નવી દિલ્હી: PUBGથી શરૂ થયેલી સચિન અને સીમાની લવ સ્ટોરીની (Love Story) ભારત (India) સહિત સમગ્ર પાકિસ્તાનમાં (Pakistan) ચર્ચા થઈ રહી છે. આજે સીમા હૈદર (Seema Haider) પોતાને સાચી ભારતીય ગણાવી રહી છે અને પાકિસ્તાન જવાની ના પાડી રહી છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીમા હૈદર ત્રિરંગા વાળી સાડી પહેરીને તેના ઘરની છત પર ભારતનો ત્રિરંગો ફરકાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે સીમા પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવતી જોવા મળી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સીમા તેનાં પતિ સચિન અને બાળકો સાથે ટેરેસ પર ઉભી છે. સીમાના વકીલ એપી સિંહ પણ તેમની સાથે હાજર છે. ગામના અન્ય લોકો પણ ટેરેસ પર ઉભા છે, સાથે પોલીસકર્મી પણ દેખાય છે. બધા એક સાથે હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે. આ પછી તે બધા લોકો રાષ્ટ્રગીત ગાતા જોવા મળે છે. આ વીડિયોમાં પણ સીમા પોતાના બાળકો સાથે બેસીને હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહી છે. આ સાથે તેના બાળકો પણ તેની પાછળ નારા લગાવતા જોવા મળે છે.
યુપી પોલીસ સીમાની પૂછપરછ કરી રહી છે
સીમા હૈદર તેનાં પ્રેમી સચિન સાથે લગ્ન કરવા પોતાના 4 બાળકો સાથે નેપાળ થઈને ગેરકાનૂની રીતે ભારત પહોંચી હતી. સીમાએ જણાવ્યું કે તેણે સચિન સાથે લગ્ન કર્યા છે. જ્યારે તે ભારતમાં સચિન સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચી ત્યારે પોલીસે સીમાની ધરપકડ કરી હતી. આ પછી પોલીસે સચિન અને તેના પિતાની પણ ધરપકડ કરી હતી. જોકે પૂછપરછ બાદ તમામ લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસને શંકા હતી કે સીમા પાકિસ્તાની જાસૂસ હોઈ શકે છે. જે અંગે તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે પૂછપરછમાં જાસૂસીનો કોઈ એંગલ સામે આવ્યો ન હતો, ત્યારે કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.