Entertainment

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી ૨’ પર નફરત ફેલાવવાનો આક્ષેપ, પ્રદર્શન પૂર્વે જ વિવાદ ગરમાયો

‘ધ કેરલા સ્ટોરી‘ની સિક્વલ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી ૨’ કાનૂની વમળજાળમાં અટવાઈ ગઈ છે. વિપુલ અમૃતલાલ શાહની આ ફિલ્મ ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ નામની આ સિક્વલ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થવાની છે. ટ્રેલર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકોએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ નફરત ફેલાવનારી છે. ટ્રેલર જોયા બાદ કેટલાક યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી કે ફિલ્મમાં એવું ઘણું છે, જેનાથી તણાવ વધી શકે છે. નિર્ધારિત રિલીઝ પહેલાં કેરલા હાઇકોર્ટે જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરી અને માહિતી-પ્રસારણ મંત્રાલય, નિર્માતાઓ તેમ જ સેન્સર બોર્ડને નોટિસ ફટકારી છે. આ પગલાં બાદ ટીઝર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ફિલ્મની રિલીઝ રોકવાની માંગ તેજ બની છે.

અરજદાર શ્રીદેવ નંબુદિરીએ દલીલ કરી છે કે ટ્રેલરમાં કેરળ રાજ્યને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમના મત મુજબ, ફિલ્મમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંવેદનશીલ છે અને તેનાથી સામાજિક તથા ધાર્મિક તણાવ ઊભો થવાની શક્યતા છે. અરજીમાં એ સવાલ પણ પૂછાયો છે કે વાર્તામાં અન્ય રાજ્યોનો ઉલ્લેખ હોવા છતાં ફિલ્મનું નામ માત્ર કેરળ સાથે જ કેમ જોડાયું છે? અરજદારે ન્યાયાલયને અપીલ કરી છે કે સંબંધિત સત્તાધિકારીઓ અંતિમ નિર્ણય લે ત્યાં સુધી ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવવામાં આવે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંભવિત અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ‘ધ કેરલા સ્ટોરી 2’ને નફરતભરી ફિલ્મ ગણાવી છે. સીએમ વિજયનએ જણાવ્યું કે પહેલા ભાગમાં કેવી રીતે જુઠ્ઠાણા અને સાંપ્રદાયિક એજન્ડા ફેલાવવામાં આવ્યા હતા તે બધાએ જોયું છે. તેમનું કહેવું છે કે આ વખતે કેરળ પોતાની ધર્મનિરપેક્ષ તાણાવાણાને તોડવાના પ્રયાસને સ્વીકારશે નહીં. મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે પીડિતો પ્રત્યે ચિંતા ન દર્શાવવી દુઃખદ છે. તેમના અનુસાર રાજ્ય સરકારને ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ અને છોકરીઓનું રક્ષણ કરવું જોઈએ. તેમણે દાવો કર્યો કે 32,000 વીડિયો રજૂ કર્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જે નિરાશાજનક છે. તેમણે ઉમેર્યું કે સમાજને પોતાની છોકરીઓની સુરક્ષા માટે સજાગ રહેવું જોઈએ. ફિલ્મને લઈને થઈ રહેલી ટીકા અંગે તેમણે કહ્યું કે ટીકા તેમને પ્રેરણા આપે છે અને તેઓ ઇચ્છે છે કે માતા-પિતા અને છોકરીઓ આ ફિલ્મ જુએ, કારણ કે તે તેમની આંખો ખોલી દેશે. હાલમાં ન્યાયાલયે તમામ પક્ષોને જવાબ રજૂ કરવા કહ્યું છે. હવે આગળની સુનાવણી અને સંભવિત આદેશ પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top