ગાંધીનગર : નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના (Video conference) માધ્યમથી સહભાગી થતાં આ વિશ્વાસ દર્શાવ્યો હતો. એપેક્સ કમિટીની આ દ્વિતીય બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીથારામન, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીશ્રી પિયૂષ ગોયલ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ મંત્રીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી સાકાર કરે છે. સેક્ટર સ્પેસિફિક ઇકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સુસજ્જ છે. મુખ્યમંત્રીએ ધોલેરા SIRના અક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની SPV રચવામાં આવેલી છે તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી. તેમણે ધોલેરા SIRની ગતિવિધિઓની પ્રગતિ અંગેની વિગતો આ બેઠકમાં આપતા જણાવ્યું હતું કે, આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટિઝ નિર્માણ પૂર્ણતાને આરે છે અને SPV દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
ધોલેરા SIRમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે, તેની છણાવટ કરતાં પટેલે જણાવ્યું હતું કે, એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર ૬૦૦ યુનિટ બાંધવામાં આવશે. ભારત માલા પ્રોજેક્ટ હેઠળ NHAI દ્વારા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેમાં ૩૮ ટકાથી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ગુજરાત સરકાર NHAIને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે.
આ ઉપરાંત ધોલેરા SIRના સર્વાંગી વિકાસ માટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડી.એફ.સી. સાથે તેને જોડવા માટે ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અન્વયે અમદાવાદ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનને ભીમનાથ સ્ટેશનથી ઘોલેરા SIR સુધીના કામોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળેલી છે. આ હેતુસર ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન માટે જરૂરી કુલ જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે અને વહેલી તકે પૂર્ણ કરાશે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સરના વિકાસ માટે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઉપયોગીતા સંદર્ભે જણાવ્યું હતું કે, ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પી.એમ. ગતિશક્તિ ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ધોલેરા એરપોર્ટ તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પૂરા કરવા એપેક્ષ ઓથોરિટી દ્વારા સમયાંતરે માર્ગદર્શન મળે તે માટે કેન્દ્રીય નાણામંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. ઉપરાંત અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની આવશ્યક મંજુરી આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર પ્રોજેક્ટમાં સામેલ કરવા હેતુ જરૂરી કાર્યવાહી કરવા માટેનો અનુરોધ પણ અપેક્ષ ઓથોરિટીને કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહકારથી જ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર અને તે અંતર્ગત ધોલેરા SIRનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું છે.