નવી દિલ્હી: મણિપુરના (Manipur) મુખ્યમંત્રી એન બિરેન સિંહે થોડા દિવસ પહેલા કુકી-જો સમુદાયની અલગ વહીવટની (Separate Administration) માંગને ફગાવી દીધી હતી. ત્યાર બાદ ફરી એકવાર મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી અને કુકી સમુદાય (Cookie Community) રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો. આટલું જ નહીં પણ ગઇ કાલે રવિવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઘણી જગ્યાએ ડ્રોન હુમલા પણ થયા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા.
અસલમાં ગઇકાલે મણિપુરના કડાંગબંદ પાસેના કાંગપોકપીના નખુજંગ ગામમાં બપોરે 2.35 કલાકે ગોળીબાર શરૂ થયો હતો. ત્યાર બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હુમલાઓ થયા હતા. જેમાં 2 લોકોના મોત થયા હતા તેમજ 9 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોની ટીમો એલર્ટ મોડ પર છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર ઊગ્રવાદીઓએ કોટ્રુક અને પડોશી કડાંગબંદમાં ખીણના નીચલા વિસ્તારોમાં ટેકરીના ઉપરના ભાગથી ગોળીબાર અને બોમ્બ હુમલા કર્યા હતા. તેમજ ડ્રોન દ્વારા એક ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
ઘટનાની માહિતી આપતા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ હુમલામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. તેમજ ઊગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘણા ઘરોને પણ નુકસાન થયું હતું. દરમિયાન ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે નવ ઇજાગ્રસ્તોમાંથી પાંચને ગોળી વાગી હતી, જ્યારે અન્યને શ્રાપનેલ મારવામાં આવી હતી.
હુમલાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો
મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ગામમાં અચાનક થયેલા હુમલાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત ઘણા લોકોને સુરક્ષિત સ્થળોએ ભાગી જવાની ફરજ પડી હતી. ત્યારે મૃતક મહિલાની ઓળખ 31 વર્ષીય નંગબમ સુરબલા દેવી તરીકે થઈ હતી. તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં લઈ જવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અન્ય મૃતકની ઓળખ હજુ થઈ નથી. પરિસ્થિતિને સ્થિર કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય એકમો સહિત સુરક્ષા દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
મહિલા સહિત બે લોકોની હત્યા
કોટ્રુકના નિઃશસ્ત્ર ગ્રામજનો પર થયેલા હુમલાને રાજ્ય સરકારે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. મણિપુર ગૃહ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારને કુકી આતંકવાદીઓ દ્વારા કથિત રીતે નિઃશસ્ત્ર કૌત્રુક ગ્રામવાસીઓ પર હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે માહિતી મળી છે, જેમાં એક મહિલા સહિત બે લોકો માર્યા ગયા છે.” રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવાના તમામ શક્ય પ્રયાસો કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા નિઃશસ્ત્ર ગ્રામજનોને આતંકિત કરવાની બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે.”
તેમાં કહેવામાં આવ્યું છે કે નિઃશસ્ત્ર ગ્રામજનોમાં હંગામો મચાવવાના આવા કૃત્યને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને પાટા પરથી ઉતારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ઇમ્ફાલ પશ્ચિમમાં કૌત્રુક ગામ પર હુમલામાં સામેલ લોકોને સજા કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.” દરમિયાન, રાજ્યના પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ અધિક્ષકોને તમામ સરહદી વિસ્તારોમાં મહત્તમ સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે.