ગત સપ્તાહે ૧ લી જૂને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો. દેશના ગામ – શહેરોમાં બનેલા બ્રાહ્મણ સંગઠનોએ પૂજન – હવન ઇત્યાદિ શુભ કાર્યો કરી વિશ્વ બ્રાહ્મણ દિવસની ઉજવણી કરી તો કેટલાકે ઇલેકટ્રોનિકસ માધ્યમ થકી શુભકામનાઓની આપ-લે કરી. ૧લી જૂન એ મહાન રાજનીતિજ્ઞ ચાણકયનો જન્મદિવસ છે. સંશોધકોએ ઇતિહાસના ગણિત થકી નકકી કરેલ ૧ જૂનને બ્રહ્મ સંગઠનોએ બ્રાહ્મણ દિવસ તરીકે ઉજવણીનું પર્વ નકકી કરેલ છે. બ્રાહ્મણ એ સમાજમાં એક સમ્માનીય વ્યકિતત્વ છે. વેદ-પુરાણ કાળથી બ્રાહ્મણનો પૂજનીય દરજજો સ્થાપિત છે. આપણી ઘણી બધી કથા – વાર્તાઓમાં એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વણિક હતો એવી શરૂઆત થતી હોય છે પણ વર્તમાન બ્રાહ્મણ સુદામાની જેમ રંક નથી રહ્યો પણ સ્થિતિ ઘણી સુધરી છે. બ્રાહ્મણનું કર્મ માત્ર કર્મકાંડ અને કથાપૂજા કરાવવા સુધીનું સીમિત નથી પણ સમયાંતરે વિવિધ ક્ષેત્રે બ્રાહ્મણ કાર્યરત બન્યો છે.
બ્રાહ્મણ વિદ્વાન અને જ્ઞાની હોય છે. વેદપુરાણોની ભાષામાં બ્રાહ્મણ બ્રહ્માનું સંતાન છે. બ્રાહ્મણવંશના સૌ કોઇ બ્રહ્માના પુત્રો કહેવાય છે. નિર્ધન હોય છતાં જ્ઞાની અને વિદ્વાન હોય તો ભગવાન કૃષ્ણ પણ સુદામાના પગ પખાળે છે. બ્રાહ્મણ અપમાનિત થાય છે ત્યારે ચાણકયનું સર્જન થાય છે. ધર્મનું પતન થતું નિહાળે છે ત્યારે આદિ ગુરુ શંકરાચાર્ય જન્મે છે. અસૂરોના વધ માટે જયારે વજ્રાસનની જરૂર પડે છે ત્યારે બ્રહ્મઋષિ દધિચિ અંગોનું દાન કરે છે અને દધિચિ ઋષિનાં હાડકાંઓનું બનેલ વજ્ર અસૂરોનો નાશ કરે છે એવું પણ પુરાણો કહે છે. દધિચિ ઋષિના હાડકાંમાંથી માત્ર વજ્ર નહિ પણ ક્રિષ્ણનું સુદર્શન, શિવજીનું પિનાકપાણિ ધનુષ્ય, પરશુરામનું પરશુ, બલરામજીની ગદા જેવાં શસ્ત્રો ઉપરાંત મધુર અવાજની ચમત્કારી કૃષ્ણની બંસરી પણ બની હતી. બ્રાહ્મણને અન્યાય થાય છે ત્યારે પરશુરામનું પ્રાગટય થાય છે.
ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર ગણાય છે. દધિચિની અસ્થિનું બનેલ પરશુ ભગવાન શિવે તેમને આપ્યું હતું. સાત ચિરંજીવીઓમાં એક પરશુરામ છે. પરશુરામ અમર છે. બ્રહ્માના પુત્ર હોવાથી નારદજી પણ બ્રહ્મર્ષિ નારદ કહેવાય છે. આયુર્વેદાચાર્ય ઋષિ ચરકે વિશ્વને આયુર્વેદની ભેટ આપી છે તો ઝીરોની શોધ કરનાર આર્યભટ્ટ પણ બ્રાહ્મણ હતા. સમાજમાં કુરીતિનો વિરોધ કરનાર બ્રાહ્મણ વંશના દયાનંદ સરસ્વતી અને ગણિતજ્ઞ રામાનુજન તો હમણાં જ ભારતભૂમિ પર થઇ ગયા. વેદ-વેદાંગની રચનામાં બ્રાહ્મણોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
કર્મકાંડી, જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણો માટેના ગ્રંથોમાં ઘણા વેદાંગ કહેવાય છે. એક સૂચિ પર નજર કરીએ તો ઋગ્વેદમાં ઐતરેય બ્રાહ્મણ તથા કૌષીતકી બ્રાહ્મણ ગ્રંથ છે. સામવેદના વેદાંગ તરીકે પ્રૌઢ બ્રાહ્મણ, ષડવિંશ બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, મંત્ર (છાંદિગ્ય) બ્રાહ્મણ, તથા જૈમિનીય બ્રાહ્મણ છે. યજુર્વેદમાં પણ શુકલ યજુર્વેદમાં શતપથ – બ્રાહ્મણ (માધ્યન્દિનીય વાજસનેયિ શાખા) તથા શતપથ બ્રાહ્મણ (જેની કાણ્વ વાજસનેયિ શાખા) ઉપરાંત કૃષ્ણ યજુર્વેદમાં પણ તૈતિરિય બ્રાહ્મણ, મૈત્રાયણી બ્રાહ્મણ, કઠબ્રાહ્મણ તથા કપિષ્ઠલ બ્રાહ્મણનો સમાવેશ થાય છે.
ચોથા અથર્વવેદમાં ગોપથ બ્રાહ્મણ (પિપ્લાદ શાખા) ગ્રંથ વેદાંગ ગણાય છે. આ બધા જ બ્રાહ્મણ ગ્રંથો જ્ઞાનગ્રંથો છે. સુકતો અને મંત્રોના અર્થ સમજવામાં સહાયક બને છે. બ્રાહ્મણગ્રંથોમાં અનેક સ્મૃતિઓનું પણ સર્જન થયું છે. પ્રાચીન ઋષિઓ આંગિરસ, આપસ્તમ્ભ, અત્રિ, બૃહસ્પતિ, બૌધાયન, દક્ષ, ગૌતમ, વસ્ત, હારિત, કાત્યાયન, લિખિત, પારાશર, સંવર્ત, શંખ, શાતાતપ, ઉષાનસ, વશિષ્ઠ, વિષ્ણુ, વ્યાસ, યાજ્ઞવલ્કય તથા યમ એમ ૨૧ ઋષિઓ દ્વારા બ્રાહ્મણગ્રંથ કહેવાતી સ્મૃતિઓની રચના કરવામાં આવી છે. સોળ સંસ્કાર એ સનાતનધર્મીઓ માટે જરૂરી છે પણ બ્રાહ્મણે તો અવશ્ય કરવાના હોય છે. બ્રાહ્મણો માટે તો શાસ્ત્રોમાં ત્રિકાળ સંધ્યા કરવી અનિવાર્ય ગણાવી છે પણ વર્તમાને સમય, સંજોગોને કારણ આ પરંપરા લુપ્ત થતી જાય છે. કર્મઠ બ્રાહ્મણો જ માત્ર ત્રિકાળ સંધ્યા કરતા જોવા મળે છે. બ્રાહ્મણોએ કળા, સાહિત્ય, વિજ્ઞાન, રાજનીતિ, શિક્ષણ, સંસ્કૃતિ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રોએ અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.
ચાણકય જેવા રાજનીતિજ્ઞ ચતુરાઇથી આખા રાજયની સત્તા બદલી શકે છે તો પેશ્વા બાજીરાવ જેવો બ્રાહ્મણ રાજસત્તા પર આરૂઢ પણ થઇ શકે છે. પ્રાચીનકાળથી આપણે જોતા આવ્યા છીએ કે પ્રત્યેક રાજદરબારમાં રાજયગુરુ ભૂદેવનું વિશેષ સ્થાન હોય છે અને તેમની સલાહ – સૂચન દ્વારા જ રાજનો કારભાર થતો હોય છે. જો કે એ બ્રાહ્મણોના સમ્માનનો એક સમય હતો. આજે પણ ભારતની 15% વસ્તી બ્રાહ્મણોની છે. ઉત્તર પ્રદેશમાં પણ માત્ર 14% વસ્તી ધરાવતા બ્રાહ્મણો સત્તા બદલી નાખવા કારણભૂત બની શકે છે એટલે રાજકીય પક્ષો બ્રાહ્મણોને રીઝવવા જાત-જાતના પ્રલોભનો તેના ચૂંટણીઢંઢેરામાં આપતા હોય છે.
હમણાં જ 2022ની ચૂંટણીમાં આરક્ષણ, રોકડ સહાય સાથેની ઓફરો સાથે પરશુરામ ભગવાનની વિશાળ પ્રતિમાઓ બનાવવાની ઓફરો ઉ.પ્ર.માં થઇ હતી તો શાસક પક્ષે પણ બ્રાહ્મણ ઉમેદવારો ઊભા રાખી રાજકીય લાભ મેળવ્યો હતો આજે ઉ.પ્ર.માં 10 પ્રધાનો સાથે 46 વિધાયકો બ્રાહ્મણ છે. એક સમય એવો હતો કે બ્રાહ્મણો કયારેય એકતા સાધી ના શકે એવી વાયકા હતી પણ આજે દરેક ગામ – શહેરમાં બ્રહ્મ સંગઠનો છે. જે સમાજલક્ષી અનેક કાર્યો કરી રહ્યાં છે. માણસના જીવનમાં જન્મથી મૃત્યુ સુધી આવતા સારાનરસા દરેક શુભ-અશુભ પ્રસંગોમાં આપણા સમાજને બ્રાહ્મણની જરૂર પડે છે અને બ્રાહ્મણના આશીર્વાદ પ્રાપ્ત હેતુથી પૂર્ણ સમ્માન આપે છે.