National

વિજયે કરુર ભાગદોડમાં ભોગ બનેલા પરિવારોને ખાનગી હોટલમાં આપી સાંત્વના, સ્થળ પસંદગી પર ઉઠ્યાં પ્રશ્નો

તમિલ અભિનેતા અને રાજકારણી વિજયે કરુર ભાગદોડના ભોગ બનેલા પરિવારોને મળીને સાંત્વના આપી. આ બેઠક ચેન્નાઈ નજીક મમલ્લાપુરમની એક ખાનગી હોટલમાં યોજાઈ હતી. જેમાં 37 પરિવારોના 200થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. વિજયે દરેક પરિવાર સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને તેમને ધીરજ આપવાનો પ્રયાસ કર્યો.

ખાનગી હોટલમાં બેઠક
આ બેઠક એક ખાનગી હોટેલના બંધ રૂમમાં યોજાઈ હતી. જેમાં ફક્ત તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ના સભ્યો અને પીડિત પરિવારજનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. મીડિયા અને સામાન્ય જનતાને અંદર જવાની મંજૂરી નહોતી. આ કારણે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો કે વિજયે સીધા કરુર જઈને પીડિતોને કેમ ન મળ્યા?

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય શરૂઆતમાં કરુર જવાનો વિચાર રાખતો હતો પરંતુ સુરક્ષા અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓને કારણે સ્થળ બદલીને મમલ્લાપુરમમાં બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમ છતાં આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

ભાગદોડની ઘટના અને રાહત સહાય
યાદ રાખવું જોઈએ કે તા. 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરુરમાં વિજયની રેલી દરમિયાન ભારે ભીડ એકત્ર થઈ હતી. ભાગદોડમાં 41 લોકોનાં મોત થયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

દિવાળી પહેલા વિજયની પાર્ટી TVK એ કરુરમાં મૃતકોના પરિવારોને રાહત સહાયરૂપે રૂ 20 લાખનું દાન આપ્યું હતું. પાર્ટી અનુસાર આ સહાય સીધી અસરગ્રસ્ત પરિવારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

પીડિત પરિવારો સાથેની મુલાકાત
વિજયે બેઠક દરમિયાન દરેક પરિવારને વ્યક્તિગત રીતે મળીને તેમની પીડા સાંભળી. સૂત્રો મુજબ તેમણે દરેક પરિવારને આશ્વાસન આપ્યું કે તેમની ચિંતા અને મુશ્કેલીઓ દૂર કરવા પાર્ટી સતત પ્રયત્નશીલ રહેશે.

આ બેઠક દરમિયાન કોઈ જાહેર ભાષણ કે મીડિયા ઈન્ટરેક્ટશન નહોતું. વિજયે કહ્યું કે તેમની મુલાકાતનો ઉદ્દેશ માત્ર પીડિતોને ધીરજ આપવાનો હતો. રાજકીય ફાયદો મેળવવાનો નહીં.

લોકોની પ્રતિક્રિયા
કેટલાક લોકોએ વિજયના આ પગલાને “સંવેદનશીલ અને જવાબદાર” ગણાવ્યું. જ્યારે અન્યોએ કહ્યું કે તેમને સીધા કરુર જઈને લોકોની વચ્ચે જવું જોઈએ હતું. સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

વિજયની આ મુલાકાત ભાગદોડની દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થવાના અવસરે થઈ છે. જે તેમના રાજકીય જીવનમાં એક મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહી છે.

Most Popular

To Top