પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ(PTI) પ્રમુખ ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં થયેલા હુમલા બાદ સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. લાહોર-કરાચી સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ રોડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો ઈસ્લામાબાદમાં લોકડાઉન (Lockdown In Islamabad)લાગુ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને પાકિસ્તાની સેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શનમાં ઘણી જગ્યાએ પાકિસ્તાની સેના મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, એવી આશંકા છે કે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ પણ ફાટી શકે છે.
વડાપ્રધાન અને સેના સામે લોકોમાં રોષ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના જનરલ સેક્રેટરી અસદ ઉમરે જણાવ્યું કે ઈમરાન ખાને તેમની હત્યાના પ્રયાસમાં ત્રણ લોકો પર શંકા વ્યક્ત કરી છે. જેમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, મંત્રી રાણા સનાઉલ્લાહ અને સેનાના એક વરિષ્ઠ અધિકારીનું નામ સામેલ છે. પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરે આ ત્રણ લોકોને એટલે કે વડાપ્રધાન શાહબાઝ શરીફ, મંત્રી સનાઉલ્લાહ અને વરિષ્ઠ સૈન્ય અધિકારીને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે.
પીટીઆઈના કાર્યકરોએ કરી આ માંગ
પીટીઆઈ નેતાના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાને ચેતવણી આપી છે કે જો આ લોકોને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટી આખા પાકિસ્તાનમાં વિરોધ કરશે, કારણ કે પાકિસ્તાન હવે આ રીતે ચાલી શકશે નહીં.
સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનની ચેતવણી
અસદ ઉમરે કહ્યું કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પીટીઆઈના તમામ કાર્યકર્તા ઈમરાન ખાનની અપીલની રાહ જોઈ રહ્યા છે. તેમના એક ઈશારા પર આખા પાકિસ્તાનમાં દેખાવો થશે. નોંધપાત્ર વાત એ છે કે, ગત રાત્રે પખ્તુનોએ પેશાવરમાં કોર્પ્સ કમાન્ડર 11 કોર્પ્સના ઘરને ઘેરી લીધું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પખ્તુનોએ બાજવા મુર્દાબાદ, પાકિસ્તાન આર્મી મુર્દાબાદ અને આઈએસઆઈ મુર્દાબાદના નારા લગાવ્યા હતા પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ સ્થિતિ તંગ છે.
અમેરિકાએ ઇમરાન ખાન પર થયેલા હુમલાની નિંદા કરી
અમેરિકાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર તેમની વિરોધ માર્ચ દરમિયાન હુમલાની નિંદા કરી અને કહ્યું કે રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી અને અમેરિકા લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ પાકિસ્તાન માટે પ્રતિબદ્ધ છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું, “અમેરિકા એક રાજકીય રેલીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને અન્ય લોકો પર હુમલાની સખત નિંદા કરે છે. અમે ખાન અને અન્ય તમામ ઘાયલો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.”