ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે 30 નવેમ્બરે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર છવાઈ ગયો. કોહલીએ 102 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને પોતાની 83મી શાનદાર સદી ફટકારી. માર્કો જેન્સનના ચોગ્ગાથી કોહલીએ 38મી ઓવરમાં સદીનો આંકડો પાર કર્યો.
એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ હવે કોહલીના નામે
આ વિરાટ કોહલીની વનડેમાં 52મી સદી છે. આ સાથે કોહલી એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે જેમણે ટેસ્ટમાં 51 સદી ફટકારી હતી. કોહલીની કુલ આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા હવે 83 થઇ ગઈ છે.
- ટેસ્ટ: 30 સદી
- ODI: 52 સદી
- T20: 1 સદી
કોહલીએ તેની છેલ્લી સદી આ વર્ષે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફટકારી હતી.
રાંચી – કોહલીનું લકી મેદાન
રાંચીનું આ મેદાન વિરાટ માટે ખૂબ જ ખાસ રહ્યું છે. કારણ કે અહીં તે
- 3 ODI સદી ફટકારી ચૂક્યો છે
- કુલ 5 ઇનિંગ્સમાં 484+ રન બનાવી ચૂક્યો છે
- એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે
કોહલી-રોહિતની ભાગીદારી પણ ઐતિહાસિક
રાંચી મેચમાં કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. આ ODIમાં બંને વચ્ચેની 20મી સદી ભાગીદારી હતી.
રાંચી ODIમાં મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો. કોહલી-રોહિતની જોડી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ એકસાથે રમનારી ભારતીય જોડી બની. આ તેમનો 392મો આંતરરાષ્ટ્રીય મેચ હતો. આ સાથે કોહલી અને રોહિતે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની દિગ્ગજ જોડીને પાછળ છોડી દીધી. જેમણે સાથે મળીને 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.