ એવી શુભકામના સાથે….ઓમ શાંતિ…