Gujarat

નાનાવરાછાના બુટલેગર પર હિંસક હુમલો, વાહનોમાં તોડફોડ

સુરત : સુરતના નાનાવરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં રવિવારે રાત્રે અહીંના માથાભારે ઇસમે સાગરિતો સાથે મળીને બુટલેગર પર હિંસક હુમલો કર્યો હતો. આરોપીઓએ તલવાર અને લાકડાના દંડાઓ વડે એક બુટલેગર પર જીવલેણ હુમલો કર્યા બાદ મુખ્ય આરોપીએ તેના મોબાઇલ ફોનના સ્ટેટસમાં આ હુમલાનો વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું ‘એકતાનગર અપના બદલા પુરા હુઆ દુઆ મેં યાદ રખના.

આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હુમલો કરનાર અને હુમલાનો ભોગ બનનાર બંને માથાભારે તરીકેની છાપ ધરાવે છે.

મળતી માહિતી અનુસાર 7 ડિસેમ્બરે રાત્રે બુટલેગર વિજય રાઠોડ પર માથાભારે વિજય વોન્ટેડે સાગરીતો સાથે હુમલો કર્યો હતો. અગાઉ બુટલેગર વિજય રાઠોડે આરોપી વિજય વોન્ટેડને તેની પ્રેમિકા સામે માર માર્યો હતો. જેનો બદલો લેવા વિજય વોન્ટેડ ફરી રહ્યો હતો. ગત રાત્રિ વિજય વોન્ટેડ તેના કેટલાક સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડ પર તલવાર અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુટલેગર વિજય રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાનો સૌથી ચૌંકાવનારો ભાગ એ છે કે, આરોપી વિજય વોન્ટેડે માત્ર હુમલો નહોતો કર્યો પરંતુ માર મારતી વખતે વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટ્સમાં ખુલ્લેઆમ મુક્યો હતો.

હુમલાખોર અને હુમલાનો ભોગ બનનાર બંને બે વખત પાસામાં જઇ આવ્યા છે

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, હુમલાખોર અને હુમલાનો ભોગ બનનાર બંને આરોપીઓ સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી
બંને આરોપીઓની ક્રિમિનલ હિસ્ટ્રી પણ ગંભીર છે. ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે અગાઉ બે વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આરોપી વિજય વોન્ટેડ તે પણ મારામારી સહિતના અનેક ગુનાઓમાં આરોપી છે અને તેની સામે પણ બે વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી આરોપી વિજય વોન્ટેડ અને તેના સાગરીતોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top