નવી દિલ્હી: નુપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસાઓ થઇ રહી છે. આજે બીજા દિવસે પણ હિંસા ફાટી નીકળી છે. હાવડાના પંચાલા બજારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અથડામણ થઇ છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઇ છે. વિરોધ કરી રહેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તો રાંચી પરિસ્થિતિ કાબુમાં લેવા આવતી કાલ સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે.
હાવડામાં 13 જૂન સુધી ઈન્ટરનેટ બંધ, 70ની ધરપકડ
હાવડા હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં 70 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રશાસને હાવડામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ પહેલા થયેલી હિંસા બાદ હાવડા જિલ્લાના ઉલુબેરિયા સબ-ડિવિઝનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને આ તકેદારીનું પગલું ભર્યું છે.
રાંચીમાં આવતીકાલ સુધી ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
શુક્રવારે રાંચીમાં ફાટી નીકળેલી હિંસા બાદ જિલ્લા પ્રશાસન એક્શનમાં આવી ગયું છે. પરીસ્થિતને કાબુમાં લેવા આવતીકાલે એટલે કે 12 જૂન સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરતા જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વીડિયો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. રાંચીમાં હિંસા દરમિયાન ઘાયલ થયેલા બે લોકોના મોત થયા છે. આ બંને લોકોને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે.
ઘરમાંથી બહાર નીકળ્યા તો અટકાયત કરી શું, રાંચી પ્રશાસનની જાહેરાત
રાંચીમાં હિંસાની ઘટનાના એક દિવસ બાદ વહીવટીતંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું છે. વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે જે લોકો તેમના ઘર છોડશે તેમને કસ્ટડીમાં લેવામાં આવશે.
યુપી પોલીસ એક્શનમાં, 229ની ધરપકડ
શુક્રવારે થયેલી હિંસા અંગે યુપી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. યુપી પોલીસે હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 229 લોકોની ધરપકડ કરી છે. પ્રયાગરાજમાં 70, હાથરસમાં 50, સહારનપુરમાં 48, આંબેડકરનગરમાં 28, મુરાદાબાદમાં 25, ફિરોઝાબાદમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસે આ મામલામાં 5000 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે.
પ્રયાગરાજ હિંસાનો માસ્ટર માઇન્ડ કસ્ટડીમાં
પ્રયાગરાજમાં હિંસા મામલે જાવેદ અહેમદને પોલીસે કસ્ટડીમાં લીધો છે. પોલીસે જાવેદને હિંસાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે. પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે કહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો પોલીસ પ્રશાસન પર પથ્થરમારો કરવા માટે સગીર બાળકોને આગળ ધપાવે છે. પ્રયાગરાજના અટાલામાં હિંસા બાદ હવે બુલડોઝર મારવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસ પ્રશાસન હવે અટાલા વિસ્તારમાં બુલડોઝર મોકલીને ગેરકાયદે બાંધકામ તોડવાની તૈયારી કરી રહ્યું છે.